
વલસાડ જિલ્લાના નાનાપોઢા તાલુકાના કોલક નદીના પ્રકૃતિના ખોળે વસેલું અરનાલા ગામમાં પ્રાણીઓ પ્રત્યે કરુણા અને સંવેદનાની ભાવના વ્યક્ત કરતી એક અનોખી પહેલ કરવામાં આવી છે. અરનાલા ગામની સાર્વજનિક સ્મશાન સમિતિના સહયોગથી સ્પર્શ સંસ્થા દ્વારા નાના પ્રાણીઓ માટે સમર્પિત “ભૈરવ મુક્તિધામ” સ્મશાનની શરૂઆત કરવામાં આવી છે. આ સ્થળનું પવિત્રીકરણ પારડીના ડેપ્યુટી કલેક્ટર અને એસ.ડી.એમ. શ્રી નિરવ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પહેલનો મુખ્ય હેતુ મૃત્યુ પામેલા નાના પ્રાણીઓના સન્માનપૂર્વક અંતિમ સંસ્કાર કરવામાં આવે અને સમાજમાં પ્રાણીઓ પ્રત્યે સંવેદના તથા માનવતાનો સંદેશ ફેલાય તે છે.
આજના સમયમાં ઘણા સ્થળોએ જ્યારે પ્રાણીઓનું મૃત્યુ થાય છે ત્યારે તેમને યોગ્ય રીતે દફનાવવા કે અંતિમ વિદાય આપવા માટે કોઈ સુવિધા ઉપલબ્ધ હોતી નથી. ઘણીવાર રસ્તાઓ પર મૃત પ્રાણીઓ પડેલા જોવા મળે છે અને વાહનો તેમના ઉપરથી પસાર થઈ જતા હોય છે, જે માનવતાને શોભતું નથી. આવી પરિસ્થિતિમાં સ્પર્શ સંસ્થા દ્વારા અરનાલા ગામમાં શરૂ કરાયેલ “ભૈરવ મુક્તિધામ” એક પ્રશંસનીય અને પ્રેરણાદાયી પહેલ ગણાઈ રહી છે. આ સ્થળ દ્વારા હવે નાના પ્રાણીઓને પણ ગૌરવપૂર્ણ અને સન્માનપૂર્વક અંતિમ વિદાય આપી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

આ પ્રસંગે ડેપ્યુટી કલેક્ટર અને એસ.ડી.એમ. શ્રી નિરવ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે જ્યારે તેમને આ કાર્યક્રમ માટે આમંત્રણ મળ્યું ત્યારે તેમણે તરત જ હાજરી આપવા માટે સ્વીકાર કર્યો હતો, કારણ કે પ્રાણીઓની સેવા અને તેમની પ્રત્યે કરુણાનો સંદેશ આપતી આવી પહેલ સમાજ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તેમણે જણાવ્યું કે ઘણીવાર રસ્તાઓ પર મૃત પ્રાણીઓ જોવા મળે છે અને લોકો તેમના ઉપરથી વાહન ચલાવીને પસાર થઈ જાય છે, જે ખૂબ દુઃખદ બાબત છે. પરંતુ અરનાલા ગામના લોકો અને સ્પર્શ સંસ્થાના સહયોગથી આવી સંવેદનશીલ પહેલ કરવામાં આવી છે, જે સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ બની શકે છે.
તેમણે સ્પર્શ સંસ્થાના કાર્યની પ્રશંસા કરતાં જણાવ્યું કે મુંબઈથી આવી સંસ્થા ગામડાં સુધી આવીને પ્રાણીઓની સેવા કરે છે તે ખરેખર સરાહનીય કાર્ય છે. તેમણે પંચલાઈ ખાતે આવેલા સંસ્થાના પ્રાણીસેવા કેન્દ્રની મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું કે ત્યાં પ્રાણીઓ માટે જે રીતે સારવાર અને સેવા આપવામાં આવે છે તે જોઈને આશ્ચર્ય થાય છે. પરંતુ સંસ્થાના સેવાભાવી કાર્યકરો સતત પ્રાણીઓની સેવા અને સારવાર માટે સમર્પિત રહે છે.
