News

વલસાડ જિલ્લામાં ૧૩થી ૧૮ નવેમ્બર સુધી જનજાતીય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી: નાનાપોંઢામાં ૧૫ હજાર લોકોની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે !

૧૫ નવેમ્બરે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં ૯૦૦ મીટરની ભવ્ય શોભાયાત્રા નીકળશે; ૯,૧૪૬ લાભાર્થીઓને વિવિધ યોજનાઓનો લાભ મળશે

Advertisement

રૂ. ૪૮.૩૧ કરોડનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે, કલગામ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ માટે રૂ. ૯૨.૯૬ કરોડનું ખાતમુહૂર્ત

સતિષ પટેલ | સમભાવ સંદેશ

ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે વલસાડ જિલ્લામાં તા. ૧૩થી ૧૮ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન જનજાતીય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ છ દિવસ દરમિયાન જિલ્લામાં આદિવાસી સમાજની સંસ્કૃતિ, પરંપરા, શૌર્યગાથા, કલા, લોકનૃત્ય, લોકસાહિત્ય અને સામાજિક વિકાસને ઉજાગર કરતા વિવિધ કાર્યક્રમો યોજાશે. આ ઉજવણીનો મુખ્ય જિલ્લા કક્ષાનો કાર્યક્રમ તા. ૧૫ નવેમ્બર, રવિવારના રોજ કપરાડા તાલુકાના નાનાપોંઢા હેલીપેડ મેદાન ખાતે યોજાશે. જેમાં ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ખાસ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં અંદાજે ૧૫ હજાર લોકો જોડાશે તેવી શક્યતા છે.

જનજાતીય ગૌરવ દિવસ-૨૦૨૬ની ઉજવણી અંગેની વિસ્તૃત માહિતી આપવા વલસાડ જિલ્લા કલેકટર નીતિન સાંગવાનના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં જિલ્લા કક્ષાના કાર્યક્રમની રૂપરેખા, વિવિધ વિકાસલક્ષી યોજનાઓ, લાભાર્થીઓને મળનારા લાભો, શોભાયાત્રા તેમજ છ દિવસ દરમિયાન યોજાનારા વિવિધ કાર્યક્રમોની માહિતી આપવામાં આવી હતી.

પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા કલેકટર નીતિન સાંગવાને જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને લાગણીને ધ્યાનમાં રાખીને વર્ષ ૨૦૨૧માં ભગવાન બિરસા મુંડાની જન્મજયંતી ૧૫ નવેમ્બરને સમગ્ર દેશમાં ‘જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે ઉજવવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો. આ દિવસ આદિવાસી સમાજના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ, ક્રાંતિકારીઓ અને દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા જનજાતીય મહાનુભાવોને યાદ કરવાનો અવસર છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૫માં ૧૫ નવેમ્બરના રોજ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય કક્ષાનો જનજાતીય ગૌરવ દિવસ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. આ વર્ષે પણ ગુજરાત સરકાર દ્વારા તા. ૧૩થી ૧૮ નવેમ્બર દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વલસાડ જિલ્લામાં આ ઉજવણીને જનભાગીદારી સાથે ઉત્સવનું સ્વરૂપ આપવામાં આવશે.

નાનાપોંઢામાં ૧૫ હજાર લોકોની ઉપસ્થિતિમાં મુખ્ય કાર્યક્રમ

તા. ૧૫ નવેમ્બરના રોજ નાનાપોંઢા હેલીપેડ મેદાન ખાતે યોજાનારા જિલ્લા કક્ષાના મુખ્ય કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહેશે. કાર્યક્રમના પ્રારંભે નાનાપોંઢા સર્કલ ખાતે સ્થાપિત ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. ત્યારબાદ પરંપરાગત આદિવાસી વાજિંત્રો, પરંપરાગત વસ્ત્રો, લોકનૃત્યો અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ સાથે અંદાજે ૯૦૦ મીટરની ભવ્ય શોભાયાત્રા યોજાશે.

આ શોભાયાત્રામાં આદિવાસી સમાજની સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાનું જીવંત દર્શન થશે. ઢોલ, નગારાં સહિતના પરંપરાગત વાજિંત્રોના નાદ સાથે વિવિધ આદિવાસી નૃત્ય મંડળીઓ પોતાની કલા રજૂ કરશે. ત્યારબાદ મુખ્ય સભામાં વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણ તેમજ જનજાતીય ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન આપનાર વ્યક્તિઓનું સન્માન કરવામાં આવશે.

