ખેડૂતોને આધુનિક અને કુદરતી ખેતી પદ્ધતિ અંગે માર્ગદર્શન અપાશે

ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી પ્રત્યે જાગૃતિ વધે અને ખેતીમાં કુદરતી પદ્ધતિઓનો વધુ ઉપયોગ થાય તે હેતુથી અરનાલા ખાતે આગામી 17 સપ્ટેમ્બર, ગુરુવારે ખેડૂત તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી દયાનંદ આદિવાસી સંસ્કાર કલ્યાણ ધામ ટ્રસ્ટ, અરનાલા દ્વારા ખેતીવાડી શાખા, વલસાડના આત્મા પ્રોજેક્ટ અંતર્ગત આ શિબિર યોજાશે.
શિબિરમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની પદ્ધતિ, તેના ફાયદા, જમીનની ફળદ્રુપતા જાળવવાની રીતો તેમજ ખેતીમાં કુદરતી સંસાધનોના ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવશે. ઓછા ખર્ચે અને પર્યાવરણને અનુકૂળ ખેતી કરી શકાય તે માટે નિષ્ણાતો દ્વારા ઉપયોગી માહિતી આપવામાં આવશે.
આ કાર્યક્રમની તૈયારીઓને લઈને રમેશભાઈ પટેલ દ્વારા આયોજનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. શિબિર વ્યવસ્થિત રીતે યોજાય અને ઉપસ્થિત ખેડૂતોને જરૂરી માર્ગદર્શન તથા સુવિધા મળી રહે તે માટે વિવિધ તૈયારીઓ કરવામાં આવી રહી છે.
શિબિરનું આયોજન સવારે 9થી બપોરે 12 વાગ્યા સુધી કરવામાં આવ્યું છે. ત્યારબાદ બપોરે 12:15 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
શિબિરનું સ્થળ શ્રી દયાનંદ આદિવાસી સંસ્કાર કલ્યાણ ધામ ટ્રસ્ટ, શ્રી કલ્યાણેશ્વર મહાદેવ મંદિર, કોલક નદીના પાવન તટે, મુ. અરનાલા, તા. નાનાપોંઢા, જિ. વલસાડ રાખવામાં આવ્યું છે.
આ શિબિરમાં આસપાસના ગામોના ખેડૂત ભાઈ-બહેનો મોટી સંખ્યામાં જોડાય અને પ્રાકૃતિક ખેતી અંગેની માહિતીનો લાભ લે તેવી આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે. કાર્યક્રમમાં પરિવાર સહિત ઉપસ્થિત રહેવા ખેડૂતોને હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે.
