
માવઠાએ મચાવી તબાહી, 10 કલાકમાં રાજ્યના 220 તાલુકામાં વરસાદ, ઓરેન્જ એલર્ટ
સાંજે 7 વાગ્યા સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દ.ગુજરાતના 5 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. વલસાડ, નવસારી, ડાંગમાં વરસાદની આગાહી છે. દીવ, દાદરા નગર હવેલીમાં વરસાદ વરસી રહ્યો છે..
ગુજરાતના અનેક વિસ્તારોમાં રવિવારે વહેલી સવારે ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. સુરતમાં કરા પડ્યા હતા તો રાજકોટમાં રસ્તા પર બરફ પડવાને કારણે લોકોએ મજા માણી હતી. હવામાન વિભાગે આગાહી કરી હતી કે, 24 નવેમ્બરથી 27 નવેમ્બર સુધીમાં ગુજરાતના કેટલાંક વિસ્તોમાં માવઠું આવી શકે છે. રવિવારે વહેલી સવારે 5થી 8 વાગ્યામાં ભારે વરસાદ પડ્યો હતો.
ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના લગભગ 20 જિલ્લાના 61 તાલુકામાં વરસાદ પડ્યો હતો. સોમનાથમાં કાર્તિક પૂર્ણિમાના મેળામાં અનેક સ્ટોલ ઉડી ગયા હતા. હવામાન વિભાગના કહેવા મુજબ હજુ 24 કલાક ભારે છે અને 27 તારીખે દાહોદ, પંચમહાલ, સાબરકાંઠા, અરવલ્લી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણમાં કમોસમી વરસાદ પડશે.

રાજ્યમાં આજે વહેલી સવારથી માવઠાએ તરખાટ મચાવ્યો છે. મોટાભાગના વિસ્તારોમાં વરસાદ ખાબકી રહ્યો છે, ત્યારે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદને કારણે ભારે નુકસાનીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. રાજ્યમાં વરસાદની વાત કરીએ તો, 10 કલાકમાં રાજ્યના 220 તાલુકામાં વરસાદ પડ્યો છે. 30 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. બનાસકાંઠાના ભાભરમાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ ખાબક્યો છે.
જ્યારે રાધનપુર, લોધિકા, તાલાલામાં 2 ઈંચ વરસાદ અને અંકલેશ્વર, વંથલીમાં 2 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે નડીયાદમાં 1.5 ઈંચ વરસાદ નોંધાયો છે. ભાવનગરના હાંસોટ, સુરત શહેર, દસાડા, મોડાસા, વાવમાં 1.5 ઈંચ વરસાદ પડ્યો છે.
બીજી બાજુ, આજે સાંજે 7 વાગ્યા સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દ.ગુજરાતના 5 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. વલસાડ, નવસારી, ડાંગમાં વરસાદની આગાહી છે. દીવ, દાદરા નગર હવેલીમાં વરસાદ વરસી શકે છે.
રાજકોટના નેશનલ હાઇવે પર કરા પડ્યા છે. શાપરમાં પણ કરાનો વરસાદ પડ્યો છે. વરસાદ વરસતા ખેત પાકોને નુકસાન પહોંચ્યું છે, સાથે જ કારખાના પતરાને પણ નુકસાન થયું છે.
રાજકોટના ગોંડલના દેરડી કુંભાજી ગામે માવઠાથી ભારે નુકસાન પહોંચ્યું છે. ભારે પવનના વંટોળ સાથે કરા સાથેનો વરસાદ પડતાં ઠેર ઠેર નુકશાનીના દ્રશ્યો સર્જાયા છે. બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં વૃક્ષો ધરાશયી થયા છે. દુકાનો અને પાર્ક કરેલા વાહનોમાં ભારે નુકશાની પહોંચી છે.
શિહોર સહિત વરલ ગામે ધોધમાર વરસાદ પડ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ભારે પવન સાથે મેઘ ધનુષ જોવા મળ્યું હતું. ભાવનગર જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે. શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં કરા અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો છે.
બીજી બાજુ, બનાસકાંઠામાં વીજળી પડતાં વધુ એક યુવકનું મોત નિપજ્યું છે. ડીસાના કુચાવાડા ગામની આ ઘટના છે, જ્યાં વીજળી પડતાં 20 વર્ષીય પ્રકાશ રોબસિયાનું મોત થયું છે. આશાસ્પદ યુવકનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. નોંધનીય છે કે, માવઠામાં અત્યાર સુધી વીજળી પડવાને લીધે 10 જેટલા લોકોના મોત નિપજ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે.
ક્યાં ક્યાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું

હવામાન વિભાગ દ્વારા 25 થી 28 નવેમ્બર વચ્ચે સામાન્યથી ભારે વરસાદની આગાહી કરી હતી. આ વચ્ચે આજે હવામાન વિભાગ દ્વારા કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ તો કેટલાક વિસ્તારોમાં યેલો અલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ અલર્ટ આપ્યું છે.
આ તરફ હવામાન વિભાગે અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાં તો તાપી ડાંગ, દાહોદ, છોટાઉદેપુરમાં યેલો અલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં પણ યેલો અલર્ટ અપાયું છે. જેમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીરસોમનાથ, બોટાદ, ભાવનગરમાં પણ યેલો અલર્ટ આપવામાં આવ્યું છે.