૯,૧૪૬ લાભાર્થીઓને રૂ. ૨૬.૩૫ કરોડથી વધુની સહાય

જિલ્લા કલેકટર નીતિન સાંગવાને જણાવ્યું હતું કે, જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી નિમિત્તે વલસાડ જિલ્લામાં વિવિધ સરકારી યોજનાઓના કુલ ૯,૧૪૬ લાભાર્થીઓને લાભ આપવામાં આવશે. આ પ્રસંગે વન અધિકાર અધિનિયમ-૨૦૦૬ હેઠળ ૩,૦૪૮ લાભાર્થીઓને કુલ ૮૧૧ હેક્ટર જંગલ જમીનની ફાળવણી માટે અધિકારપત્ર આપવામાં આવશે.

વ્યક્તિગત આવાસ યોજના હેઠળ ૬૧૩ લાભાર્થીઓને પ્રથમ હપ્તા પેટે કુલ રૂ. ૧.૮૩ કરોડની સહાય આપવામાં આવશે. કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ ૪૦૦ લાભાર્થીઓને કુલ રૂ. ૪૮ લાખની સહાય મળશે. વેલાવાળા શાકભાજી યોજના હેઠળ ૮૬૬ લાભાર્થીઓને રૂ. ૧.૨૬ કરોડની સહાય આપવામાં આવશે.

તે ઉપરાંત ફળાઉ ઝાડના રોપા વિતરણ યોજના હેઠળ ૪૩૬ લાભાર્થીઓને રૂ. ૭૪ લાખની સહાયનો લાભ મળશે. સંકલિત ડેરી વિકાસ યોજના હેઠળ ૩,૮૦૦ લાભાર્થીઓને કુલ રૂ. ૨૨.૦૪ કરોડની સહાય આપવામાં આવશે.

આમ, વિવિધ યોજનાઓના માધ્યમથી કુલ ૯,૧૪૬ લાભાર્થીઓને ૮૮૬ હેક્ટર જંગલ જમીનના અધિકારપત્ર અને રૂ. ૨૬.૩૫ કરોડથી વધુની આર્થિક સહાયનું વિતરણ કરવામાં આવશે. આ યોજનાઓના અમલીકરણથી આદિવાસી પરિવારોને આવાસ, ખેતી, પશુપાલન અને આર્થિક સ્વાવલંબન ક્ષેત્રે નવી તકો મળશે.

વલસાડ જિલ્લામાં રૂ. ૪૮.૩૧ કરોડનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

જનજાતીય ગૌરવ દિવસના મુખ્ય કાર્યક્રમમાં વલસાડ જિલ્લાના વિકાસને નવી ગતિ આપતા વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. જેમાં કુલ ૯૩ વિકાસકાર્યોનું રૂ. ૬.૮૨ કરોડના ખર્ચે લોકાર્પણ કરવામાં આવશે. જ્યારે કુલ ૩૮૧ વિકાસકાર્યોનું રૂ. ૪૧.૪૯ કરોડના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવશે.

આમ, એક જ પ્રસંગે જિલ્લામાં કુલ રૂ. ૪૮.૩૧ કરોડનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ઉપરાંત ઉમરગામ તાલુકાના કલગામ ખાતે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલના નવા ભવનના બાંધકામ માટે રૂ. ૯૨.૯૬ કરોડના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ શાળા આદિવાસી વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ, આધુનિક શૈક્ષણિક સુવિધાઓ અને રહેણાકની ઉત્તમ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

૧૩ નવેમ્બરે પાંચ તાલુકામાં યુવા સભાઓ યોજાશે

ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે, જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીના પ્રારંભરૂપે તા. ૧૩ નવેમ્બરના રોજ વલસાડ જિલ્લાના પાંચ તાલુકાઓમાં સવારે ૧૧થી બપોરે ૧૨:૩૦ વાગ્યા દરમિયાન યુવા સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભાઓમાં દરેક તાલુકામાં અંદાજે ૫૦૦ યુવાનો ઉપસ્થિત રહેશે.

ધરમપુર તાલુકામાં બામટી ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાની ઉપસ્થિતિમાં યુવા સભા યોજાશે. કપરાડા ખાતે કોમ્યુનિટી હોલમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્થિત રહેશે. ઉમરગામના ધોડીપાડા હોલ ખાતે આદિજાતિ મોરચાના પ્રદેશ કારોબારી સભ્ય પ્રફુલભાઈ વસાવા ઉપસ્થિત રહેશે.

વલસાડમાં ચંદ્રમોલેશ્વર મહાદેવ મંદિર હોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ અને પારડીના ઓડિટોરિયમ હોલ ખાતે નવસારી જિલ્લા યુવા મોરચાના પ્રમુખ ડો. વિશાલ પટેલની ઉપસ્થિતિમાં યુવા સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભાઓમાં યુવાનોને આદિવાસી સમાજના ઇતિહાસ, મહાન ક્રાંતિકારીઓના બલિદાન, શિક્ષણ, રોજગાર અને રાષ્ટ્રનિર્માણમાં યુવાનોની ભૂમિકા અંગે માર્ગદર્શન આપવામાં આવશે.

શબરી બૂથ અને જોહાર કેફે નવી પહેલ બનશે

કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, તા. ૧૫ નવેમ્બરના રોજ યોજાનારી જિલ્લા કક્ષાની ઉજવણીમાં આદિવાસી સમાજના આર્થિક સશક્તિકરણ માટે બે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવશે.

શબરી બૂથ અંતર્ગત વલસાડ જિલ્લામાં સાપ્તાહિક હાટ ખાતે વિશેષ બૂથ શરૂ કરવામાં આવશે. આ બૂથ દ્વારા જનસેવા સહાય અને વિવિધ સરકારી વિભાગોની યોજનાઓ અંગે લોકોને માહિતી આપવામાં આવશે, જેથી ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોના નાગરિકોને સરકારી સેવાઓનો લાભ સરળતાથી મળી શકે. સાથે જ સ્વસહાય જૂથો, વન ધન વિકાસ કેન્દ્રો (વી.ડી.વી.કે.) અને સ્થાનિક કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવતી વસ્તુઓના પ્રદર્શન અને વેચાણ માટે નિયમિત બજાર ઉપલબ્ધ બનશે.

આ ઉપરાંત જોહાર કેફે અંતર્ગત તા. ૧૫ નવેમ્બર, ૨૦૨૬થી કપરાડાના સુથારપાડા એપીએમસી ખાતે એક જોહાર કેફે કાર્યરત કરવામાં આવશે. આ કેફેમાં મહિલા સ્વસહાય જૂથો દ્વારા ગુજરાતની પરંપરાગત આદિવાસી વાનગીઓ તેમજ મિલેટ આધારિત પૌષ્ટિક વાનગીઓ તૈયાર કરીને લોકોને પીરસવામાં આવશે. આ પહેલથી આદિવાસી મહિલાઓને રોજગારી, સ્વરોજગાર અને આર્થિક આત્મનિર્ભરતાની નવી તક મળશે.

આદિવાસી સંસ્કૃતિ અને સ્વાતંત્ર્ય સંગ્રામના યોગદાનને જનજન સુધી પહોંચાડવાનો પ્રયાસ

ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, જનજાતીય ગૌરવ દિવસ માત્ર જન્મજયંતીની ઉજવણી નથી, પરંતુ આદિવાસી સમાજના ગૌરવશાળી ઇતિહાસ, સંસ્કૃતિ, કલા-કૌશલ્ય અને દેશની આઝાદીની ચળવળમાં આપેલા અમૂલ્ય યોગદાનને યાદ કરવાનો મહત્વપૂર્ણ અવસર છે.

ભગવાન બિરસા મુંડા સહિતના અનેક આદિવાસી મહાનાયકો અને સ્વાતંત્ર્ય સેનાનીઓએ દેશની આઝાદી માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. તેમના સંઘર્ષ, બલિદાન અને રાષ્ટ્રપ્રેમની ગાથા નવી પેઢી સુધી પહોંચે તે જરૂરી છે. આ ઉજવણીના માધ્યમથી આદિવાસી સમાજની પરંપરા, અસ્મિતા અને સાંસ્કૃતિક વારસાનું જતન કરવાની સાથે વિકાસની મુખ્યધારામાં તેમની ભાગીદારી વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ કરવાનો દેશે સંકલ્પ કર્યો છે ત્યારે આદિજાતિ સમુદાય શિક્ષણ, આરોગ્ય, રોજગાર, ખેતી, ઉદ્યોગ અને સામાજિક ક્ષેત્રે આગળ વધે તે આ ઉજવણીનું મુખ્ય હાર્દ છે.

૧૪થી ૧૮ નવેમ્બર સુધી વિવિધ કાર્યક્રમોની વણઝાર

જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલે છ દિવસ દરમિયાન યોજાનારા કાર્યક્રમોની માહિતી આપતાં જણાવ્યું હતું કે, તા. ૧૩ નવેમ્બરના રોજ પાંચ તાલુકાઓમાં યુવા સભાઓ યોજાશે.

