News

ગોઇમા પાસે એસ.ટી. બસની અડફેટે એક્ટિવા સવાર યુવકનું મોત !

વેલ્સ્પન કંપનીમાં નોકરીએ જતા દંપતીને અકસ્માત; પત્નીને ગંભીર ઇજા, બસ ચાલક સામે ફરિયાદ પારડી તાલુકાના ગોઇમા ગામના ગૌમુખી ફળિયા નજીક ઉદવાડાથી નાનાપોઢા તરફ જતા માર્ગ પર એસ.ટી. બસ અને એક્ટિવા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. એસ.ટી. બસની ટક્કરથી એક્ટિવા સવાર દંપતી રોડની બાજુએ ફંગોળાઈ ગયું હતું. અકસ્માતમાં 33 વર્ષીય ઇન્જામુલહક અબ્દુલહક ખોતનું મોત થયું હતું, […]

(મૃતક નો ફાઇલ ફોટો)

Advertisement

વેલ્સ્પન કંપનીમાં નોકરીએ જતા દંપતીને અકસ્માત; પત્નીને ગંભીર ઇજા, બસ ચાલક સામે ફરિયાદ

પારડી તાલુકાના ગોઇમા ગામના ગૌમુખી ફળિયા નજીક ઉદવાડાથી નાનાપોઢા તરફ જતા માર્ગ પર એસ.ટી. બસ અને એક્ટિવા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. એસ.ટી. બસની ટક્કરથી એક્ટિવા સવાર દંપતી રોડની બાજુએ ફંગોળાઈ ગયું હતું. અકસ્માતમાં 33 વર્ષીય ઇન્જામુલહક અબ્દુલહક ખોતનું મોત થયું હતું, જ્યારે તેમની પત્ની દિવ્યાબેનને ગંભીર ઇજાઓ પહોંચતાં નાનાપોઢા ખાતે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

પોલીસ ફરિયાદ મુજબ, નાનાપોઢા તાલુકાના અરનાલા મુસ્લિમ ફળિયામાં રહેતા ઇન્જામુલહક તથા તેમની પત્ની દિવ્યાબેન વાપી ખાતે આવેલી વેલ્સ્પન કંપનીમાં નોકરી કરતા હતા. તા. 14 જૂન 2025ના રોજ સવારે બંને પોતાની એક્ટિવા મોપેડ નં. GJ-15-EH-9284 પર નોકરી અર્થે નીકળ્યા હતા.

આ દરમિયાન સવારે આશરે 8:15 વાગ્યે તેઓ ગોઇમા ગામના ગૌમુખી ફળિયા નજીક ઉદવાડાથી નાનાપોઢા તરફ જતા માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે સામેથી આવતી એસ.ટી. બસ નં. GJ-18-ZT-0785 સાથે તેમની એક્ટિવાની ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે દંપતી એક્ટિવા પરથી રોડની બાજુએ ફંગોળાઈ ગયા હતા.

અકસ્માત બાદ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. 108 એમ્બ્યુલન્સ મારફતે દિવ્યાબેનને સારવાર માટે ચીરંજીવી હોસ્પિટલ, નાનાપોઢા ખાતે લઈ જવામાં આવ્યા હતા. તેમને જમણા હાથ તથા પગમાં ગંભીર ઇજાઓ થઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

બીજી તરફ ઇન્જામુલહકને તેમના પરિવારજનો પોતાની ફોરવ્હીલર કારમાં સારવાર માટે ચીરંજીવી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. હોસ્પિટલમાં તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી. જોકે ઇજાઓ ગંભીર હોવાથી ફરજ પરના તબીબે સવારે આશરે 9 વાગ્યે ઇન્જામુલહકને મૃત જાહેર કર્યા હતા.

મૃત્યુના સમાચાર મળતાં પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો. ત્યારબાદ ઇન્જામુલહકના મૃતદેહને નાનાપોઢા સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતના પગલે અરનાલા ગામમાં પણ શોકનો માહોલ છવાયો હતો. પરિવારજનો સહિત ગ્રામજનોમાં ઘેરા દુઃખની લાગણી જોવા મળી હતી.

ફરિયાદમાં એસ.ટી. બસના ચાલકે બસ પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી એક્ટિવા સાથે અકસ્માત કર્યો હતો. અકસ્માત બાદ બસ સ્થળ પર મૂકીને ચાલક ફરાર થઈ ગયો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.

આ બનાવ અંગે પારડી પોલીસ સ્ટેશનમાં એસ.ટી. બસના ચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 281, 125(બ), 106(1) તેમજ મોટર વ્હીકલ એક્ટની કલમ 177 અને 184 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પારડી પોલીસે અકસ્માતની સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે. બસ ચાલકની ભૂમિકા સહિત અકસ્માતના ચોક્કસ કારણો અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *