
સુખાલા વિજ્ઞાન પ્રયોગ શાળાની લાયબ્રેરીનું ખાતમુહૂર્ત: ₹15 લાખના ખર્ચે આધુનિક સુવિધા ઉભી થશે.

નાનાપોઢા તાલુકાના સુખાલા ગામ ખાતે આવેલી સુખાલા વિજ્ઞાન પ્રયોગ શાળામાં નવી લાયબ્રેરીના મકાનનું ખાતમુહૂર્ત કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે વિધિવત રીતે સંપન્ન થયું હતું. વિકાસશીલ તાલુકા યોજના વર્ષ 2025-26 અંતર્ગત અંદાજે રૂપિયા 15 લાખના ખર્ચે આ લાયબ્રેરી મકાનનું નિર્માણ હાથ ધરવામાં આવશે. આ પ્રોજેક્ટથી શાળાના વિદ્યાર્થીઓને આધુનિક અને સુવિધાસભર વાંચન પરિસર ઉપલબ્ધ થશે.
ખાતમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન ધારાસભ્યે પોતાના સંબોધનમાં જણાવ્યું કે તાલુકામાં પ્રાથમિક સ્તરે જ વિદ્યાર્થીઓને લાયબ્રેરી જેવી શૈક્ષણિક સુવિધા ઉપલબ્ધ કરાવવાનો આ એક મહત્વપૂર્ણ પ્રયાસ છે. તેમણે જણાવ્યું કે સુખાલા ગામ વર્ષોથી શિક્ષણ ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે અને અહીંના વિદ્યાર્થીઓ શૈક્ષણિક તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારું પ્રદર્શન કરતા આવ્યા છે. લાયબ્રેરી શરૂ થવાથી વિદ્યાર્થીઓમાં વાંચનની ટેવ વિકસશે, જ્ઞાનનો વ્યાપ વધશે અને નવી પેઢીને માર્ગદર્શન મળશે.
તેમણે ભાવનાત્મક ઉલ્લેખ કરતાં જણાવ્યું કે તેમના પિતાશ્રીએ પણ આ જ શાળામાં અભ્યાસ કર્યો હતો, જેના કારણે આ શાળાની સાથે તેમનો વિશેષ લાગણીસભર સંબંધ રહ્યો છે. ગામ અને શાળાના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેવાની તેમની પ્રતિબદ્ધતા તેમણે વ્યક્ત કરી હતી. “આપણા બાળકો ઉચ્ચ શિક્ષણ મેળવીને જીવનમાં આગળ વધે, એ માટે સ્પષ્ટ દ્રષ્ટિકોણ સાથે કામ કરી રહ્યો છું,” એમ તેમણે ઉમેર્યું.

પૂર્વ અધિક કલેક્ટર જે.ડી. પટેલ અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રકાશભાઈ પટેલે આ પહેલને વખાણી અને ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે લાયબ્રેરી વિદ્યાર્થીઓ માટે જ્ઞાનનું કેન્દ્ર બનશે અને ભવિષ્યમાં શાળાના શૈક્ષણિક માહોલને વધુ મજબૂત બનાવશે.
આ પ્રસંગે પી. કે. પટેલ, સરપંચ શંકરભાઈ પટેલ, ભાજપ પ્રમુખ વિપુલભાઈ ભોયા, શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો, નિવૃત્ત શિક્ષકો, વાલીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ગામમાં ઉત્સાહપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું. ગ્રામજનોએ આશા વ્યક્ત કરી કે આ લાયબ્રેરીથી બાળકોમાં વાંચન પ્રત્યે લગાવ વધશે અને ગામનો શૈક્ષણિક વિકાસ વધુ ગતિમાન બનશે.




















