News

પારડીના રાબડી ટેકરી ફળિયામાં દીપડાનો આતંક, વાછરડીનું મારણ કરતાં ગ્રામજનોમાં ભય

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના રાબડી ટેકરી ફળિયા ગામે મોડી રાત્રે દીપડાએ વાછરડીનું મારણ કરતાં સમગ્ર વિસ્તારમાં ભય અને ચિંતાનો માહોલ ફેલાયો છે. રહેણાક વિસ્તારની નજીક દીપડાની અવરજવરથી ગ્રામજનોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

Advertisement

મળતી માહિતી મુજબ, રાબડી ટેકરી ફળિયા ગામે નરેન્દ્રસિંહ ગોમાનસિંહ ગોહિલની વાછરડી પર મોડી રાત્રે દીપડાએ હુમલો કર્યો હતો. દીપડાએ વાછરડીને ફાડી ખાધી હતી. સવારે આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોમાં ચકચાર મચી ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે અગાઉ નવરાત્રિ દરમિયાન પણ આ વિસ્તારમાં દીપડી જોવા મળી હતી. તે સમયે ગ્રામજનોની જાણ બાદ વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે પાંજરું મૂકવામાં આવ્યું હતું. જોકે, હવે ફરી એકવાર દીપડાએ પશુનું મારણ કરતાં વન્યપ્રાણીની અવરજવર અંગે ચિંતા વધી છે.

ઘટનાને પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. ખાસ કરીને રાત્રિના સમયે ઘરની બહાર નીકળતા લોકો, ખેતરોમાં કામ કરતા ખેડૂતો અને પશુપાલકોમાં અસુરક્ષાની લાગણી જોવા મળી રહી છે.

આ બનાવ અંગે વન વિભાગને જાણ કરવામાં આવી છે. ગ્રામજનોએ વન વિભાગના અધિકારીઓને તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ કરવા, દીપડાની અવરજવર પર નજર રાખવા અને યોગ્ય સુરક્ષાત્મક પગલાં ભરવા માંગ કરી છે.

હવે વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં દીપડાને પકડવા માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને ગ્રામજનો તથા પશુધનની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *