કંસરી માતાની વારલી છબી સાથે રજૂ થયું ‘ગુજરાત અંદાજપત્ર 2026-27’ — આદિવાસી વારસાને મળ્યું સન્માન

On: February 19, 2026 10:11 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

સમૃદ્ધિના દેવી ‘કંસરી માતા’ની વારલી છબી ધરાવતી પોથીમાં ગુજરાતને સમૃદ્ધ કરવાનું બજેટ રજૂ
ગુજરાત રાજ્યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ‘ગુજરાત અંદાજપત્ર : 2026-27’ રજૂ કરતી વખતે આ વર્ષે પણ એક અનોખી અને સાંસ્કૃતિક સંદેશ આપતી બજેટ પોથી પસંદ કરવામાં આવી છે. છેલ્લા ચાર વર્ષથી વારલી કલાની પોથીમાં જ બજેટ રજૂ કરવાની પરંપરા જાળવી રાખવામાં આવી છે. આ વખતે બજેટ પોથી પર આદિવાસી સમાજની સમૃદ્ધિના દેવી ‘કંસરી દેવી’નું ચિત્ર અંકિત કરવામાં આવ્યું છે, જે રાજ્યની સાંસ્કૃતિક ઓળખ અને આદિવાસી વારસાને સન્માન આપવાનો પ્રયાસ દર્શાવે છે.

કંસરી દેવી આદિવાસી સમાજમાં પાયાની દેવી તરીકે પૂજાય છે. જ્યારે પણ ઘરમાં લગ્ન પ્રસંગ હોય, ખેતરમાંથી નવું ધાન ઘેર આવે, કે કોઈ શુભ કાર્ય થાય ત્યારે કંસરી દેવીની સ્થાપના કરી પૂજા કરવામાં આવે છે. તેમને માતા અન્નપૂર્ણાનું સ્વરૂપ પણ માનવામાં આવે છે. માન્યતા મુજબ તેમની કૃપાથી ઘરમાં ધન-ધાન્યના ભંડાર ભરેલા રહે છે અને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. તેથી આદિવાસી જીવનમાં કંસરી દેવી માત્ર ધાર્મિક પ્રતીક નહીં પરંતુ આર્થિક સમૃદ્ધિ અને જીવનધારાનો આધાર છે.

વારલી આદિજાતિના લોકો મુખ્યત્વે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં તેમજ મહારાષ્ટ્રના થાણા જિલ્લામાં વસવાટ કરે છે. તેમની આગવી વારલી ચિત્રકલા વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. ખાસ કરીને વારલી સ્ત્રીઓ તહેવારો, સગાઈ, લગ્ન, પાકની લણણી અને જન્મ જેવા પ્રસંગોએ ઘરની લીપેલી દીવાલ ઉપર ચોખાના પેસ્ટથી બનાવેલા સફેદ રંગથી ચિત્રો દોરે છે. આ ચિત્રોમાં રોજિંદા જીવન, પ્રકૃતિ, નૃત્ય, ખેતીકામ, જંગલજીવન, દેવી-દેવતાઓ અને લોકવિધિઓના દ્રશ્યો દર્શાવવામાં આવે છે.
ચિત્રોમાં નૃત્ય કરતા લોકો, કૂવામાંથી પાણી ભરતી બહેનો, ચરતા પશુઓ, ખેતરમાં કામ કરતા ખેડૂતો, વાઘદેવ અને ઇન્દ્રદેવની પૂજા, તેમજ શિકારના દ્રશ્યો વગેરે જોવા મળે છે. ભૌમિતિક આકારો જેમ કે ત્રિકોણ, વર્તુળ અને ચોરસનો ઉપયોગ કરીને સરળ પરંતુ અસરકારક રચનાઓ તૈયાર કરવામાં આવે છે. સફેદ રંગ ઉપરાંત સિંદૂર, ગુલાલ, કંકુ અને કાળી રાખનો પણ પ્રસંગોચિત ઉપયોગ થાય છે.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે પણ બજેટ પોથી પર વારલી ચિત્રકલા દોરવાની સેવા શ્રી બીના હસમુખ પટેલ દ્વારા આપવામાં આવી છે. તેઓ છેલ્લા ચાર વર્ષથી આ કાર્ય કરી રહ્યા છે અને રાજ્યની નાણાકીય દસ્તાવેજને સાંસ્કૃતિક ઓળખ સાથે જોડવાનો મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે.
વારલી ચિત્રકલા આશરે 1200 વર્ષ જૂની માનવામાં આવે છે. આધુનિકતાના પ્રવાહમાં આદિવાસી કલાઓ લુપ્ત થવાની કગારમાં છે, ત્યારે સરકાર દ્વારા બજેટ પોથીમાં આ કલાને સ્થાન આપવું એ વારસાને જીવંત રાખવાનો ઉમદા પ્રયાસ છે. ‘કંસરી દેવી’ની છબી સાથે રજૂ થયેલું આ બજેટ રાજ્યની આર્થિક સમૃદ્ધિ સાથે સાથે સંસ્કૃતિ અને પરંપરાના સંરક્ષણનો સંદેશ પણ આપે છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!