
DGVCLના વીજપોલ ઊભા કરવાની કામગીરી દરમિયાન પાંચ કામદારોને કરંટ લાગ્યો; ઘટનાથી ચકચાર

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ) ચીવલ, તા. ૨૪
કપરાડા તાલુકાના વાવર ગામે વીજકરંટ લાગવાની ઘટનામાં બે કામદારોનાં મોત થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. DGVCLની વીજલાઇન માટે વીજપોલ ઊભો કરવાની કામગીરી દરમિયાન પાંચ કામદારોને અચાનક વીજકરંટ લાગ્યો હતો. જેમાં બે કામદારોનાં મોત થયા હતા, જ્યારે એક કામદાર ઈજાગ્રસ્ત થતાં તેને વધુ સારવાર માટે ધરમપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, વાવર ગામે વીજપોલ ઊભો કરવાની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન અચાનક વીજકરંટ લાગતાં કામદારોમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનામાં સુરેશભાઈ કુસનાભાઈ પવાર (ઉં. ૪૫), રહે. વાવર-રીઠમાળ અને સાગરભાઈ આંબાદાસભાઈ સરનાયક (ઉં. ૩૦), રહે. વાવર-ઘરટાપાડાને ગંભીર અસર થઈ હતી. બંનેને તાત્કાલિક સુથારપાડા સ્થિત સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબી તપાસ બાદ બંનેને મૃત જાહેર કરાયા હતા.
અકસ્મતમાં હેમેશભાઈ ભાવુરામભાઈ સરનાયક ઈજાગ્રસ્ત થયા હતા. તેમને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ધરમપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાથી વાવરમાં શોક
વીજકરંટ લાગવાની ઘટના બનતાં આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં મૃતકોના પરિવારજનો તથા વાવર અને આસપાસના ગામોના લોકો સુથારપાડા સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. બે કામદારોનાં મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
પોલીસ તપાસ હાથ ધરાઈ
બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી છે. વીજપોલ ઊભો કરવાની કામગીરી દરમિયાન કયા સંજોગોમાં વીજકરંટ લાગ્યો, વીજપુરવઠાની સ્થિતિ શું હતી તેમજ કામગીરી દરમિયાન સલામતીનાં જરૂરી પગલાં લેવાયા હતા કે નહીં તે સહિતના મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે. બંને મૃતદેહોના પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અકસ્માતનું ચોક્કસ કારણ તપાસ પૂર્ણ થયા બાદ સ્પષ્ટ થશે.
ડેપ્યુટી ઈજનેરનું નિવેદન
ડેપ્યુટી ઈજનેર એસ. આર. પટેલે જણાવ્યું હતું કે, “કામદારો જાતે વીજપોલ ઊભો કરી રહ્યા હતા. અત્રેની કચેરી તરફથી કોઈ કામ સોંપવામાં આવ્યું નહોતું કે કોઈને કામગીરી માટે મોકલવામાં આવ્યા નહોતા. સમગ્ર ઘટનાની તપાસ હાલ ચાલુ છે.”
:::