
પંચલાઈમાં વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી

પ્રકૃતિ પૂજા સાથે લોકજાગૃતિ કાર્યક્રમ યોજાયો; શિક્ષણ, બંધારણીય અધિકારો અને જળ-જંગલ-જમીનના હકો અંગે સમાજને સંગઠિત થવા હાકલ

વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે પારડી તાલુકાના પંચલાઈ ગામે રાષ્ટ્રીય મૂળનિવાસી સંઘ (દક્ષિણ ગુજરાત) દ્વારા સાંસ્કૃતિક અને લોકજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત નિવૃત્ત શિક્ષક નવીનભાઈ પટેલ દ્વારા પ્રકૃતિ પૂજા સાથે કરવામાં આવી હતી. પ્રકૃતિ અને આદિવાસી જીવનશૈલી વચ્ચેના ઐતિહાસિક સંબંધને ઉજાગર કરતા આ કાર્યક્રમમાં આદિવાસી સમાજના આગેવાનો, શિક્ષણવિદો, મહિલાઓ, યુવાનો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ RMS તથા IICA, દિલ્હી સંયોજક અને રાષ્ટ્રીય પ્રબોધક તારારામ મેહણાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ આદિવાસી સમાજની ઓળખ, સંસ્કૃતિ, પરંપરા, શિક્ષણ, બંધારણીય અધિકારો તથા જળ, જંગલ અને જમીન સાથે જોડાયેલા હકો અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. સમાજમાં જાગૃતિ અને સંગઠન મજબૂત કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.
‘અધિકાર દિવસ માત્ર ઉજવણી પૂરતો ન રહે’
અધ્યક્ષસ્થાનેથી તારારામ મેહણાએ જણાવ્યું હતું કે આદિવાસી સમાજે પોતાની ઓળખ, સંસ્કૃતિ અને બંધારણે આપેલા અધિકારો અંગે જાગૃત બનવું જરૂરી છે. વિશ્વ આદિવાસી અધિકાર દિવસ માત્ર એક દિવસની ઉજવણી બની ન રહે, પરંતુ સમાજના હકો અંગે સતત લોકજાગૃતિનું માધ્યમ બને તે જરૂરી છે.
તેમણે જણાવ્યું હતું કે જળ, જંગલ અને જમીન સાથે આદિવાસી સમાજનો ઐતિહાસિક અને જીવંત સંબંધ રહ્યો છે. પોતાની ભાષા, પરંપરા, સંસ્કૃતિ અને સામાજિક ઓળખનું જતન કરવું સમાજની જવાબદારી છે. નવી પેઢીને ઉચ્ચ શિક્ષણ તરફ દોરી જઈ સંગઠિત બનાવવી અને પોતાના અધિકારો માટે લોકતાંત્રિક રીતે અવાજ ઉઠાવવા સક્ષમ બનાવવી જરૂરી છે.
બંધારણીય અધિકારોની જાગૃતિ પર ભાર

મણિલાલ ભૂંસારાએ જણાવ્યું હતું કે આદિવાસી સમાજની ઓળખ અને અધિકારોનો સંબંધ તેની ઐતિહાસિક ઓળખ સાથે જોડાયેલો છે. ભારતના બંધારણે આદિવાસી સમાજને વિવિધ વિશેષ અધિકારો અને રક્ષણ આપ્યાં છે, ત્યારે આ જોગવાઈઓ અંગે સમાજમાં સમજ અને જાગૃતિ હોવી જોઈએ.
તેમણે પોતાની ભાષા, સંસ્કૃતિ અને પરંપરાનું જતન કરવાની સાથે સમાજના લોકોને સંગઠિત બની પોતાના બંધારણીય અધિકારો અંગે જાગૃત થવા આહ્વાન કર્યું હતું. નવી પેઢીને પોતાના ઇતિહાસ અને મહાનુભાવોના વિચારો સાથે જોડવાની જરૂરિયાત પણ તેમણે વ્યક્ત કરી હતી.
‘અધિકારો માટે હજુ પણ માંગણી કરવી પડે તે ચિંતાજનક’

