
- મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં આણંદના ભાદરણ ખાતે રાજય કક્ષાનો અને નાણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં વલસાડ ખાતે જિલ્લા કક્ષાનો ગ્રામોત્થાન યોજનાના શુભારંભનો કાર્યક્રમ યોજાયો
- મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં યોજાયેલા જીવંત પ્રસારણ કાર્યક્રમને કોળી પટેલ સમાજની વાડીમાં સૌએ નિહાળ્યું
- ૧૦ હજાર કે તેથી વધુ વસ્તી ધરાવતા ગામોનો વિકાસ શહેરી વિસ્તારની સમકક્ષ કરાશેઃ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ
- વલસાડ જિલ્લામાં માછીમાર સમાજના વિકાસ માટે બે જેટી અને સરંક્ષણ દિવાલના કામો પણ મંજૂર થયા છે
રાજ્યના વિવિધ જિલ્લામાં ૨૬૬૬ ગ્રામ પંચાયતોનું ઈ-ખાતમુહૂર્ત અને ૧૧૪ ગામોમાં ગ્રામોત્થાન યોજનાનો શુભારંભ રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આણંદ જિલ્લાના ભાદરણ ગામથી કરાવ્યો હતો, આ તબક્કે રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વલસાડ શહેરમાં કોળી સમાજની વાડી ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મંત્રીશ્રીના હસ્તે રૂ. ૧૬.૩૭ કરોડના ખર્ચે બનનારી જિલ્લાની ૫૭ ગ્રામ પંચાયતના નવા ભવન તેમજ તલાટી-કમ-મંત્રીના આવાસોનું નિર્માણનું ઈ- ખાતમુહૂર્ત અને રૂ. ૧૮.૨૭ કરોડના ખર્ચે ૯૭૬ વિકાસ કામોનું ઈ- લોકાર્પણ કરાયું હતું. આ સાથે જ મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનામાં રાજ્યના ૧૧૪ ગામનો શહેરી વિસ્તારની તુલનાએ વિકાસ થશે, જેમાં વલસાડ જિલ્લાના નાનાપોંઢા અને કપરાડાનો પણ સમાવેશ કરાયો છે.
આ પ્રસંગે નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, કચ્છના ધરતીકંપ બાદ રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતનું સુકાન સંભાળી શહેરી સ્વર્ણિમ યોજનાનો પ્રારંભ કરાવી શહેરોનો વિકાસ સાધ્યો હતો. હાલ શહેરમાં ૫૦ ટકા અને ગામડામાં ૫૦ ટકા વસ્તી વસે છે. શહેરમાં સ્થળાંતરના કારણે ગામડા તૂટે નહી તે માટે રાજ્યના દીર્ઘદ્રષ્ટા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગામડાના સર્વાંગી વિકાસ માટે ગ્રામોત્થાન યોજનાનો શુભારંભ કરાવાયો છે. આજે ગુજરાતમાં સતત થઈ રહેલા શહેરીકરણની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ શહેરોની સમકક્ષ આંતર માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે અને શહેરીકરણને ઉત્તેજન આપવા માટે તાલુકા મુખ્ય મથકો હોય અને નગરપાલિકામાં ભળી ન હોય તેવી ગ્રામ પંચાયતોનો સર્વાંગી વિકાસ શહેરની સમકક્ષ કરાશે. રાજ્યના ૧૧૪ ગામોને આ યોજનામાં આવરી લેવાયા છે, જેમાં આપણા વલસાડ જિલ્લાના નાનાપોંઢા અને કપરાડાનો પણ સમાવેશ કરાયો છે. જે ગામની વસ્તી ૧૦ હજાર કે તેથી વધુ હોય તે ગ્રામ પંચાયતમાં આ યોજનાનો અમલ કરી ગટર વ્યવસ્થા અને પીવાના પાણી સહિતની સુવિધા ૨૦૩૦ સુધીમાં સંપૂર્ણ સેચ્યુરેશન સાથે ગ્રામજનોને મળતી થશે. આ સિવાય વલસાડ જિલ્લામાં માછીમાર સમાજના વિકાસ માટે બે જેટી પણ મંજૂર થઈ છે અને સરંક્ષણ દિવાલના કામો પણ મંજૂર થયા છે જેનું આગામી દિવસોમાં ખાતમુહૂર્ત કરાશે.
વલસાડના ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલે જણાવ્યું કે, ગ્રામ પંચાયતો એ ગામડાના વિકાસ માટે પાયાની જરૂરીયાત છે. દરેક ગામડામાં અદ્યતન ગ્રામ પંચાયત બનવાથી ગ્રામજનોને વધુ સારી સુવિધાઓ મળશે. કપરાડાના ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું કે, વલસાડ જિલ્લાના આદિવાસી તાલુકા નાનાપોંઢા અને કપરાડામાં આગામી પાંચ વર્ષમાં શહેરી વિસ્તાર જેવી આધુનિક સુવિધાઓ મળતી થઈ જશે. ૧૧૪ ગામોમાં ગ્રામોત્થાન યોજના હેઠળ રૂ. ૧૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. ગામડામાં પણ ભુગર્ભ ગટર, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, સોલાર ઊર્જા સહિતની તમામ સુવિધા મળશે.
નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ વલસાડ જિલ્લાના ૧૫માં નાણાપંચ હેઠળ રૂ. ૧૮.૨૭ કરોડના ખર્ચે વિકાસના કુલ ૯૭૬ કામોનું ઈ-લોકાર્પણ કર્યુ હતું. જેમાં ૮૭ શૌચાલય, ૩૦૪ સ્થળે પીવાનું પાણી, ૨૦૬ સ્થળે ગટર સુવિધા, ૩૪ શેડ, ૧૧ સ્મશાનભૂમિ, ૩૭ આર.ઓ., ૯૪ રસ્તા, ૧૨૩ સ્થળે પેવર બ્લોક, , ૧૬ સ્થળે પ્રોટેકશન વોલ અને કંપાઉન્ડ વોલ, ૮ સ્થળે સીસીટીવી કેમેરા, ૧૨ સ્થળે સ્ટ્રીટલાઈટ અને સાફ સફાઈના સાધનોનું લોકાર્પણ કરાયુ હતું.
આ પ્રંસગે આણંદના ભાદરણ ખાતે મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં યોજાયેલા રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું.
આ પ્રસંગે વલસાડ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી મીનાબેન ઠાકોર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી અશોક કલસરીયા, જિલ્લા સંગઠન મહામંત્રી કમલેશ પટેલ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ તેમજ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સ્વાગત પ્રવચન નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ.વી.બાંભરોલીયાએ કર્યુ હતું, જ્યારે આભારવિધિ ભાગડાવડા ગામના સરપંચ ધર્મેશ પટેલે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પિંકલ ટંડેલ અને પ્રીતિ પટેલે કર્યુ હતું.




