News

ખડકવાળ પ્રાથમિક શાળામાં સેવાકીય પ્રવૃત્તિનો અનોખો સંગમ રક્તદાન કેમ્પમાં 37 યુનિટ રક્ત એકત્રિત થયું, 359 વિદ્યાર્થીઓને ટ્રેક શૂટની ભેટ અપાઈ !

કપરાડા તાલુકાના ખડકવાળ મુકામે આવેલી ખડકવાળ પ્રાથમિક શાળાના પરિસરમાં રક્તદાન કેમ્પ તથા વિદ્યાર્થીઓને ટ્રેક શૂટ અર્પણ કરવાનો સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો. પાર્થ ટ્રેડર્સ વાપી, સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ, રોટરી વાપી રિવર સાઈડ, Rainbow Warriors Dharampur તથા ખડકવાળ પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં શિક્ષણ, આરોગ્ય અને માનવસેવાનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો. કાર્યક્રમ દરમિયાન સેવાભાવી દાતાઓના સહકારથી કુલ 37 યુનિટ રક્તદાન થયું હતું, જ્યારે શાળાના 359 વિદ્યાર્થીઓને ટ્રેક શૂટની ભેટ આપવામાં આવી હતી.

Advertisement

કાર્યક્રમનું ઉદ્ઘાટન પાર્થ ટ્રેડર્સ વાપીના ફાઉન્ડર પાર્થિવ મહેતા, ખડકવાળ ગામના સરપંચ રસીલાબેન ફડવળ, વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ જયેશભાઈ ગરાસિયા, સ્વૈચ્છિક સંઘના તાલુકા સંગઠન મંત્રી કાશીરામભાઈ ધૂમ, હાર્દિકભાઈ ફડવળ, સામાજિક કાર્યકર્તા જયેન્દ્રભાઈ ગાંવિત, રોટરી વાપી રિવર સાઈડના બ્લડ ડોનેશન ચેરમેન અક્ષય રઘુવંશી સહિતના મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું.

મહાનુભાવોના સન્માન સાથે કાર્યક્રમનો પ્રારંભ

કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સેવાભાવ, શિક્ષણ અને સામાજિક જવાબદારી અંગે ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

કાર્યક્રમની વિશેષતા તરીકે Rainbow Warriors Dharampur ગ્રુપની અનોખી પરંપરા મુજબ જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડથી સન્માનિત સંજયભાઈ મકવાણાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ખડકવાળ પ્રાથમિક શાળા પરિવાર તથા Rainbow Warriors Dharampur દ્વારા સંજયભાઈ મકવાણાને શાલ ઓઢાડી અને મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. શિક્ષણ ક્ષેત્રે તેમની સેવાઓને બિરદાવતા ઉપસ્થિત મહાનુભાવોએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.

359 વિદ્યાર્થીઓને ટ્રેક શૂટની ભેટ

કાર્યક્રમમાં સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈના ફાઉન્ડર હિતેનભાઈ ભુતાએ સેવાકીય ભાવનાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેમના દ્વારા ખડકવાળ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 359 વિદ્યાર્થીઓને ટ્રેક શૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારમાં અભ્યાસ કરતા બાળકોને ઉપયોગી સામગ્રી મળે તે દિશામાં કરવામાં આવેલી આ પહેલથી વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી. ટ્રેક શૂટની ભેટ મળતા વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી. શાળા પરિવાર અને ગ્રામજનો દ્વારા હિતેનભાઈ ભુતા તથા સાકાર જીવન વિકાસ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

રક્તદાનમાં સેવાભાવીઓનો ઉત્સાહ

રક્તદાન કેમ્પમાં ગામના યુવાનો, શિક્ષકો તથા સેવાભાવી લોકો દ્વારા ઉત્સાહપૂર્વક રક્તદાન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં કુલ 37 યુનિટ રક્ત એકત્રિત થયું હતું. રક્તદાન કરનાર તમામ દાતાઓનું સન્માન કરી સમાજસેવાના આ પવિત્ર કાર્યમાં સહભાગી બનવા બદલ તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

રક્તદાતાઓને પાર્થ ટ્રેડર્સ વાપી, સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ, રોટરી વાપી રિવર સાઈડ, આર.પી. ઇલેક્ટ્રોનિક્સ રાંધા, સંજયભાઈ મકવાણા તથા Rainbow Warriors Dharampur તરફથી પ્રોત્સાહક ભેટ આપવામાં આવી હતી.

રક્તદાન સાથે અંગદાનનો સંદેશ

આ પ્રસંગે પાર્થ ટ્રેડર્સના ફાઉન્ડર પાર્થિવભાઈ મહેતાએ રક્તદાન, અંગદાન, ચક્ષુદાન અને દેહદાનનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે જરૂરિયાતમંદ વ્યક્તિને જીવનદાન આપવા માટે રક્તદાન અત્યંત મહત્વપૂર્ણ છે. એક વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ રક્તદાન કોઈ જરૂરિયાતમંદ દર્દી માટે જીવન બચાવનાર સાબિત થઈ શકે છે.

