ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની તા.14મી માર્ચથી શરૂ થનારી બોર્ડની પરીક્ષાને લઈ કુલ 563 પરીક્ષા કેન્દ્રોને સંવેદનશીલ તરીકે જાહેર કરવામાં આવ્યાં છે

0
218

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની તા.14મી માર્ચથી શરૂ થનારી બોર્ડની પરીક્ષાને લઈ કુલ 563 પરીક્ષા કેન્દ્રોને સંવેદનશીલ તરીકે જાહેર કરવામાં આવ્યાં છે જ્યારે 327 કેન્દ્રોને અતિ-સંવેદનશીલ તરીકે જાહેર કરાયાં છે. પરીક્ષાને લઈ બોર્ડ દ્વારા રાજ્યકક્ષાની કુલ 60 સ્ક્વોડ તૈનાત કરવામાં આવી છે. જે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઓચિંતી તપાસ માટે જશે. આ સિવાય દરેક જિલ્લામા સ્થાનિક સ્ક્વોડની વ્યવસ્થા અલગથી કરવામાં આવશે. અતિસંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો પર પેરામિલિટરી ફોર્સ પણ મુકવામાં આવશે.

શિક્ષણ બોર્ડના અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ, ધોરણ.10ની પરીક્ષા માટે કુલ 958 કેન્દ્ર નક્કી કરવામાં આવ્યાં છે જેમાથી 319 કેન્દ્ર સંવેદનશીલ અને 180 કેન્દ્રને અતિસંવેદનશીલ તરીકે જાહેર કરવામાં આવ્યાં છે. ધોરણ.10માં દેવભુમિ દ્વારકા જિલ્લામાં એકપણ કેન્દ્ર સંવેદનશીલ જાહેર નથી. આ સિવાય તમામ જિલ્લામાં છે. સૌથી વધુ નડિયાદમાં 33 કેન્દ્ર સંવેદનશીલ જાહેર કરાયા છે. ધોરણ.12 સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે કુલ 665 કેન્દ્ર નક્કી કરવામાં આવ્યાં છે જેમાથી 218 કેન્દ્ર સંવેદનશીલ અને 137 કેન્દ્રને અતિસંવેદનશીલ તરીકે જાહેર કરવામાં આવ્યાં છે. ધોરણ.12 સાયન્સમાં 140 કેન્દ્ર નક્કી કરવામાં આવ્યાં છે

જેમાથી સંવેદનશીલ કેન્દ્રની સંખ્યા 26 છે જ્યારે અતિસંવેદનશીલ કેન્દ્ર 10 જાહેર કરાયાં છે. આ કેન્દ્રો પર શિક્ષણ બોર્ડ દ્વારા સતત મોનેટરિંગ કરવામાં આવશે તેમજ અતિસંવેદનશીલ કેન્દ્રો પર પેરામેડિકલ ફોર્સના જવાનો પણ ગોઠવવામાં આવતા હોય છે. આ સિવાય વર્ગ-1 અને 2ના અધિકારીઓ પરીક્ષાના સંપૂર્ણ સમય હાજર રાખવામાં આવતા હોય છે.

અમદાવાદ જિલ્લામાં 20 પરીક્ષા કેન્દ્ર સેન્સેટિવ

અમદાવાદ જિલ્લામાં ધોરણ.10 અને 12ના મળી 20 કેન્દ્ર સેન્સેટિવ જાહેર કરવામાં આવ્યાં છે. અમદાવાદ શહેરમાં અતિસંવેદનશીલ કેન્દ્ર એકપણ નથી જ્યારે સંવેદનશીલ કેન્દ્ર ધોરણ.10માં 4 અને ધોરણ.12 સામાન્ય પ્રવાહમાં 9 જાહેર કરાયાં છે. ગ્રામ્ય વિસ્તારમાં ધોરણ.10માં 3 કેન્દ્ર સંવેદનશીલ અને 2 કેન્દ્ર અતિસંવેદનશીલ જાહેર કર્યાં છે જ્યારે ધોરણ.12 સામાન્ય પ્રવાહમાં 2 કેન્દ્ર સંવેદનશીલ તરીકે જાહેર કરવામાં આવ્યાં છે.

Ad…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here