
લગ્ન પ્રસંગે જઈ રહેલા પરિવાર પર તૂટી પડ્યો કાળો કહેર, કન્યાના પિતાનું પણ દુઃખદ અવસાન – સમગ્ર પંથકમાં શોકની લાગણી
કપરાડા તાલુકાના વિરક્ષેત્ર ગામ નજીક આજે એક દિલ દહોળી નાખે તેવી માર્ગ દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં પીકઅપ વાનના બ્રેક ફેલ થતા વાહન પલ્ટી ખાઈ ગયું હતું. આ ભયાનક અકસ્માતમાં કુલ 8 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 36થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. ઘાયલોમાંથી અનેકની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે, જેના કારણે મૃત્યુઆંક વધવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

કપરાડા વિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી એ વિરક્ષેત્ર નજીક થયેલા ભયાનક અકસ્માત બાદ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સ્થિતિનો જાતે જ અંદાજ લીધો હતો. તેમણે ઘાયલોના પરિવારજનોને મળીને સંવેદના વ્યક્ત કરી અને સારવાર માટે જરૂરી સહાય પૂરી પાડવા તંત્રને સૂચનાઓ આપી હતી. ધારાસભ્યએ હોસ્પિટલમાં જઈને ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી અને તેમની હાલત વિશે ડોક્ટરો પાસેથી માહિતી મેળવી હતી. સાથે જ તેમણે પ્રશાસનને ઝડપી રાહત અને યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવા દિશા-નિર્દેશ આપ્યા હતા.

મળતી માહિતી મુજબ, ગિરનાર ગામથી કુકુનિયા ખાતે લગ્ન પ્રસંગ (આણુ) માટે એક જ પરિવાર અને સગા-સંબંધીઓ પીકઅપ વાનમાં જઈ રહ્યા હતા. વિરક્ષેત્ર ગામ પાસેથી પસાર થતી વખતે અચાનક વાહનના બ્રેક ફેલ થઈ જતા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. પરિણામે પીકઅપ વાન બેકાબૂ બનીને માર્ગ પરથી ખસી ગઈ અને જોરદાર ધડાકા સાથે ઝાડ સાથે અથડાઈ પલ્ટી મારી હતી.
અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટનાસ્થળે જ ચીસાચીસ મચી ગઈ હતી. આસપાસના લોકો અવાજ સાંભળીને તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. દ્રશ્ય ખૂબ જ હૃદયદ્રાવક હતું – ઘાયલો રસ્તા પર પીડાથી કરૂણ રડતા જોવા મળ્યા હતા, જ્યારે કેટલાક લોકો વાહન નીચે ફસાઈ ગયા હતા. સ્થાનિક લોકોએ બહાદુરીપૂર્વક રાહત કામગીરી શરૂ કરી અને પોલીસ તથા 108 એમ્બ્યુલન્સને જાણ કરી.
તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘાયલોને નજીકની સરકારી તથા ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. ગંભીર હાલતમાં રહેલા દર્દીઓને વલસાડ સિવિલ હોસ્પિટલ તેમજ ધરમપુરની રાજચંદ્ર હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ અકસ્માતમાં 6 લોકોના મોત ઘટના સ્થળે જ થયા હતા, જ્યારે 2 લોકોએ સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. મૃતકોમાં વૃદ્ધો, મહિલાઓ અને નાના બાળકોનો પણ સમાવેશ થતો હોવાને કારણે ઘટનાએ વધુ દુઃખદ સ્વરૂપ ધારણ કર્યું છે.
ઘટનાની જાણ થતાં જ કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે ઘાયલોના પરિવારજનોને મળીને સંવેદના વ્યક્ત કરી અને તાત્કાલિક સારવાર માટે જરૂરી સૂચનાઓ આપી હતી. જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પ્રાથમિક તારણ મુજબ અકસ્માતનું મુખ્ય કારણ બ્રેક ફેલ થવાનું સામે આવી રહ્યું છે.
આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ પેદા કર્યો છે. ગામમાં જ્યાં લગ્નની ખુશી છવાયેલી હતી, ત્યાં પળવારમાં દુઃખનો માહોલ છવાઈ ગયો છે. સગા-સંબંધીઓમાં શોકની લાગણી જોવા મળી રહી છે.
મૃતકોના નામ:
સીતાબેન શંકરભાઈ કડુ (65) – ગિરનારા
હાર્દિક સંજયભાઈ કડુ (8) – ગિરનારા
પુષ્પાબેન મનુભાઈ કડુ (53) – ગિરનારા
ધનજીભાઈ આબજીભાઈ કડુ (68) – ગિરનારા
ઋત્વિક રમેશભાઈ ખુરકુડે (11) – વિરક્ષેત્ર
કૃતિકા રમેશભાઈ ખુરફૂટે (15) – વિરક્ષેત્ર
રાજારામભાઈ શિવરામભાઈ રાઉત (70) – સારવાર દરમિયાન મોત
સેન્ટીબેન વિઠ્ઠલભાઈ કડુ (60) – સારવાર દરમિયાન મોત
લગ્ન પ્રસંગમાં શોક: કન્યાના પિતાનું અકસ્માતમાં મોત
વિરક્ષેત્ર નજીક થયેલા આ ભયાનક અકસ્માતે લગ્ન પ્રસંગને શોકમાં ફેરવી નાખ્યો છે. ગિરનારથી કુકુનિયા જઈ રહેલા પરિવાર સાથે બનેલી આ દુર્ઘટનામાં કન્યાના પિતા રાજારામભાઈ શિવરામભાઈ રાઉતનું પણ દુઃખદ અવસાન થયું છે. લગ્નના આ આનંદમય પ્રસંગે અચાનક આવી દુર્ઘટનાએ સમગ્ર પરિવાર પર આફત તૂટી પડી છે.
પરિવારજનો અને સગા-સંબંધીઓમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. જ્યાં વાંસળી અને શેહનાઈના સૂર ગુંજવાના હતા, ત્યાં રડવાનો અવાજ સંભળાઈ રહ્યો છે. ગામમાં પણ ગાઢ શોકની લાગણી વ્યાપી ગઈ છે.
આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર માર્ગ સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. વાહનોની યોગ્ય તપાસ અને સલામતીના નિયમોનું પાલન ન થવાથી આવી દુર્ઘટનાઓ સર્જાઈ રહી છે, જેને રોકવા માટે કડક પગલાં લેવાની જરૂરિયાત અનુભવી રહી છે.






