ધરમપુરના પવિત્ર વ્યાસ તીર્થ ખાતે તા. 1 થી 7 માર્ચ 2026 દરમિયાન શ્રીમદ્ ભાગવત કથાનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. ભગવાન શ્રી વેદ વ્યાસજીની કૃપા અને પૂજ્ય શરદભાઈ વ્યાસ દાદાના સંકલ્પથી યોજાતી આ કથા આ વર્ષે વિશેષ ઐતિહાસિક બનવા જઈ રહી છે. પ્રથમવાર પૂજ્ય શરદભાઈ વ્યાસ દાદા અને તેમના આત્મજ યુવા ભાગવતાચાર્ય પૂજ્ય આશિષભાઈ વ્યાસ એક જ વ્યાસ પીઠ પરથી સંયુક્તરૂપે ભાગવત કથાનું વાચન કરશે. આ અનોખી ક્ષણને ધાર્મિક જગતમાં અત્યંત યાદગાર પ્રસંગ તરીકે જોવામાં આવી રહી છે.
કથાનો પ્રારંભ 1 માર્ચે સવારે 9:30 વાગ્યે ભવ્ય પોથીયાત્રાથી થશે. 4 માર્ચે સાંજે 5:30 વાગ્યે શ્રી રામ જન્મોત્સવ અને 6:30 વાગ્યે નંદ મહોત્સવ તથા ફૂલ હોળી ઉત્સવ ઉજવાશે. 6 માર્ચે બપોરે 12:00 વાગ્યે શ્રી ગોવર્ધન પૂજન અને સાંજે 6:00 વાગ્યે શ્રી રુક્મિણી વિવાહનો વિશેષ ધાર્મિક પ્રસંગ યોજાશે. આ તમામ કાર્યક્રમો ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.
દૈનિક કથાનો સમય સવારે 9:30 થી 12:00 તથા સાંજે 4:00 થી 6:30 રહેશે. સાત દિવસ દરમિયાન શ્રીમદ્ ભાગવતના પવિત્ર પ્રસંગો દ્વારા ભક્તિ, જ્ઞાન અને સંસ્કારનો અમૃતવર્ષા થશે. આયોજકોને મોટી સંખ્યામાં ભક્તોની ઉપસ્થિતિની આશા છે.
આ પાવન આયોજનના યજમાન શ્રી અલકાબેન તથા ભાવેશભાઈ ભીડે પરિવાર (મુંબઇ) અને શ્રી પાર્વતીબેન તથા શિવગણાલાલ રામાણી પરિવાર (બેંગલોર) છે. તમામ ધાર્મિક ભાવિકોને પરિવાર સાથે ઉપસ્થિત રહી આ આધ્યાત્મિક પ્રસંગનો લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
ધરમપુર સાક્ષી બનશે ઐતિહાસિક ક્ષણનો, ભક્તોને મળશે દાદા શરદભાઈ અને યુવા ભાગવતાચાર્ય આશિષભાઈ વ્યાસની સંયુક્ત ભાગવત કથા






