વલસાડ જિલ્લામાં ૪૪૬૫૭૯ બાળકોને કૃમિનાશક દવા અપાઈ, ૯૭.૪ ટકા લક્ષ્યાંક સિધ્ધ

0
193

વલસાડ જિલ્લામાં ૪૫૮૩૨૧ બાળકોના લક્ષ્યાંક સામે ૪૪૬૫૭૯ બાળકોને આવરી લેવાતા ૯૭.૪ ટકા સિધ્ધિ

કૃમિમુક્ત બાળક એટલે તંદુરસ્ત બાળક અભિયાનમાં ૪૫૮૩૨૧ બાળકોને આવરી લેવાનો લક્ષ્યાંક હતો
વલસાડ, ધરમપુર અને કપરાડા તાલુકામાં ૧૦૦ ટકા ટાર્ગેટ એચિવ

“કૃમિમુક્ત બાળક એટલે તંદુરસ્ત બાળક”, તમામ બાળકો સ્વસ્થ રહે તે માટે રાજ્ય સરકારશ્રી દ્વારા વિવિધ અભિયાન હાથ ધરવામાં આવે છે. જે પૈકી કૃમિનાશક દવા પીવડાવવાની કામગીરી પણ ઝુંબેશના ધોરણે હાથ ધરાઈ હતી. કૃમિના ચેપથી બાળકોને સ્વાસ્થ્ય ઉપર અનેક ગંભીર અસરો જેવી કે, લોહીની ઉણપ, પાંડુરોગ, કુપોષણ, ભુખ ન લાગવી, બેચેની, પેટમાં દુખાવો, ઝાડા ઉલટી, વજનમાં સતત ઘટાડો જેવા અનેક લક્ષણો જોવા મળે છે. બાળકો તંદુરસ્ત અને સ્વસ્થ રહે તે માટે વલસાડ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા રાષ્ટ્રીય કૃમિમુક્ત અઠવાડીયા અન્વયે શાળા અને આંગણવાડી કેન્દ્રોના સહકારથી કૃમિનાશક દવા (આલ્બેન્ડાઝોલની ગોળી) નિઃશૂલ્ક આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં વલસાડ જિલ્લામાં ૪૫૮૩૨૧ બાળકોના લક્ષ્યાંક સામે ૪૪૬૫૭૯ બાળકોને આવરી લેવાતા ૯૭.૪ ટકા સિધ્ધિ મળી છે.

વલસાડ જિલ્લામાં ૧ થી ૫ વર્ષના બાળકોને આ દવાનો ડોઝ આંગણવાડી કેન્દ્ર પર અને ૬ થી ૧૯ વર્ષના બાળકોને આ દવા શાળા મારફતે કોવિડ ગાઈડલાઈન પ્રમાણે વિના મૂલ્યે આપવામાં આવી હતી. આંગણવાડી તથા શાળાએ ન જતા બાળકોને પણ આવરી લેવાયા હતા.

કૃમિનાશક દવા આલ્બેન્ડાઝોલ નામની ગોળી બાળકો માટે સુરક્ષિત છે. આ દવા તમામ સ્તરે નિરીક્ષણ હેઠળ આપવામાં આવી હતી. બાળકોમાં કૃમિનાશક દવાના સીધા ફાયદા જેવા કે, લોહીની ઉણપમાં સુધારો, પોષણ સ્તરમાં સુધારો તથા ભવિષ્યના ફાયદા જેવા કે, આંગણવાડી કેન્દ્ર અને શાળામાં હાજરી, ગ્રહણ શક્તિમાં સુધારો, ભવિષ્યમાં કાર્યક્ષમતામાં સુધારો, જીવનદરમાં વૃધ્ધિ તેમજ વાતાવરણમાં કૃમિની સંખ્યા ઓછી હોવાથી જનસમુદાયને લાભ મળશે. કૃમિની દવાના સેવનની સાથે સાથે કૃમિના ચેપથી બચવાના ઉપાયો પણ ખૂબ જ જરૂરી છે. જેમકે નખ નાના અને સાફ રાખવા, હંમેશા પીવાનું પાણી સ્વચ્છ રાખવુ, ખોરાકને ઢાંકીને રાખવો, ચોખ્ખા પાણીથી ફળો તથા શાકભાજી ધોવા, ઘરની આજુબાજુ સ્વચ્છતા રાખવી, પગરખા પહેરવા, જમ્યા પહેલા અને શૌચ પછી સાબુથી હાથ ધોવા વગેરે કાળજી રાખવી જોઈએ.

વલસાડ જિલ્લાના વલસાડ તાલુકામાં ૮૯૫૮૫ના ટાર્ગેટ સામે ૮૯૬૮૦ બાળકોને આવરી લેવાતા ૧૦૦.૧ લક્ષ્યાંક સિધ્ધ કરી લેવાયો છે. પારડી તાલુકામાં ૪૯૨૬૦ના લક્ષ્યાંક સામે ૪૯૦૫૯ બાળકોને દવા અપાતા ૯૯.૬ ટકા લક્ષ્યાંક હાસંલ કરાયો છે. વાપીમાં ૭૨૪૪૫ બાળકોના લક્ષ્યાંક સામે ૭૧૮૧૫ બાળકોને દવા આપવામાં આવતા ૯૯.૧ ટકા લક્ષ્યાંક સિધ્ધ કરાયો છે. ઉમરગામમાં ૮૫૬૮૫ બાળકો સામે ૮૪૬૮૩ બાળકો, ધરમપુરમાં ૭૦૨૬૦ બાળકો સામે ૭૦૨૪૯ અને કપરાડામાં ૮૧૦૭૩ બાળકો સામે ૮૧૦૯૩ બાળકોને આવરી લેવાતા ૧૦૦ ટકા લક્ષ્યાંક સિધ્ધ કરાયો છે.

AD….


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here