News

37 વર્ષ પહેલાંની ભાગવત કથાને ધારાસભ્યે યાદ કરી પ્રફુલભાઈ શુક્લનું ઋણ સ્વીકાર્યું “પ્રફુલભાઈની ભાગવત કથાથી રાધાકૃષ્ણ મંદિર નિર્માણ થયું” : ધારાસભ્ય ભરતભાઈ પટેલ

37 વર્ષ જૂની ભાગવત કથાની યાદ તાજી કરી ધારાસભ્યે કહ્યું: પ્રફુલભાઈના યોગદાનનું ઋણ ભૂલી શકાય નહીં

પારનેરા-પારડીના સરપંચ ફળિયામાં ચિંતામણી ગણેશ મહોત્સવમાં 56 ભોગનું નૈવેદ્ય ધરાવી મહાઆરતી યોજાઈ

Advertisement

પારડી: પારનેરા-પારડીના સરપંચ ફળિયામાં ચિંતામણી ગણેશ યુવક મંડળ દ્વારા સ્થાપિત સંકટહરણ ગણેશજીના ગણેશ મહોત્સવ દરમિયાન ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે 37 વર્ષ જૂની ભાગવત કથાની યાદો તાજી કરતાં કથાકાર પ્રફુલભાઈ શુક્લના યોગદાનને યાદ કર્યું હતું. કાર્યક્રમમાં 56 ભોગનું નૈવેદ્ય ધરાવી ગણેશજીની મહાઆરતી કરવામાં આવી હતી.

ધારાસભ્ય ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે, “આજથી 37 વર્ષ પહેલાં જ્યારે લોકોના ખિસ્સામાં પાંચ રૂપિયા પણ ન હતા, ત્યારે પૂજ્ય પ્રફુલભાઈ શુક્લે અહીં ભાગવત કથા કરી હતી. આ ભાગવત કથાના માધ્યમથી રાધાકૃષ્ણ મંદિરના નિર્માણમાં મહત્વનું યોગદાન મળ્યું હતું. તેમનું આ ઋણ ભૂલી શકાય તેમ નથી.” તેમણે જૂના સમયની પરિસ્થિતિ અને ધાર્મિક પ્રવૃત્તિઓ માટે સમાજના સહયોગને યાદ કર્યો હતો.

ગણેશ મહોત્સવના કાર્યક્રમમાં વિશ્વવિખ્યાત કથાકાર પ્રફુલભાઈ શુક્લ, ભાસ્કરભાઈ દવે, બજરંગ દળના પ્રમુખ ગૌરવ રાઠોડ, ભાજપ મહિલા અગ્રણી જીગીત્સાબેન પટેલ અને રૂપાબેન પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ચિંતામણી ગણેશ યુવક મંડળના યુવાનો દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે આશીર્વચન આપતાં પ્રફુલભાઈ શુક્લે જણાવ્યું હતું કે હિન્દુ ભાઈ-બહેનો એકસાથે ભક્તિભાવ સાથે ગણેશ ઉત્સવની ઉજવણી કરી રહ્યા છે તે આનંદની વાત છે. તેમણે 37 વર્ષ પહેલાં યોજાયેલી ભાગવત કથાને પણ યાદ કરી હતી અને તે સમયના સહભાગી રહેલા ભરતભાઈ પટેલના પિતા સ્વ. કીકુભાઈને સ્મરણ કર્યા હતા.

પ્રફુલભાઈ શુક્લે ધાર્મિક ઉત્સવો માત્ર ધાર્મિક આસ્થા પૂરતા મર્યાદિત ન રહે પરંતુ સમાજમાં એકતા અને ભાઈચારાની ભાવના મજબૂત કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે તેવી વાત કરી હતી. ગણેશ ઉત્સવના માધ્યમથી યુવાનો અને સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્ર થતાં ધાર્મિક માહોલ સર્જાયો હતો.

સરપંચ ફળિયામાં સ્થાપિત ચિંતામણી ગણેશજીની પ્રતિમા સમગ્ર વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. ગણેશજી સમક્ષ 56 પ્રકારના ભોગનું નૈવેદ્ય ધરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો, આગેવાનો અને યુવક મંડળના સભ્યોની હાજરીમાં ભવ્ય આરતી કરવામાં આવી હતી. ‘જય ગણેશ’ના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

યુવક મંડળના ઉજ્જવલ પટેલ સહિતના યુવાનો દ્વારા કાર્યક્રમની વ્યવસ્થા સંભાળવામાં આવી હતી. સ્થાનિક લોકો તથા ભક્તોએ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ગણેશજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ગણેશ મહોત્સવ દરમિયાન ધાર્મિક પરંપરા સાથે સામાજિક એકતાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *