પોરબંદર જિલ્લામાં બોર્ડની પરીક્ષાઓનો શાંતિપૂર્ણ માહોલમાં થયો પ્રારંભ

On: February 27, 2026 8:52 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીએ શ્રીમતી જે.વી. ગોઢાણીયા ગર્લ્સ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડમાં પ્રવેશ કરાવી ઉત્સાહ વધાર્યો

આજે ગુજરાતીના પેપર અત્યંત સરળ અને સમજણપૂર્વકનું રહેતા વિદ્યાર્થીઓના ચહેરા પર સ્મિત

ગોસા (ઘેડ) તા. ૨૬/૦૨/૨૦૨૬
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત એસ.એસ.સી. ૨૦૨૬ તેમજ એચ.એસ.સી. (સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ)ની બોર્ડ પરીક્ષાઓનો પોરબંદર જિલ્લામાં આજથી વિધિવત અને શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો. જિલ્લામાં પરીક્ષાનો પ્રથમ દિવસ ઉત્સાહ, આત્મવિશ્વાસ અને સકારાત્મક વાતાવરણ વચ્ચે સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.
જિલ્લામાં ધોરણ ૧૦ની પરીક્ષામાં કુલ ૭,૨૫૮ વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. જ્યારે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૪૧૩ અને સામાન્ય પ્રવાહમાં ૩,૮૮૩ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જિલ્લાના વિવિધ કેન્દ્રો પર વહેલી સવારે જ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. પરીક્ષા કેન્દ્રોની બહાર વિદ્યાર્થીઓએ અંતિમ તૈયારી કરતાં અને શિક્ષકો તરફથી માર્ગદર્શન લેતા દ્રશ્યો નજરે પડ્યા હતા.
પરીક્ષાના પ્રથમ દિવસે જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી તથા મ્યુનિસિપલ કમિશનર એચ.જે. પ્રજાપતિ દ્વારા વિવિધ પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લેવામાં આવી હતી. અધિકારીઓની ઉપસ્થિતિએ વિદ્યાર્થીઓમાં નવી ઊર્જા અને આત્મવિશ્વાસનું સંચાર કર્યું હતું.
પોરબંદર ખાતે આવેલી શ્રીમતી જયશ્રીબેન વિરમભાઈ ગોઢાણીયા મહિલા કોલેજ પરીક્ષા કેન્દ્ર પર જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છ અર્પણ કરી, મીઠું મોઢું કરાવી અને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે વિદ્યાર્થીઓને સંદેશ આપ્યો કે “શાંતિપૂર્ણ મન, સકારાત્મક વિચાર અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપશો તો નિશ્ચિત સફળતા મળશે.”
આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વી.કે. પરમાર તેમજ કોલેજના શિક્ષણગણ અને શિક્ષકમિત્રોએ પણ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી પરીક્ષા ખંડમાં પ્રવેશ કરાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભર્યા અને આનંદમય વાતાવરણમાં યોજાયો હતો.
બીજી તરફ ચમ મેમોરિયલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી અને એસ.એસ.સી. પરીક્ષાના ઝોનલ ઓફિસર એસ.એચ. સોનીની હાજરીમાં વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. મનોવૈજ્ઞાનિક જે.વી. પ્રશ્નાણી, શાળાના મેનેજિંગ ટ્રસ્ટી કમલ પાઉ અને આચાર્ય સુનયનાબેન ડોગરાએ વિદ્યાર્થીઓનો ભય દૂર થાય તે માટે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું.
