બનાસકાંઠા અને કચ્છમાં ભારે પવન-કરાં સાથે ધોધમાર વરસાદ, થરાદમાં રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાયાં

0
289

ગુજરાતમાં આ વર્ષે કમોસમી વરસાદની આફત જાણે અટકવાનું નામ નથી લતી. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા 29થી 31 તારીખ દરમિયાન ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. ત્યારે આજે બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. કરાં અને ભારે પવન સાથે વરસાદ વરસવાને કારણે ખેતરોમાં ઊભા પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

બનાસકાંઠામાં મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ
આજે બનાસકાંઠાના ઈકબાલગઢ વિસ્તારના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસતાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. તો થરાદમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતાં બસ સ્ટેન્ડ વિસ્તારમાં તો ઘૂંટણસમા પાણી ભરાયેલાં જોવા મળ્યાં હતાં. એને કારણે રાહદારીઓ અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.

ડીસામાં કરાં સાથે વરસાદ વરસ્યો
બનાસકાંઠા જિલ્લામાં ડીસા અને અંબાજી પંથકના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો. ડીસામાં કરાં સાથે વરસાદ વરસ્યો હતો. જ્યારે અંબાજી અને આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસતાં રસ્તા પર પાણી ભરાયાં હતાં. ભરઉનાળે કરાં સાથે વરસાદ પડતાં ટેટી, તરબૂચ, શાકભાજીના પાકો સહિત ઉનાળુ પાકોને ભયંકર નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. હજુ પણ કમોસમી વરસાદ અટકવાનું નામ લેતો નથી.

Ad..

કચ્છમાં ભારે પવન અને કરાં સાથે વરસાદ વરસ્યો
કચ્છમાં પણ આજે વરસાદી માહોલ છવાયો છે. કચ્છના લખપત તાલુકાના ફુલરા, પાંધ્રો અને વર્માનગરમાં ગાજવીજ તથા પવન સાથે વરસાદ વરસ્યો હતો, તો પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં પણ માવઠું થયું છે. ભચાઉ તાલુકાના કણખોઈ અને રાપર તાલુકાના ખેંગારપરમાં જોરદાર પવન સાથે તોફાની વરસાદ ખાબક્યો હતો, જેમાં કણખોઈ ગામે ભાવે પવનને કારણે અનેક વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયાં છે, તો માવઠું થતાં ગ્રામ્ય માર્ગો પર પાણીના ધોધ વહી નીકળ્યા હતા. માવઠાથી આ વિસ્તારના ખેડૂતોને ઘઉં, એરંડા અને ઇસબગૂલ સહિતના પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે

Ad…

સિદ્ધપુર અને રાધનપુરમાં હળવા વરસાદી ઝાપટા
ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા ઉપરાંત પાટણના સિદ્ધપુર અને રાધનપુરમાં પણ માવઠું થયું છે. બંને શહેરોમા વાદળછાયું વાતાવરણ સર્જાયા બાદ છુટાછવાયા વરસાદી ઝાપટા વરસ્યા હતા. વાતાવરણમાં પલટાના કારણે ધરતીપુત્રો ચિંતિત જોવા મળ્યા હતા.

અમરેલી જિલ્લામાં હળવા વરસાદી ઝાપટાં
કમોસમી વરસાદની આગાહી વચ્ચે આજે અમરેલી જિલ્લામાં વધુ એક માવઠું જોવા મળ્યું હતું. સાવરકુંડલાના ભમર અને મેરિયાણા પંથકમાં હળવા વરસાદી ઝાપટાં વરસ્યાં હતાં.

Ad.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here