તાપી જિલ્લાના ઉકાઈ તાલુકાના ઉખલદા ગામના ભૂમિપુત્ર અને ભારતીય સેનાની 57 ફિલ્ડ રેજિમેન્ટમાં ફરજ બજાવતા વીર જવાન ઋત્વિકકુમાર અશોકભાઈ ચૌધરીએ જમ્મુ-કાશ્મીર બોર્ડર પર માતૃભૂમિની રક્ષા કરતાં પોતાનું સર્વોચ્ચ બલિદાન આપીને શહીદી વહોરી છે. વીર જવાનની શહાદતના સમાચારથી સમગ્ર તાપી જિલ્લામાં શોકની લાગણી પ્રસરી છે.


વીર જવાનનો પાર્થિવ દેહ વતન લાવવામાં આવતા સમગ્ર પંથક શોકમગ્ન બની ગયો હતો. તેમની શ્રદ્ધાંજલિ યાત્રા અને અંતિમ વિદાયમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. દેશની રક્ષા કાજે શહીદ થનારા આ શૂરવીર જવાનને સમગ્ર વિસ્તારના લોકોએ ભીની આંખે હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પી હતી.
ઋત્વિકકુમાર ચૌધરીએ દેશની સરહદ પર ફરજ બજાવતા પોતાના જીવનની પરવા કર્યા વિના માતૃભૂમિની રક્ષા માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું. ભારતીય સેનાના જવાન તરીકે તેમની કર્તવ્યનિષ્ઠા, સાહસ અને દેશભક્તિ સમગ્ર સમાજ માટે પ્રેરણાદાયી બની રહેશે.
વીર જવાનની શહાદત તેમના પરિવાર માટે અત્યંત દુઃખદ છે, પરંતુ સમગ્ર તાપી જિલ્લા અને ગુજરાત માટે ગૌરવની વાત પણ છે. ઉખલદા ગામે પોતાના વીર સપૂતને ગુમાવ્યો છે. શહીદ જવાનના પરિવાર પ્રત્યે લોકો દ્વારા સંવેદના વ્યક્ત કરવામાં આવી રહી છે અને પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના કરવામાં આવી રહી છે.
માતૃભૂમિના આ સાચા સપૂત અને વીર જવાન શ્રી ઋત્વિકકુમાર અશોકભાઈ ચૌધરીની અમર દેશભક્તિ અને બલિદાનને શત શત નમન!

વીર શહીદ ઋત્વિકકુમાર અશોકભાઈ ચૌધરી અમર રહો!
તેમનું સર્વોચ્ચ બલિદાન અમર રહો!
ભારત માતાના વીર સપૂત અમર રહો!
