વાપી ખાતે આદર્શ કેળવણી મંડળ સંચાલિત શ્રી કૌશિક કાંતિલાલ હરિયા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 એસએસસી બોર્ડ પરીક્ષાની શરૂઆત નિમિત્તે વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવવા વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે આદર્શ કેળવણી મંડળના ટ્રસ્ટીશ્રીઓ, શાળાના આચાર્ય દીપકકુમાર એન. પટેલ તેમજ વાપીના સમાજસેવી હરીશભાઈ આર્ટ અને તેમની ધર્મપત્નીએ પરીક્ષાર્થી વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી પુષ્પગુચ્છ અર્પણ કર્યો હતો. સાથે જ મીઠું મો કરાવી મહાદેવી સરસ્વતીની પ્રાર્થના સાથે દીપ પ્રાગટ્ય કરી વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસપૂર્વક પરીક્ષા આપવા પ્રેરણા આપવામાં આવી.
આજે ગુજરાતી-૦૧ના પ્રથમ પ્રશ્નપત્રથી પરીક્ષાની શરૂઆત થઈ હતી. હરીશભાઈ આર્ટે વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારના ડર કે ભય વિના શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપે અને પોતાના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.
યુનિટ-૧ કરવડ હાઈસ્કૂલ કેન્દ્રમાં 12 બ્લોકમાં કુલ 360 વિદ્યાર્થીઓ તેમજ આજુબાજુની 11 શાળાના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ 26 ફેબ્રુઆરી 2026થી 18 માર્ચ 2026 સુધી ચાલનારી એસએસસી અને એચએસસી બોર્ડ પરીક્ષામાં હાજરી આપશે. તમામ વિદ્યાર્થીઓ સફળતા પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી.