નિવૃત્ત મામલતદાર જીવણભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે બંધારણે અધિકારો આપ્યા હોવા છતાં આદિવાસી સમાજને પોતાના અધિકારો માટે આજે પણ અનેક વખત માંગણી કરવી પડે છે તે ચિંતાજનક બાબત છે. તેમણે અનામત ઉપરાંત જળ, જંગલ, જમીન અને શિક્ષણના અધિકારો અંગે સમાજમાં જાગૃતિ લાવવા હાકલ કરી હતી.
તેમણે કહ્યું હતું કે સમાજના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે અને તેઓ સક્ષમ બને તે માટે સમાજે પણ જવાબદારી સ્વીકારવી જોઈએ. શિક્ષિત યુવાનોમાંથી મજબૂત અને જવાબદાર નેતૃત્વ ઊભું થાય તે માટે સામૂહિક પ્રયાસ કરવાની જરૂરિયાત તેમણે દર્શાવી હતી.
મહાનુભાવોના વિચારો જીવનમાં ઉતારવા અપીલ
વિજયભાઈ ચૌહાણે વિશ્વ આદિવાસી અધિકાર દિવસને આદિવાસી તથા અન્ય શોષિત સમુદાયોના અધિકારો અંગે જાગૃતિ લાવવાનો મહત્વનો અવસર ગણાવ્યો હતો. તેમણે સમાજની એકતા મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે સમાજમાં શબ્દોના પ્રયોગ અંગે પણ સાવચેતી રાખવી જોઈએ અને મહાનુભાવોની વિચારધારાને માત્ર ભાષણો સુધી મર્યાદિત રાખવાને બદલે જીવનમાં ઉતારવી જોઈએ. વ્યક્તિની વાણી, વર્તન અને વ્યવહારમાં એકરૂપતા રહે ત્યારે જ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી શકાય છે.
29 પેટા જાતિઓને સંગઠિત થવા હાકલ

ચંપકભાઈ વાઢવાએ જણાવ્યું હતું કે આદિવાસી સમાજના આર્થિક વિકાસ માટે માત્ર સરકારી નોકરી પર આધાર રાખવો પૂરતો નથી. યુવાનો માટે રોજગાર, વ્યવસાય, ઉદ્યોગ અને સ્વરોજગારના નવા વિકલ્પો ઊભા કરવાની જરૂર છે.
તેમણે આદિવાસી સમાજની વિવિધ 29 પેટા જાતિઓને એકજૂથ થઈ સંગઠિત બનવા અપીલ કરી હતી. યુવાનો શિક્ષણ સાથે વેપાર, ઉદ્યોગ અને સ્વરોજગાર તરફ આગળ વધે તો સમાજને આર્થિક રીતે વધુ મજબૂત બનાવી શકાય તેમ તેમણે જણાવ્યું હતું.
મહિલાઓની ભાગીદારી વધારવા અપીલ

હીનાબેન નિકુળીયાએ મહિલાઓને ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિચારો અને બંધારણે આપેલા અધિકારો સમજવા અપીલ કરી હતી. મહિલાઓ ઘર-પરિવારની જવાબદારી સાથે સમાજના વિકાસ માટે પણ સમય ફાળવે અને સામાજિક કાર્યક્રમોમાં સક્રિય ભાગ લે તે જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું.
તેમણે શિક્ષિત વર્ગને માત્ર પોતાના વિકાસ પૂરતો સીમિત ન રહેતા સમાજના જરૂરિયાતમંદ બાળકો અને મહિલાઓને આગળ લાવવાની જવાબદારી નિભાવવા અપીલ કરી હતી. મહિલાઓ જાગૃત અને સક્ષમ બને તો સમગ્ર પરિવાર તથા સમાજને તેનો લાભ મળે તેમ તેમણે જણાવ્યું હતું.
જળ, જંગલ અને જમીનના હકો માટે સંગઠનની જરૂર
ખુશાલભાઈ વાઢુંએ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો અને સમાજના આગેવાનોનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે આદિવાસી સમાજના અધિકારોની લડતમાં મહિલાઓની સક્રિય ભાગીદારી અત્યંત જરૂરી છે.
તેમણે જળ, જંગલ અને જમીન સાથે સંકળાયેલા અધિકારો અંગે સમાજને જાગૃત કરી સંગઠિત બનવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી. સમાજની દિશામાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સૌએ સાથે મળીને સતત પ્રયાસ કરવો જોઈએ તેવી અપીલ કરી હતી.
શિક્ષણ વ્યવસ્થા અંગે હરીશ પટેલની ચિંતા
હરીશ પટેલે શિક્ષણને સમાજના વિકાસનું સૌથી મહત્વનું સાધન ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સમાજને નબળો બનાવવો હોય તો તેની શિક્ષણ વ્યવસ્થાને નબળી પાડવી પૂરતી છે. સરકારી શાળાઓમાં શિક્ષકોની અછત, શૈક્ષણિક વ્યવસ્થાના પ્રશ્નો અને શિષ્યવૃત્તિમાં રહેલી અસમાનતા જેવા મુદ્દાઓ અંગે તેમણે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે ગરીબ, આદિવાસી અને વંચિત વર્ગના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે માટે સમાજે પણ અવાજ ઉઠાવવો પડશે. બાબાસાહેબ આંબેડકર, બિરસા મુંડા અને સાવિત્રીબાઈ ફુલે જેવા મહાનુભાવોના શિક્ષણ અને સામાજિક જાગૃતિના વિચારોને જીવનમાં ઉતારવાની જરૂરિયાત તેમણે દર્શાવી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે શિક્ષણ ક્ષેત્રના પ્રશ્નો માત્ર સરકારની જવાબદારી નથી, પરંતુ સમાજના વાલીઓ, શિક્ષકો, અધિકારીઓ અને આગેવાનોની પણ સામૂહિક જવાબદારી છે. ગામેગામ શિક્ષણ અંગે જાગૃતિ આવે અને બાળકોને આગળ વધવાની તક મળે તે માટે સામાજિક જાગૃતિની ચળવળ જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું.
પ્રકૃતિ પૂજા સાથે કાર્યક્રમનું વિશેષ મહત્વ

નિવૃત્ત શિક્ષક નવીનભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલી પ્રકૃતિ પૂજાએ કાર્યક્રમને વિશેષ સંદેશ આપ્યો હતો. આદિવાસી જીવનમાં પ્રકૃતિનું મહત્વ, પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને કુદરતી સંસાધનો સાથેનો સંબંધ ઉજાગર કરવામાં આવ્યો હતો. અધિકાર દિવસની ઉજવણી સાથે પ્રકૃતિ પ્રત્યે આદર અને સંરક્ષણનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનો દ્વારા શિક્ષણ, સંગઠન, મહિલા સશક્તિકરણ, યુવાનોના રોજગાર અને આદિવાસી સમાજની સાંસ્કૃતિક ઓળખના જતન જેવા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમના સફળ આયોજનમાં રાષ્ટ્રીય મૂળનિવાસી સંઘ (દક્ષિણ ગુજરાત) તથા સહયોગી સંગઠનોના કાર્યકરોનો મહત્વનો ફાળો રહ્યો હતો. બળવંતભાઈ પટેલ, ધર્મેશભાઈ પી. પટેલ, નિલેશભાઈ નિકુળિયા, રાકેશભાઈ આર. પટેલ, નવીનભાઈ જી. પટેલ અને હરેશભાઈ પટેલ સહિતના આગેવાનોએ આયોજનમાં સહયોગ આપ્યો હતો. કાર્યક્રમના અંતે સમાજને શિક્ષણ, સંગઠન અને બંધારણીય જાગૃતિના માર્ગે આગળ વધવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.