ગુજરાત એનર્જીના સૌજન્યથી નિર્મિત આંગણવાડીનું ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે ઉદ્ઘાટન કરાયુંબાળકોના શિક્ષણ, આરોગ્ય અને કુપોષણ મુક્તિ માટે સરકાર સતત પ્રયત્નશીલ : જીતુભાઈ ચૌધરીવલસાડ જિલ્લાના નાનાપોઢા તાલુકા મથકના લુહાર ફળિયામાં ગુજરાત એનર્જીના સૌજન્યથી નિર્માણ પામેલી નંદ ઘર આંગણવાડીનું લોકાર્પણ કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ હરજીભાઈ ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું. ગ્રામ્ય વિસ્તારનાં બાળકોને આધુનિક સુવિધાઓ સાથે શિક્ષણ અને પોષણ મળી રહે તેવા હેતુથી નિર્માણ પામેલી આ આંગણવાડીના લોકાર્પણ પ્રસંગે સ્થાનિક આગેવાનો, પદાધિકારીઓ, અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર બાળકોના શિક્ષણ, આરોગ્ય અને સર્વાંગી વિકાસ માટે સતત પ્રગતિશીલ કામગીરી કરી રહી છે. ખાસ કરીને ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોમાં બાળકોને સારી શૈક્ષણિક સુવિધાઓ મળી રહે તેમજ કોઈ બાળક કુપોષણનો ભોગ ન બને તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે બાળકના જીવનના શરૂઆતના વર્ષો તેના ભવિષ્યના ઘડતર માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે. આંગણવાડી કેન્દ્રો માત્ર બાળકોને પોષણ પૂરું પાડવાનું સ્થળ નથી, પરંતુ બાળકોના પ્રાથમિક શિક્ષણ, સંસ્કાર અને શારીરિક તથા માનસિક વિકાસનું પણ મહત્વનું કેન્દ્ર છે. નંદ ઘર જેવી સુવિધાઓથી બાળકોને વધુ સારું વાતાવરણ મળી રહેશે અને માતાઓને પણ બાળ સંભાળ તથા પોષણ અંગે જાગૃતિ મળશે.જીતુભાઈ ચૌધરીએ ગુજરાત એનર્જી દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે નાનાપોઢાના લુહાર ફળિયામાં નંદ ઘર આંગણવાડીના નિર્માણ માટે આપવામાં આવેલા સહયોગને આવકાર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સરકારની સાથે ઉદ્યોગો અને સામાજિક સંસ્થાઓ પણ ગામડાંના વિકાસમાં સહભાગી બને તો શિક્ષણ, આરોગ્ય અને પાયાની સુવિધાઓના ક્ષેત્રમાં વધુ સારા પરિણામો મેળવી શકાય છે.આદિવાસી વિસ્તારના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને પોષણ મળે તે માટે સ્થાનિક સ્તરે પણ સૌએ જવાબદારી નિભાવવાની જરૂર છે. આંગણવાડીમાં બાળકો નિયમિત આવે, તેમને યોગ્ય પોષણ મળે અને માતા-પિતા પણ બાળકોના શિક્ષણ પ્રત્યે જાગૃત બને તે માટે આંગણવાડી કાર્યકરોની ભૂમિકા પણ મહત્ત્વપૂર્ણ છે.કાર્યક્રમમાં નાનાપોઢા તાલુકા પંચાયત પ્રમુખ મનીષાબેન પટેલ, જિલ્લા પંચાયતના બાળ વિકાસ ચેરમેન દક્ષાબેન ચૌધરી, વિપુલભાઈ ભોયા, એપીએમસી ચેરમેન મુકેશભાઈ પટેલ, સીડીપીઓ, ગ્રામ પંચાયતના સરપંચ સહિત ગામના અગ્રણીઓ અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.નંદ ઘરથી બાળકોના વિકાસને નવી દિશાનાનાપોઢાના લુહાર ફળિયામાં નંદ ઘર આંગણવાડી શરૂ થવાથી સ્થાનિક વિસ્તારનાં ભૂલકાંઓને શિક્ષણ અને પોષણની સુવિધા ઉપલબ્ધ થશે. ગુજરાત એનર્જીના સહયોગથી સાકાર થયેલી આ પહેલ ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારમાં બાળ વિકાસ, શિક્ષણ અને કુપોષણ સામેની લડાઈને વધુ મજબૂત બનાવવામાં ઉપયોગી સાબિત થશે. આંગણવાડીના લોકાર્પણથી સ્થાનિક લોકોમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી.
