
વલસાડ તાલુકાના કાંપરિયા ગામ ખાતે આવેલ ચોસઠ જોગણી માતાનું મંદિર માં વાર્ષિક મહોત્સવ નિમિત્તે માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતો રક્તદાન કેમ્પ તથા નિઃશુલ્ક આરોગ્ય કેમ્પ યોજાયો હતો. ચોસઠ જોગણી નવ યુવક મંડળ કાંપરિયા સાથે પાર્થ ટ્રેડર્સ વાપી, સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ, Rainbow Warriors Dharampur તેમજ શ્રીમદ્ રાજચંદ્ર સંસ્થા ના સંયુક્ત ઉપક્રમે આ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનું ઉદ્ઘાટન ગામના આગેવાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના યુવાનો અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ માનવતાનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું. રક્તદાન કેમ્પ દરમિયાન કુલ 36 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું, જે જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનદાયી સાબિત થશે. આ ઉપરાંત આરોગ્ય કેમ્પમાં આશરે 270 જેટલા લોકોએ નિઃશુલ્ક આરોગ્ય સેવાઓ મેળવી હતી.
રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે આયોજકો દ્વારા ભેટ આપીને તેમને ઉત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સેવા, પરોપકાર અને સમાજપ્રત્યેની જવાબદારીની ભાવના સ્પષ્ટ રીતે જોવા મળી હતી. આયોજકોએ રક્તદાનના મહત્વ અંગે જાગૃતિ ફેલાવી અને દરેક સ્વસ્થ વ્યક્તિએ નિયમિત રીતે રક્તદાન કરવાની અપીલ કરી હતી.
કાર્યક્રમને સફળ બનાવવા માટે ચોસઠ જોગણી નવ યુવક મંડળના સભ્યો, ગામજનો, સ્વયંસેવકો તેમજ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ નોંધપાત્ર ફાળો આપ્યો હતો. આ સેવાકીય કાર્યક્રમ ગામમાં પ્રેરણાદાયી ઉદાહરણ બની રહ્યો છે.






