વિશ્વમાં ઉમંગ અને ઉત્સાહનો અનેરો રંગ ઉમડતો રહે કે જેનાથી જીવનમાં કાયમ ખુશી બની રહે એવી ઈશ્વર ચરણે હાર્દિક પ્રાર્થના. ધુળેટીનો તહેવાર આપણે ભક્ત પ્રહલાદ બચી ગયા, અને સત્યનો વિજય થયો એ માટે ઉજવીએ છીએ એટલે કે અસત્ય પર સત્યનો વિજય એ ઉજવણી એનું એક કારણ છે.

0
180

હે ઈશ્વર.
આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. સર્વ પ્રથમ તો આજે ધૂળેટીનો તહેવાર છે, એટલે પૂરાં વિશ્વને આ રંગોના તહેવારની ખૂબ ખૂબ વધાઈ, અને શુભેચ્છાઓ.આપ સૌના ભાવ વિશ્વમાં ઉમંગ અને ઉત્સાહનો અનેરો રંગ ઉમડતો રહે કે જેનાથી જીવનમાં કાયમ ખુશી બની રહે એવી ઈશ્વર ચરણે હાર્દિક પ્રાર્થના. ધુળેટીનો તહેવાર આપણે ભક્ત પ્રહલાદ બચી ગયા, અને સત્યનો વિજય થયો એ માટે ઉજવીએ છીએ એટલે કે અસત્ય પર સત્યનો વિજય એ ઉજવણી એનું એક કારણ છે. પ્રવર્તમાન સમયમાં આપણે પણ કોરોના રુપે દાનવને માત આપી છે, એટલે એમ પણ આ વખતે સમાજમાં આ તહેવાર ખૂબ ઉજવાશે. બાળકોથી માંડીને યુવા દિલોમાં ઉમંગ ઉત્સાહ વધારનારો આ તહેવાર ખૂબ લોકપ્રિય છે, અને એ અંતર્ગત ઘણા અણબનાવ પણ બને છે,તો બસ સૌ જાગૃતિ રાખી અને તહેવાર ને ઉજવે,અને પોતાના પ્રિય પાત્ર સાથે મસ્તી વહેંચે. પરંતુ સંસાર અસાર લાગતાં આપણે માટે તો હવે ભગવાન જ પ્રિય પાત્ર છે, અને તેથી સંસારના બધા જ રસ રાગ ના રંગો તેને સમર્પિત કરીને આ તહેવાર કેમ ઉજવીશું એની વાત ચિંતનમાં કરીશું.

ચિંતનમાં આગળ વધતા પહેલા, સર્વપ્રથમ તો ગઈકાલના ચિંતનમાં આપણે વાત કરી કે સ્થૂળ રૂપે પૂજાની ક્રિયા કરતાં હોઈએ, તો ત્યારે આપણા ઈષ્ટદેવ કે આપણા પસંદ કરેલા સાકાર સ્વરૂપ સાથે સંવાદ કરવાથી ભક્ત અને ભગવાન વચ્ચે એક ગાઢ સંબંધ સ્થપાય છે, અને ભક્તિ કહેવામાં આવે છે. દેખીતી રીતે પછી ત્યાં પૂજા માં વપરાતા દ્રવ્યો નું એટલું મૂલ્ય રહેતું નથી મૂળભૂત રીતે ભાવ મહત્વનો છે. એટલે કે પૂજા દરમિયાન વપરાતા દરેક દ્રવ્યોનું પણ ક્યાંકને ક્યાંક વૈજ્ઞાનિક અનુસંધાન છે, અને એટલે જ હિન્દુ સંસ્કૃતિમાં તેને પૂજા અંતર્ગત વણી લેવામાં આવ્યા છે. પરંતુ અતિ સર્વત્ર વર્જ્યતે એમ ક્યાંય અતિરેક થાય તો એ ખોટું છે, અને ચિંતનમાં આ વાત વારંવાર લખાય છે. ગઈકાલે ફરી એક પરમ સ્નેહીજન નો આ અંતર્ગત ફોન આવ્યો, અને એમણે કહ્યું કે શંકર પર દૂધનો અભિષેક કરવો એ ખોટું નથી, આ દ્રવ્ય એટલે કે દૂધ ધરતીમાં ઉતરે તો એ ધરતીકંપનું પ્રમાણ ઘટાડે છે, અને મેસેજ જાય એ યોગ્ય નથી. પરંતુ સદગુરુ કૃપા એ સમાધાન મળી ગયું,અને બંને જણા જો આ દ્રવ્યનો વેસ્ટ હોય તો એ કોઈની આંતરડી ઠરે એ જ બેસ્ટ છે,એ મત પર આવી ગયા. કોઈપણ પ્રકારનો કુદરતી પ્રકોપ ત્યારે જ થાય જ્યારે બાહ્ય પ્રકૃતિ અને આંતરિક પ્રકૃતિમાં અસંતુલન થાય, અને અત્યારે આપણે બધા જ એ અસંતુલનમાં જ જીવી રહ્યા છીએ. કારણ કે બહાર પણ એટલું જ પ્રદૂષણ, અંદર પણ એટલું જ વિકાર રૂપી પ્રદૂષણ ભર્યું છે. સૌને પોતાનું અસ્તિત્વ બચાવવું છે, એટલે કોઈને કોઈ રીતે કયો વિકાર ક્યારે માનસમાં પ્રવેશી જાય, એ કંઈ નક્કી હોતું નથી. આપણને સૌને યાદ હશે કે ગઈ ચૂંટણી વખતે મોદી સાહેબ ભારતની ૧૨૧ કરોડ જનતા ની વાત કરતાં હતા, અને આજે કોરોના દરમિયાન સૌ પોતાના મોબાઈલમાં સાંભળતા હશે કે 170 કરોડને રસીકરણ કરી અને ભારતે બહુ મોટો રેકોર્ડ નોંધાવ્યો છે. આ બતાવે છે કે છેલ્લા આટલા વર્ષોમાં વસ્તી વધારો, ઓહોહો પુરાણોમાં રક્તબીજની વાત આપણે માત્ર સાંભળી હશે, પરંતુ આ તો કદાચ એનાથી પણ વધુ ઝડપથી આ વસ્તી વધી રહી છે. આજે સવર્ણ સિવાય બધાને પોતાની જાતિનું વર્ચસ્વ વધારવું છે, એટલે વસ્તીતો હજી વધશે જ!! આટલી મોટી વસ્તી,અને આ સીમિત જગ્યામાં સમાવવા માટે, હજી વધુ જંગલો એટલે કે વૃક્ષો કપાશે, ઓક્સિજન ની કમી થશે,કેટલાય રોગ વધશે. આ ઉપરાંત ઢોર ઢાખર ભૂખે મરશે, દૂધ નહિ મળે, કુત્રિમ દૂધના વપરાશથી કેન્સર જેવા ભંયકર રોગ વધશે, અને કહેવાતા સવર્ણો આમ પણ ઓછી વસ્તી ધરાવે છે,તે સમય પહેલા મૃત્યુ પામશે. ઉદ્યોગો વધશે, એટલે એ રીતે પણ પ્રકૃતિમાં પ્રદૂષણ વધશે, અને નવા નવા સાંભળ્યા ન હોય એવા રોગનું અસ્તિત્વ વધશે, અને છતાં આપણી સમાજ વ્યવસ્થાને કારણે ભૂખમરો એટલી હદે ઓછો નહીં થાય, અને પેટ કરાવે વેઠ એમ અનીતિનું મૂળ ક્યાંક ને ક્યાંક આ કારણ પણ બને. પહેલા લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાત પૂરી ન થતા ચોરી, લૂંટફાટ, હિંસા, કે બહારવટું વગેરે કરતાં, પરંતુ આજે હવે એવું કોઈ કારણ રહ્યું નથી. કારણકે સમાજમાં ખાતા-પીતા લોકોએ પણ પોતાની સુખસગવડ અને જરૂરિયાત વધારી દીધી છે, અને તેને પૂરી કરવા અનીતિનો માર્ગ અપનાવતા એ પણ અચકાતા નથી, એટલે ભ્રષ્ટ સામે ભ્રષ્ટ એ રીતે પણ વધુ ભયંકર સ્થિતિ થતી જવાની છે. ત્યારે જો કોઈ નું હ્રદય એમની આ કંગાલ કે ભૂખમરો જોઈને કરુણાથી દ્રવિત થાય, અને સમાજમાં માટે આંતરિક પ્રકૃતિમાં પ્રલય સર્જાય, અને એને સંતુલિત કરવા આવા કોઈની આંતરડી ઠારવાના પ્રયત્ન કર્યા હોય, તો એ બંને પક્ષને જોડી શકે,અને એ રીતે એ લોકોને પોતાના ગણી પોતીકાંનો ભાવ આવે તો જ આવાં મોટા મોટા કુદરતી પ્રકોપ સામે આખી માનવજાત નું રક્ષણ થઈ શકે,અને આપણે દર વખતે આવી હોનારતોમાં બચી જઈએ છીએ, એ કોઈ બુદ્ધ પુરુષની કરુણા જ છે કે એણે આવાં લોકમંગલનાં કાર્ય કરી આ પરિસ્થિતિને બેલેન્સ રાખી છે.

હવે આપણે મૂળ ચિંતન તરફ આગળ વધીએ અને આપણાં જીવનમાં રંગ નું શું મહત્વ છે એની વાત કરીએ. જોકે આજકાલ તો જાત જાતના રંગો એ આપણા જીવનમાં એટલું મહત્વનું સ્થાન લઈ લીધું છે, કે હવે તેને જુદા પાડવા એ કદાચ અશક્ય છે. ભારતીય મનીષા એ તો દરેક ઉંમરનો પણ એક રંગ અને ભાવ નિશ્ચિત કર્યો છે.આમ પણ રંગ શબ્દ આવતાં આપણા માનસમાં મેઘધનુષ છવાઈ જાય છે, જા,ની,વા,લી, પી, ના, રા,આ ઉપરાંત નિશાળમાં ભણતા ત્યારે શીખવેલું,લાલ પીળો ને જાંબલી મૂળ રંગ કહેવાય,બાકી બધા તો મેળવણીથી થાય, એટલે મેઘધનુષ તેની ઉત્પત્તિ નું મુખ્ય કારણ છે. રંગ એક કલ્પના હતી, એમાંથી વાસ્તવિકતા બની, અને રંગો થકી આજે આપણા સૌના જીવન રંગીન બન્યા છે, અથવા તેનો મહત્વનો ફાળો છે એમ કહી શકાય. જરા વિચારીએ તો કે આ રંગ ન હોત તો આપણી જિંદગી આટલી રંગીન હોત ખરી! ભાવને દર્શાવવા માટે પણ આપણે ત્યાં રંગનો ઉપયોગ કરવામાં આવે છે, જુદા જુદા રંગોનો જુદો જુદો ભાવ પણ હોય છે, જેમકે યુવાનીનો રંગ ગુલાબી છે, પ્રેમીઓ પોતાના પ્રેમનો ઇજહાર કરતી વખતે લાલ રંગનું ગુલાબ આપે છે, અને પ્રેમભાવ દર્શાવવા માટે આપણે ત્યાં લાલ રંગનો ઉપયોગ કરવામાં આવે છે. ક્રાંતિ કારીનો કેસરી રંગ, જે આપણા રાષ્ટ્રધ્વજમાં પણ સામેલ છે, અને ક્રાંતિ શબ્દ આવે એટલે શહીદ ભગતસિંહ, સુખદેવ, તરત જ યાદ આવે. સફેદ રંગ સાદગીનો, લીલો રંગ હરિયાળી એટલે કે અમન કે શાંતિનો રંગ જે હૈયે ટાઢક કરે.સંન્યાસીનો ભગવો રંગ જે વૈરાગ્યનું પ્રતીક માનવામાં આવે છે.જ્ઞાનની તેજસ્વિતા માટે આપણે ત્યાં સૂર્ય જેવા પીળા રંગનો ઉપયોગ થાય છે.કાળો એટલે કે શ્યામ રંગ અંધારાનુ પ્રતિક ગણાય છે, પરંતુ ગોપી અને ક્રિષ્નાનો પ્રેમ દેખાડવા માટે પણ કાળી કામળી નો ઉપયોગ કરતા હતાં, એટલે અને કૃષ્ણનો રંગ પણ કાળો હોવાથી શ્યામ રંગ ગોપી અને કૃષ્ણના પ્રેમના પ્રતીકરૂપે પણ સ્વીકારવામાં આવ્યો છે અથવા તો ગોપી કાળી કામળી ઓઢી ને કૃષ્ણ ને એવું પણ કહે કે કૃષ્ણ તારા વિના જીવનમાં હવે અંધારું છે, તું છે તો જ આ અજવાળાં એટલે અન્ય જ્ઞાન કે અન્ય ના દર્શન નું મહત્વ છે. આ ઉપરાંત ટીન એઇજ માં અત્યારે લવંડર અને બ્લુના અલગ અલગ શેડ ફેવરિટ છે, જેમાં એક્વા ઉપરાંત ગ્રે કલર પણ બધાનો ખુબ જ ફેવરિટ કલર બની રહ્યો છે,અને આ બધા રંગ સોબર એટલે કે સાદગી દર્શાવે છે. આમ પણ ઉછાંછળાપણું હોય ત્યાં તેજ જેને આજકાલ બધાં હોટ પણ કહેતા હોય છે, અને જે અમુક ભાવને ઉશ્કેરવાનું કામ કરે છે, અને ક્યારેક એને કારણે માનસ વિકૃત પણ બની શકે છે.

કોઈ પણ સંબંધ હોય તો એમાં પ્રેમ હોવો બહુ જ જરૂરી છે અને પ્રેમ હોય પરંતુ સમર્પણ ના હોય તો એ પ્રેમનો સંબંધ બહુ લાંબો સમય ટકતો નથી, અને એ ઉપરછલ્લો એટલે કે માત્ર સ્થૂળ પ્રેમની કે માત્ર દેહ મિલનની વાત થાય. જ્યારે આપણે તો પરમ પ્રેમની વાત કરી રહ્યા છીએ, જેમ માત્ર બે શરીર નહીં પરંતુ બે આત્માઓનું મિલન છે. એટલે કે જીવ અને શિવનું મિલન ભક્તિ દ્વારા કરવાનું છે. પ્રેમના રંગ તારીખે આપણે લાલ રંગને સ્વીકાર્યો છે અને સમર્પણ એટલે કે અસ્તિત્વ ને ચરણે શરણાગત સંન્યાસનો કે વૈરાગ્યને સફેદ રંગ સાથે સરખાવ્યો છે. તો ભક્તિમાં પ્રેમ પણ છે અને ઈષ્ટ પ્રત્યે સમર્પણ એટલે કે વૈરાગનો સફેદ રંગ પણ છે. તો લાલ અને સફેદના મિશ્રણથી જેમ ગુલાબી રંગ બને છે, એ ગુલાબી રંગ ભક્તિનો મુખ્ય રંગ છે. ભક્તિમાં રસનું પણ મહત્વ આંકવામાં આવ્યું છે, અને એટલે જ આપણે ભગવાનને ભોગ ધરતા હોઈએ છીએ. સ્વાદની રીતે રસ અને સંબંધની રીતે અનુરાગ પણ એ ચારણોમાં જ્યારે સ્થિર અને સ્થાયી થાય ત્યારે જ આપણે ખરા અર્થમાં ભક્ત કહેવાઈએ, બાકી બધી પછી માત્ર ક્રિયા છે, કે જેની કોઈ નીપજ નથી.એટલે ભક્તિ માં પરિણામ લાવવા,કે ફળ મેળવવા રંગ રાગ ને રસ નું સંતુલન કરવું બહુ જરૂરી છે. ભગવાન સાથે આપણા આ પ્રકારના રંગ રાગ ને રસનાં ભાવનો રાસ રમવો એ જ ભક્તિ છે.જે કોઈ ને કોઈ રુપે આપણને જાગૃત કરી એની સાથે જોડી રાખે છે. આ ઉપરાંત ગુલાબી રંગ એ યુવાનીનો રંગ છે, એટલે ભક્ત ગમે તેટલો મોટો થાય પણ ભગવાનની ભક્તિ તેને ચિર યૌવન બક્ષે છે, એટલે કે શરીરનું વૃદ્ધત્વ નહીં, પણ મૂળ સત્વ પ્રત્યેનું તેનું ખેંચાણ વધતું જાય છે, અને એ વધુ ને વધુ તેને આત્મસાત કરે છે, એનું સાનિધ્ય અનુભવે છે,અને આ ઉપરાંત જીવ શિવ એકાકાર થયાની અનૂભૂતિની પ્રતિતિ પણ થાય છે. તો આપણે સૌ આજે આ રંગોના તહેવાર નિમિત્તે એ પંચદેવ સ્વરૂપે રહેલા પરમાત્માનાં ચરણોમાં ભક્તિનો ચિરકાળ સુધી યુવાન રાખી શકે, એવાં ગુલાબી રંગને અર્પણ કરીને આપણી ભાવના કાયમ વિશુદ્ધ રાખી શકીએ, એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન-મનન સાથે, તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.

લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here