
વલસાડ જિલ્લા પંચાયત અને ૬ તાલુકા પંચાયતના પ્રમુખપદ માટે સરકાર દ્વારા જાહેર કરાયેલા રોટેશન ઓર્ડર બાદ જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે. નવી અનામત વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને વિવિધ રાજકીય આગેવાનો હવે પોતાની દાવેદારી મજબૂત બનાવવા માટે સક્રિય બન્યા છે.

ખાસ કરીને જિલ્લા પંચાયતના પ્રમુખપદ માટે ઓબીસી મહિલાઓ માટે અનામત જાહેર થતા રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખપદ માટે આ વખતે ઓબીસી મહિલા માટે અનામત જાહેર કરવામાં આવ્યું છે. આ નિર્ણય બાદ રાજકીય નેતાઓએ પોતાના પરિવારજનો, ખાસ કરીને પત્નીને ચૂંટણી મેદાનમાં ઉતારવાની તૈયારી શરૂ કરી દીધી છે. જિલ્લા પંચાયત સાથે સાથે તાલુકા પંચાયતના પ્રમુખપદ માટે પણ વિવિધ વર્ગોને અનામત ફાળવવામાં આવી છે, જેના કારણે તાલુકા સ્તરે પણ રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે.
રોટેશન ઓર્ડર મુજબ ધરમપુર તાલુકા પંચાયતનું પ્રમુખપદ એસ.ટી. મહિલા માટે અનામત રાખવામાં આવ્યું છે. નાનાપોઢા તાલુકા પંચાયતનું પ્રમુખપદ પણ એસ.ટી. મહિલા માટે અનામત જાહેર થયું છે. પારડી તાલુકા પંચાયત માટે એસ.ટી. મહિલા અનામત છે, જ્યારે કપરાડા તાલુકા પંચાયત માટે એસ.ટી. માટે અનામત જાહેર કરવામાં આવ્યું છે. ઉમરગામ તાલુકા પંચાયત માટે પણ એસ.ટી. અનામત જાહેર કરાયું છે. બીજી તરફ વલસાડ તાલુકા પંચાયત માટે ઓબીસી માટે અનામત જાહેર થતાં સ્થાનિક રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે.
આ રોટેશન ઓર્ડર જાહેર થતાં જ વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો પોતાના સમર્થકો સાથે બેઠક યોજી રહ્યા છે અને આવનારી ચૂંટણીઓ માટે રણનીતિ તૈયાર કરી રહ્યા છે. ખાસ કરીને જિલ્લા પંચાયતના પ્રમુખપદ માટે હવે મહિલા ઉમેદવારોને આગળ લાવવા માટે પ્રયત્નો શરૂ થયા છે. ઘણા નેતાઓ પોતાની પત્ની અથવા પરિવારની મહિલાને ચૂંટણીમાં ઉતારવાની ચર્ચાઓ ચાલી રહી છે, જેથી પ્રમુખપદ મેળવવાની તક ગુમાવવી ન પડે.
રાજકીય વિશ્લેષકોના મતે આ અનામત વ્યવસ્થા પછી ચૂંટણીમાં નવા ચહેરાઓ જોવા મળશે અને મહિલાઓને રાજકીય ક્ષેત્રમાં આગળ આવવાની મોટી તક મળશે. છેલ્લા કેટલાક વર્ષોમાં ગ્રામ્ય સ્તરે મહિલાઓની ભાગીદારી વધી રહી છે અને હવે આ રોટેશન ઓર્ડર પછી વધુ મહિલાઓ ચૂંટણીમાં સક્રિય બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
જિલ્લામાં હાલ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓની સત્તાવાર જાહેરાત થવાની બાકી છે, પરંતુ રોટેશન ઓર્ડર જાહેર થતાં જ રાજકીય દોડધામ શરૂ થઈ ગઈ છે. આગેવાનો ગામ અને તાલુકા સ્તરે સંપર્ક અભિયાન શરૂ કરી રહ્યા છે અને પોતાના પ્રભાવ ક્ષેત્રમાં સમર્થન મજબૂત બનાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે.
આગામી સમયમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી જાહેર થતાં જ રાજકીય ચહલપહલ વધુ તેજ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રોટેશન ઓર્ડર બાદ વલસાડ જિલ્લામાં રાજકીય પરિસ્થિતિમાં મોટા ફેરફારો જોવા મળશે તેવું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.






