
કપરાડા અને નાનાપોઢા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આવનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને અન્ય સ્થાનિક સંસ્થાઓની ૨૦૨૬ની ચૂંટણી માટે ઉમેદવારી કરવાની ઇચ્છા ધરાવતા મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો સિલ્વર હોટલ, કાકડકોપર ખાતે ઉપસ્થિત રહ્યા હતા.

પાર્ટી દ્વારા નિમણૂક કરાયેલ નિરીક્ષકોની ટીમ ખાસ આ પ્રસંગે સિલ્વર હોટલ, કાકડકોપર આવી પહોંચી હતી. કાર્યકરો દ્વારા પોતાના વિસ્તારના વિકાસ કામો, સંગઠન પ્રત્યેની વફાદારી અને ચૂંટણી જીતવાની ક્ષમતા અંગે નિરીક્ષકો સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. કાર્યકરોમાં ખાસ કરીને યુવાનો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી આવેલા કાર્યકરોનો ઉત્સાહ જોવા મળ્યો હતો.

નિરીક્ષકો દ્વારા દરેક કાર્યકરોની વાત ધ્યાનપૂર્વક સાંભળવામાં આવી હતી અને ઉમેદવારી માટે યોગ્ય નામોની નોંધ પણ લેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક સ્તરે પાર્ટી વધુ મજબૂત બને અને આવનારી ચૂંટણીમાં વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય તે માટે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું પાર્ટી સૂત્રોએ જણાવ્યું હતું.

આ બેઠક દરમિયાન કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો. કપરાડા અને નાનાપોઢા વિસ્તારમાં ભાજપના કાર્યકરો એકજૂટ થઈને ચૂંટણી માટે તૈયારી શરૂ કરી રહ્યા હોવાનો સંદેશો પણ આ પ્રસંગે મળ્યો હતો. આવનારા દિવસોમાં ઉમેદવારોની જાહેરાત થતા રાજકીય માહોલ વધુ ગરમાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.











