
‘આર્થિક સર્વેક્ષણ 2025-26’ માં દેશના સ્વાસ્થ્ય ક્ષેત્રે એક મોટા ડિજિટલ પરિવર્તનની હિમાયત કરવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા સંસદમાં રજૂ કરાયેલા આ અહેવાલમાં જણાવાયું છે કે ભારત હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ટેક્નોલોજીના માધ્યમથી દેશના ‘હેલ્થ હોટસ્પોટ્સ’ (સ્વાસ્થ્ય જોખમ ધરાવતા વિસ્તારો) ની ઓળખ કરશે.
આ નવીન અભિગમ દ્વારા શહેરી સ્લમ વિસ્તારોમાં વધતી સ્થૂળતા અને પેરિ-અર્બન શાળાઓમાં ડિજિટલ વ્યસન જેવી ગંભીર સમસ્યાઓનું સચોટ વિશ્લેષણ કરવામાં આવશે.
ઈકોનોમિક સર્વે મુજબ, સરકાર UDISE+, ABDM અને AISHE જેવા ડિજિટલ પ્લેટફોર્મ્સને AI સાધનો સાથે સાંકળી રહી છે. આ ટેક્નોલોજીની મદદથી એવા ભૌગોલિક વિસ્તારોને ટ્રેક કરવામાં આવશે જ્યાં બિન-ચેપી રોગો (NCDs) અને માનસિક સ્વાસ્થ્યના પ્રશ્નો વધુ જોવા મળે છે. ખાસ કરીને ‘આશા’ (ASHA) કાર્યકરો માટે AI ચેટબોટ્સ (ASHABot) અને ‘આશા કિરણ’ જેવા ડિજિટલ ડેશબોર્ડ્સનો ઉપયોગ કરીને ડાયાબિટીસ, માતૃ-બાળ સુરક્ષા અને અન્ય ચેપી રોગોનું સઘન મોનિટરિંગ કરવાની યોજના છે.
અહેવાલમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે ભારતમાં ‘અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ’ (UPF) ના વેચાણમાં 2009 થી 2023 દરમિયાન 150 ટકાનો ધરખમ વધારો થયો છે, જે સ્થૂળતાનું મુખ્ય કારણ છે. NFHS-5 ના ડેટા મુજબ, લગભગ 24 ટકા મહિલાઓ અને 23 ટકા પુરુષો ઓવરવેઇટ છે. આ ઉપરાંત, 15 થી 24 વર્ષના યુવાનોમાં સોશિયલ મીડિયાના વળગણને કારણે ડિજિટલ ડેટા વ્યસન વધી રહ્યું છે, જે માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી રહ્યું છે.
છેલ્લા દાયકામાં ભારતે સ્વાસ્થ્ય સૂચકાંકોમાં પ્રશંસનીય પ્રગતિ કરી છે. 1990 ની તુલનામાં માતૃ મૃત્યુદરમાં 86 ટકા અને પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના મૃત્યુદરમાં 78 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ સફળતાને આગળ વધારવા માટે સરકાર હવે ટેલિ-માનસ (Tele-MANAS) જેવી સેવાઓ દ્વારા માનસિક સ્વાસ્થ્ય અને ‘ફિટ ઈન્ડિયા’ જેવા અભિયાનો દ્વારા શારીરિક સુદ્રઢતા પર ભાર મૂકી રહી છે. નિષ્ણાતોના મતે, ટેક્નોલોજી અને પાયાની આરોગ્ય સેવાઓનું આ એકીકરણ ભારતને ભવિષ્યની મેડિકલ ઈમરજન્સી સામે સજ્જ બનાવશે.