નિરવ પટેલે વધુમાં જણાવ્યું હતું કે પ્રાણીઓ માણસ કરતાં વધુ વફાદાર હોય છે અને તેમની પાસેથી લાગણી, વફાદારી અને માનવતા શીખવા મળે છે. પ્રાણીઓ આપણા જીવનનો મહત્વનો ભાગ છે અને તેમની સાથે કરુણાભર્યું વર્તન કરવું એ દરેક માનવીની ફરજ છે. તેમણે આ પ્રકારની પહેલને સમાજ માટે પ્રેરણાદાયી ગણાવી હતી અને જણાવ્યું કે જો કોઈ મંદિર અથવા અન્ય ઉદ્ઘાટન કરતાં પ્રાણીઓ માટે સમર્પિત સ્થળના ઉદ્ઘાટનમાં હાજરી આપવાની તક મળે તો તે વધુ આનંદની વાત છે.
તેમણે અરનાલા ગામના ગ્રામજનોનો પણ ખાસ આભાર વ્યક્ત કર્યો હતો, કારણ કે ગામના લોકોના સહયોગ વગર આવી પહેલ શક્ય બની શકતી નથી. તેમણે જણાવ્યું કે ગામના લોકોએ ખૂબ સારો સહયોગ આપ્યો છે અને કદાચ આ વિસ્તારનું એવું પ્રથમ ગામ હશે જ્યાં પ્રાણીઓ માટે સમર્પિત સ્મશાનની શરૂઆત કરવામાં આવી છે. તેમણે સ્પર્શ સંસ્થાને શુભેચ્છાઓ પાઠવી અને ભવિષ્યમાં પણ પ્રાણીઓની સેવા માટે તેઓ સતત કાર્ય કરતા રહે તેવી આશા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે તેમણે જણાવ્યું કે વહીવટી તંત્ર પણ આવી સકારાત્મક પહેલ માટે હંમેશા સહયોગ આપવા તૈયાર છે. જો ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની જરૂરિયાત ઊભી થશે તો તેઓ અને તેમનું વહીવટી તંત્ર હંમેશા મદદ માટે તૈયાર રહેશે. તેમણે સંસ્થાના કાર્યકરોને આ સેવા કાર્યને વધુ વિસ્તૃત બનાવવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
આ કાર્યક્રમમાં અરનાલા ગામના સરપંચ સરિતાબેન પટેલ, પાટી ગામના સરપંચ જીતુભાઈ પટેલ, અગ્રણી આગેવાન રોહીનભાઈ સૂઈ, ગોઈમા ગામના ગ્રામજનો, અરનાલા ગામના તલાટી કમ મંત્રી, સ્પર્શ સંસ્થાના ટ્રસ્ટી મહર્ષિ કે. દવે અને ઋતુ એમ. દવે, તેમજ એડવોકેટ ભૂમિકાબેન સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવો દ્વારા આ પહેલને ખૂબ સરાહનીય ગણાવવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રાણીઓ પ્રત્યે કરુણા, સંવેદના અને પર્યાવરણ પ્રત્યે જવાબદારી જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. તેઓએ જણાવ્યું કે માનવ સમાજ ત્યારે જ સાચી પ્રગતિ કરી શકે છે જ્યારે તે માત્ર માનવો માટે જ નહીં પરંતુ પ્રાણીઓ અને પ્રકૃતિ માટે પણ સંવેદનશીલ બને. અરનાલા ગામમાં શરૂ કરાયેલ “ભૈરવ મુક્તિધામ” આ વિચારધારાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે.
અંતમાં ગ્રામજનો અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી હતી કે આવી પહેલ અન્ય ગામો અને વિસ્તારો માટે પણ પ્રેરણાસ્ત્રોત બનશે અને ભવિષ્યમાં વધુ સ્થળોએ પ્રાણીઓ માટે સન્માનપૂર્વક અંતિમ સંસ્કારની વ્યવસ્થા ઉભી થશે. અરનાલા ગામની આ પહેલ માનવતા, કરુણા અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનો એક સશક્ત સંદેશ આપી રહી છે.