તેમણે અંગદાન, ચક્ષુદાન અને દેહદાનને પણ માનવસેવાનું શ્રેષ્ઠ માધ્યમ ગણાવી યુવાનો સહિત સમાજના તમામ વર્ગોને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાવા અપીલ કરી હતી. સમાજના વિકાસ માટે માત્ર આર્થિક મદદ જ નહીં, પરંતુ સમય, શ્રમ અને માનવતાની ભાવના સાથે કરવામાં આવતી સેવા પણ એટલી જ મહત્વપૂર્ણ હોવાનું તેમણે જણાવ્યું હતું.

ડિજિટલ ગુજરાતની સેવાઓ અંગે માર્ગદર્શન

કાર્યક્રમ દરમિયાન નિમેશભાઈ ગાંવિત, નાયબ ઓડિટર, લોકલ ફંડ, નવસારી દ્વારા સરકારના સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ અંગે લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે વિવિધ સરકારી પ્રમાણપત્રો, જેમ કે આવકનું પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર વગેરે તેમજ રેશનકાર્ડ સહિતની સેવાઓ ઘરબેઠા મેળવવાની પ્રક્રિયા અંગે સરળ ભાષામાં સમજ આપી હતી.

ગ્રામ્ય વિસ્તારમાં લોકોને સરકારી સેવાઓ માટે કચેરીઓના ધક્કા ન ખાવા પડે અને ડિજિટલ માધ્યમથી જરૂરી સેવાઓનો લાભ લઈ શકે તે માટે આ પ્રકારની માહિતી ઉપયોગી સાબિત થાય છે.

વિવિધ ક્ષેત્રના અગ્રણીઓની ઉપસ્થિતિ

આ સેવાકીય કાર્યક્રમમાં મહેશભાઈ ગરાસિયા, આરટીઓ વલસાડ, પંકજભાઈ દામા, રોટરી વાપી રિવર સાઈડના વિરલભાઈ દેસાઈ, શીતળ છાંયડો લાઇબ્રેરી નગરિયાના જયંતિભાઈ પટેલ, માજી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ વાપીના ધીરુભાઈ નાયક, નિવૃત્ત શિક્ષક દેવચંદભાઈ ગાંવિત, નિકુંજભાઈ ખાડમ, સામાજિક કાર્યકર્તા રાજેશભાઈ રાઉત, GEB વલસાડના સુનિલભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ગામના ઉત્સાહી યુવાવર્ગ તથા ખડકવાળ પ્રાથમિક શાળાના શિક્ષકમિત્રોએ પણ રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા. ગામના યુવાનો દ્વારા પણ સમગ્ર કાર્યક્રમમાં સક્રિય સહયોગ આપવામાં આવ્યો હતો.

આયોજનમાં શાળા પરિવાર અને યુવાનોની મહેનત

કાર્યક્રમને સફળ બનાવવા માટે ખડકવાળ પ્રાથમિક શાળાના આચાર્ય તથા સમગ્ર શાળા પરિવાર, ગામના યુવાનો અને આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સુંદર આયોજન અને સંચાલન ખડકવાળ પ્રાથમિક શાળાના શિક્ષકો ભાવનાબેન, પ્રગતિબેન, ભરતભાઈ તથા Rainbow Warriors Dharampurના કો-ઓર્ડિનેટર શંકરભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

એક તરફ વિદ્યાર્થીઓને ઉપયોગી ટ્રેક શૂટનું વિતરણ અને બીજી તરફ રક્તદાન દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્ત એકત્રિત કરાયું હોવાથી કાર્યક્રમમાં શિક્ષણ સાથે આરોગ્ય અને માનવસેવાનો સંદેશ પ્રબળ બન્યો હતો.

“રક્તદાનથી જીવન બચાવીએ, અંગદાનથી જીવન ઉજાળીએ અને સેવાથી સમાજને સમૃદ્ધ બનાવીએ”—આ સંદેશ સાથે યોજાયેલો ખડકવાળ પ્રાથમિક શાળાનો આ કાર્યક્રમ માત્ર એક દિવસની સેવાકીય પ્રવૃત્તિ પૂરતો સીમિત ન રહેતા સમાજમાં દાન, સેવા અને પરોપકારની ભાવનાને પ્રેરણા આપતો બની રહ્યો હતો. 37 યુનિટ રક્તદાન અને 359 વિદ્યાર્થીઓને ટ્રેક શૂટની ભેટ દ્વારા આયોજક સંસ્થાઓ અને દાતાઓએ માનવસેવા તથા શિક્ષણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *