ગાંધીનગર: રાજ્યભરમાં કાલથી શરૂ થયેલી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓને લઈને વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસનું માહોલ જોવા મળી રહ્યું છે. આ વચ્ચે ગુજરાત રાજ્યની શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ ગાંધીનગર સ્થિત સેક્ટર-૨૩, કડી કેમ્પસમાં આવેલી એમ. બી. પટેલ ઇંગ્લીશ મીડીયમ સેકન્ડરી એન્ડ હાઈ સેકન્ડરી સ્કુલની મુલાકાત લઈને પરીક્ષાર્થીઓને પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો.
મંત્રીએ વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું કે, “પરીક્ષા કોઈ બોજ નથી, પરંતુ જીવનના ઘડતરના માર્ગમાં આવતું એક મહત્વપૂર્ણ સોપાન છે. તેને ડર કે તણાવ સાથે નહીં, પરંતુ ઉત્સવ સમજીને આનંદભેર ઉજવવી જોઈએ.” તેમના આ ઉક્તિથી વિદ્યાર્થીઓમાં નવોચ્છાસ અને ઉત્સાહનો માહોલ સર્જાયો હતો.
મુલાકાત દરમિયાન શિક્ષણ મંત્રીએ પરીક્ષા કેન્દ્ર પર પહોંચીને દરેક વિદ્યાર્થીનું વ્યક્તિગત અભિવાદન કર્યું હતું. વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધતા તેમણે તેમની તૈયારી વિશે પૂછપરછ કરી અને હળવી રીતે વાતચીત કરીને તણાવ ઘટાડવાનો પ્રયાસ કર્યો હતો. દરેક પરીક્ષાર્થીને પુષ્પ, પેન અને રાઈટિંગ પેડ અર્પણ કરીને પ્રોત્સાહિત કર્યા હતા. ભારતીય સંસ્કૃતિ અનુસાર શુભ કાર્યની શરૂઆત મીઠાશથી થાય તે માટે મંત્રીએ વિદ્યાર્થીઓને સાકર ખવડાવી શુભકામનાઓ પાઠવી હતી.
તેમણે વધુમાં ઉમેર્યું કે, “પરીક્ષા દરમિયાન મનને શાંત રાખવું ખૂબ જરૂરી છે. સકારાત્મક વિચારસરણી અને આત્મવિશ્વાસ સાથે લખાયેલું પેપર જ સાચી સફળતાની ચાવી છે. માતા-પિતા અને શિક્ષકોનો વિશ્વાસ જાળવી રાખીને, નિર્ભય બની પોતાના જ્ઞાનનું પ્રદર્શન કરો.”
મુલાકાત દરમિયાન મંત્રીએ પરીક્ષા કેન્દ્રની સુવિધાઓનું પણ નિરીક્ષણ કર્યું હતું. સીસીટીવી કેમેરા, બેઠક વ્યવસ્થા, પ્રશ્નપત્ર વિતરણ પ્રક્રિયા, સુરક્ષા અને પારદર્શિતા અંગેની વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. તેમણે શાળા સંચાલકો અને શિક્ષકમંડળ સાથે ચર્ચા કરીને સુનિશ્ચિત કર્યું કે વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની અસુવિધા કે માનસિક દબાણનો સામનો ન કરવો પડે.
શાળા પરિવાર દ્વારા કરવામાં આવેલી સુવ્યવસ્થિત આયોજનની તેમણે પ્રશંસા કરી હતી. મંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર વિદ્યાર્થીઓને અનુકૂળ અને તણાવમુક્ત પરીક્ષા માહોલ પૂરું પાડવા પ્રતિબદ્ધ છે. “વિદ્યાર્થીઓની માનસિક શાંતિ અને સુવિધા અમારી પ્રથમ પ્રાથમિકતા છે,” એમ તેમણે ઉમેર્યું.
આ પ્રસંગે રીટાબેન પટેલ, ધર્મિષ્ઠાબેન ગજ્જર, વલ્લભભાઈ પટેલ સહિત શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, શાળાના આચાર્યશ્રી અને શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવોએ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી તેમની મહેનતને બિરદાવ્યું હતું.
વિદ્યાર્થીઓએ પણ મંત્રીશ્રીની મુલાકાતને પ્રેરણાદાયી ગણાવી હતી. અનેક વિદ્યાર્થીઓએ જણાવ્યું કે મંત્રીશ્રીના શબ્દોથી તેમના મનમાંથી પરીક્ષાનો ડર દૂર થયો છે અને હવે તેઓ વધુ આત્મવિશ્વાસ સાથે પેપર લખી શકશે. કેટલાક વાલીઓએ પણ રાજ્ય સરકારના આ પહેલને સરાહનીય ગણાવી હતી.
રાજ્યભરમાં હજારો પરીક્ષા કેન્દ્રો પર શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે પરીક્ષાઓ શરૂ થઈ છે. શિક્ષણ વિભાગ દ્વારા પ્રશ્નપત્રોની સુરક્ષા, પારદર્શિતા અને સમયપાલન માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. તબીબી સુવિધા, પીવાનું પાણી અને સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત જેવી વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે.
શિક્ષણ મંત્રીના આ પ્રેરણાદાયી સંદેશથી રાજ્યભરના વિદ્યાર્થીઓમાં નવી ઊર્જા અને ઉમંગનો સંચાર થયો છે. “પરીક્ષા એ જીવનયાત્રાનો એક તબક્કો છે, અંતિમ લક્ષ્ય નહીં,” એમ જણાવતા મંત્રીએ વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે મોટા સપના જોવા અને સતત પ્રયત્નશીલ રહેવા પ્રોત્સાહિત કર્યા હતા.
આ રીતે બોર્ડ પરીક્ષાના પ્રારંભ દિવસે જ શિક્ષણ મંત્રીની હાજરીએ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસનો સંચાર કર્યો છે. પરીક્ષા એક ઉત્સવ સમાન છે અને તેને આનંદ, શાંતિ અને હકારાત્મકતા સાથે ઉજવવાની ભાવનાએ સમગ્ર માહોલને ઉર્જાવાન બનાવી દીધો છે.