તદુપરાંત બાલુબા કન્યા વિદ્યાલય ખાતે મ્યુનિસિપલ કમિશનર એચ.જે. પ્રજાપતિ તથા એચ.એસ.સી. પરીક્ષાના ઝોનલ ઓફિસર નમ્રતાબા વાઘેલાએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. તમામ કેન્દ્રો પર પોલીસ બંદોબસ્ત, સીસીટીવી દેખરેખ અને સુવ્યવસ્થિત બેઠક વ્યવસ્થા રાખવામાં આવી હતી. નકલપ્રવૃતિ અટકાવવા કડક નિયંત્રણો અમલમાં મૂકાયા હતા.
ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓ માટે પ્રથમ પેપર ગુજરાતી વિષયનું હતું, જે અત્યંત સરળ અને સમજણપૂર્વકનું હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું. વ્યાકરણ વિભાગ સરળ રહ્યો હતો અને ‘મારો પ્રવાસ’ જેવા નિબંધ વિષયને કારણે વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસપૂર્વક લેખન કાર્ય પૂર્ણ કર્યું હતું. પરીક્ષા પૂર્ણ થયા બાદ કેન્દ્રોની બહાર વિદ્યાર્થીઓના ચહેરા પર સંતોષ અને સ્મિત સ્પષ્ટ જોવા મળ્યું હતું.
વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે પેપર અભ્યાસક્રમને અનુરૂપ અને સંતુલિત રહ્યું હતું, જેના કારણે ગભરાટ ઓછો અનુભવાયો હતો. અનેક વાલીઓએ પણ પ્રશાસન અને શિક્ષણ વિભાગની યોગ્ય વ્યવસ્થાને બિરદાવતાં કહ્યું કે સકારાત્મક વાતાવરણ વિદ્યાર્થીઓને નિર્ભય બની પરીક્ષા આપવા પ્રેરિત કરે છે.
ઉલ્લેખનીય છે કે પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો હોવા છતાં મુસ્લિમ વિદ્યાર્થીઓએ રોજા રાખીને પણ મક્કમ મનોબળ સાથે પરીક્ષા આપી હતી. કેટલાક વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે ઉપવાસ હોવા છતાં તેમની તૈયારી સંપૂર્ણ હોવાથી પેપર સારું ગયું છે અને તેમને પરિણામ અંગે વિશ્વાસ છે.
પોરબંદર જિલ્લામાં પરીક્ષાનો પ્રથમ દિવસ કોઈ અનિચ્છનીય બનાવ વિના સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. જિલ્લા પ્રશાસન, શિક્ષણ વિભાગ અને શાળાઓના સંકલિત પ્રયાસોથી વિદ્યાર્થીઓને અનુકૂળ અને પ્રેરણાદાયી માહોલ પ્રાપ્ત થયો હતો. ઉચ્ચ અધિકારીઓની રૂબરૂ મુલાકાતે વિદ્યાર્થીઓમાં હકારાત્મક અભિગમ અને આત્મવિશ્વાસનો વિકાસ કર્યો હતો.
આગામી દિવસોમાં પણ આવી જ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પરીક્ષાઓ પૂર્ણ થાય તેવી શુભેચ્છાઓ સાથે જિલ્લા પ્રશાસન સતત મોનીટરીંગ કરી રહ્યું છે.
રિપોર્ટર: વિરમભાઈ કે. અગઠ

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

પેટ્રોલ પંપનો ‘સીક્રેટ કોડ’ ખુલ્યો! 110, 210 કે 510નું તેલ કેમ ભરાવે છે લોકો ?

ફિક્સ પગારદારોની મોટી જીત: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો,લઘુત્તમ વેતન ચૂકવવા સરકારને આદેશ

નારવડ ગામે અખાત્રીજ નિમિત્તે ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીનું ધાન્યથી ભવ્ય સન્માન !

કપરાડા વિધાનસભા 181માં જીતુભાઈ ચૌધરીના પ્રચારને જબરદસ્ત જનસમર્થન સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી–2026માં ભાજપે રેકોર્ડ બહુમતીનો દાવો, વિકાસ મુદ્દે મતદારો ઉત્સાહિત !

કપરાડા વિધાનસભામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા ભાજપનો પ્રચાર તેજ

સુખાલા–નાનાપોઢામાં ભાજપનો જોરદાર પ્રચાર: મમતા બેન પટેલ અને મિતેશભાઈ પટેલને મતદારોનો ઉત્સાહભર્યો પ્રતિસાદ

error: Content is protected !!