News

નવસારીના ઉગત ગામે કલેક્ટરની સરપ્રાઇઝ મુલાકાત, આરોગ્યથી પાણી સુધીની વ્યવસ્થાની કરી સમીક્ષા !

સેવાસેતુનો લાભ ગ્રામજનો સુધી અસરકારક રીતે પહોંચાડવા સૂચના, કુપોષિત બાળકોની સ્થિતિ અને સરકારી અનાજ વિતરણની પણ તપાસ

Advertisement

નવસારી, તા. 25: નવસારી જિલ્લા કલેક્ટર શ્રી મનીષ ગુરવાનીએ નવસારી તાલુકાના ઉગત ગામની આકસ્મિક મુલાકાત લઈ ગામમાં ચાલી રહેલી વિવિધ સરકારી સેવાઓ અને વિકાસલક્ષી કામગીરીની સ્થળ પર સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન તેમણે આરોગ્ય કેન્દ્ર, ગ્રામ પંચાયત, આંગણવાડી, વાજબી ભાવની સરકારી માન્ય દુકાન સહિતની વિવિધ સુવિધાઓની તપાસ કરી સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.

કલેક્ટરશ્રીએ સૌપ્રથમ વાજબી ભાવની દુકાનની મુલાકાત લઈ લાભાર્થીઓને નિયમિત અને પૂરતા પ્રમાણમાં અનાજ મળી રહ્યું છે કે નહીં તેની માહિતી મેળવી હતી. ઈ-કેવાયસી સહિતની કામગીરી અંગે પણ તેમણે વિગતો મેળવી હતી. દુકાનમાં સ્વચ્છતા જળવાઈ હોવાનું નિહાળી તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો.

ત્યારબાદ આયુષ્માન આરોગ્ય મંદિરની મુલાકાત દરમિયાન ગામમાં ઉપલબ્ધ આરોગ્ય સેવાઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. ખાસ કરીને સગર્ભા મહિલાઓના મેડિસિન ફોલોઅપ, મહિલાઓને મળતી સારવાર તેમજ નજીકની હોસ્પિટલ અને તબીબોની ઉપલબ્ધતા અંગે કલેક્ટરે માહિતી મેળવી હતી. ગામની આરોગ્યલક્ષી જરૂરિયાતોને ધ્યાનમાં રાખી નવા આરોગ્ય કેન્દ્રની જરૂરિયાત અંગે પણ સંબંધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી.

ગ્રામ પંચાયતના કોમ્યુનિટી હોલની મુલાકાત દરમિયાન વિવિધ ગ્રાન્ટ, તેના ઉપયોગથી થયેલા વિકાસકામો તેમજ જૂના અને બાકી રહેલા કામોની વિગતો મેળવવામાં આવી હતી. બાકી કામગીરી ઝડપથી પૂર્ણ કરવા કલેક્ટરે સૂચના આપી હતી. ગ્રામજનોને મળતી વિવિધ સરકારી સહાય અને યોજનાઓ અંગે પણ તેમણે માહિતી મેળવી હતી.

તલાટી-કમ-મંત્રીને રાજ્ય સરકાર દ્વારા નિયત કરાયેલી ફી કરતાં વધુ રકમ ન વસૂલવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી. ગ્રામજનોને પારદર્શક માહિતી મળી રહે તે માટે નિયત ફીની વિગતો દર્શાવતું બોર્ડ લગાવવા પણ જણાવાયું હતું. આગામી સેવાસેતુ કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરી સેવાસેતુના માધ્યમથી સરકારી યોજનાઓનો લાભ વધુમાં વધુ ગ્રામજનો સુધી પહોંચે તે માટે જરૂરી વ્યવસ્થા કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આંગણવાડી કેન્દ્રોની મુલાકાત દરમિયાન કલેક્ટરે કુપોષિત બાળકોની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. બાળકોને મળતા પૌષ્ટિક આહાર, તેમના વાલીઓ દ્વારા કરવામાં આવતા પ્રયાસો અને બાળકોના આરોગ્ય અંગે પણ પૂછપરછ કરી હતી. બાળકોને નિયમિત અને પૌષ્ટિક આહાર મળી રહે તેમજ કુપોષણમાંથી બહાર લાવવા સતત અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી.

ગામની પાણી પુરવઠા વ્યવસ્થાની સમીક્ષા દરમિયાન જૂની અને જર્જરિત પાણીની ટાંકીના સ્થાને નવી પાણીની ટાંકી બનાવવાની જરૂરિયાત અંગે પણ જરૂરી કાર્યવાહી કરવા અધિકારીઓને જણાવ્યું હતું.

મુલાકાતના અંતે કલેક્ટરશ્રીએ આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ નાની બાળકીઓ સાથે આત્મીય સંવાદ કર્યો હતો. બાળકીઓએ કલેક્ટરશ્રીનું ભાવપૂર્વક સ્વાગત કર્યું હતું. તેમણે બાળકોના વજન, નાસ્તા અને ભોજનમાં આપવામાં આવતા પૌષ્ટિક આહાર અંગે માહિતી મેળવી હતી.

આ મુલાકાત દરમિયાન મામલતદાર શ્રી આર.બી. જાદવ, તાલુકા વિકાસ અધિકારી, તલાટી-કમ-મંત્રી, સરપંચ તથા ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *