
કપરાડા અને નાનાપોઢા તાલુકામાં ભારે વરસાદ અને પૂર દરમિયાન અસરકારક કામગીરી બદલ બંને તાલુકાના મામલતદાર સંજયભાઈ ટેલરને 15મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિન નિમિત્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.
ભારે વરસાદના કારણે બંને તાલુકાના અનેક વિસ્તારોમાં પૂર જેવી વિકટ પરિસ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન સંજયભાઈ ટેલર એક સાથે કપરાડા અને નાનાપોઢા તાલુકાના મામલતદારનો ચાર્જ સંભાળી રહ્યા હોવા છતાં રાત-દિવસ સતત ફરજ પર હાજર રહ્યા હતા. પૂરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક પહોંચીને રાહત અને બચાવ કામગીરીનું સતત મોનિટરિંગ કર્યું હતું.
નામદાર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી વિવિધ સહાય પૂરગ્રસ્ત અને અસરગ્રસ્ત લોકોને ઝડપથી મળી રહે તે માટે તેમણે અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સંકલન કરીને કામગીરીને વેગ આપ્યો હતો. વિકટ પરિસ્થિતિ વચ્ચે પણ કચેરીમાં સતત હાજરી આપી સરકારી કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
તેમની ફરજપ્રતિની નિષ્ઠા, તત્પરતા અને આપત્તિના સમયમાં કરાયેલી સેવાકીય કામગીરીની પ્રશંસા કરી 15મી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વે તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માનથી વહીવટી તંત્રના કર્મચારીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો.પ