તા. ૧૪ નવેમ્બરના રોજ ધરમપુરના આસુરા સર્કલ, નાનાપોંઢાના બિરસા મુંડા સર્કલ તેમજ જિલ્લાના તમામ ગ્રામ પંચાયતોમાં મહાનુભાવોના સ્મારકોની સ્વચ્છતા કરવામાં આવશે. આ દિવસે ઘરે ઘરે દીપોત્સવ યોજાશે. અંદાજે ૧૫ જેટલી આદિવાસી બોલીઓમાં આરતી ગાવામાં આવશે અને ભગવાન બિરસા મુંડાના જીવનચરિત્રનું વાંચન કરવામાં આવશે. આ કાર્યક્રમો દ્વારા ગામેગામ ભગવાન બિરસા મુંડાના વિચારો અને સંઘર્ષની ગાથા લોકો સુધી પહોંચાડવામાં આવશે.

તા. ૧૫ નવેમ્બરના રોજ મુખ્ય જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવશે. જેમાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ, ભવ્ય શોભાયાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને જિલ્લા કક્ષાની મુખ્ય સભા યોજાશે.

તા. ૧૬ નવેમ્બરના રોજ પારડી ઓડિટોરિયમ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાશે. જેમાં સમાજના આગેવાનો, શિક્ષણવિદો, બુદ્ધિજીવીઓ અને વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓ જોડાઈને આદિવાસી સમાજના વિકાસ અંગે વિચારોનું આદાનપ્રદાન કરશે.

તા. ૧૭ નવેમ્બરના રોજ જિલ્લાના પાંચ તાલુકાઓમાં પરંપરાગત ગ્રામીણ રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ધરમપુરમાં એસ.એમ.એસ.એમ. હાઈસ્કૂલ, કપરાડામાં એન.આર. રાઉત શાળા, ઉમરગામમાં બીચ પાસે નગરપાલિકા ક્રિકેટ મેદાન, વલસાડમાં આવાબાઈ સ્કૂલ મેદાન અને પારડીમાં ડી.સી.ઓ. શાળા મેદાન ખાતે વિવિધ પરંપરાગત રમતો યોજાશે. આ રમોત્સવ દ્વારા આદિવાસી સમાજની પરંપરાગત રમતગમત અને યુવાનોની પ્રતિભાને પ્રોત્સાહન આપવામાં આવશે.

તા. ૧૮ નવેમ્બરના રોજ ધરમપુર, કપરાડા, ઉમરગામ, વલસાડ અને પારડી ખાતે આદિવાસી મહિલા સંમેલનો યોજાશે. આ સંમેલનોમાં મહિલાઓના શિક્ષણ, આરોગ્ય, સ્વરોજગાર, આર્થિક સશક્તિકરણ અને સામાજિક વિકાસ જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવશે.

ભગવાન બિરસા મુંડાના વિચારોને જીવંત રાખવાનો સંકલ્પ

ભગવાન બિરસા મુંડા ભારતીય આદિવાસી સમાજના ગૌરવ, સ્વાભિમાન અને સંઘર્ષના પ્રતીક છે. તેમણે બ્રિટિશ શાસન સામે આદિવાસી સમાજના હક, જળ, જંગલ અને જમીનના રક્ષણ માટે ઐતિહાસિક લડત આપી હતી. તેમનું જીવન નવી પેઢી માટે સાહસ, સ્વાભિમાન, સામાજિક જાગૃતિ અને રાષ્ટ્રપ્રેમની પ્રેરણા સમાન છે.

વલસાડ જિલ્લામાં યોજાનારી આ છ દિવસીય ઉજવણી દ્વારા ભગવાન બિરસા મુંડાના વિચારોને લોકો સુધી પહોંચાડવાની સાથે આદિવાસી સમાજની ઓળખ, પરંપરા અને વિકાસને નવી દિશા આપવાનો પ્રયાસ કરવામાં આવશે. શૈક્ષણિક સુવિધાઓ, આવાસ, ખેતી, પશુપાલન, મહિલા સશક્તિકરણ અને રોજગારીલક્ષી યોજનાઓના લાભો છેવાડાના લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે પણ આ કાર્યક્રમ મહત્વપૂર્ણ બની રહેશે.

આ પ્રેસ કોન્ફરન્સમાં પ્રાયોજના વહીવટદાર આસ્થા સોલંકી, નાયબ માહિતી નિયામક ઉમેશ બાવીસા, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંત કંસારા, મહામંત્રી નિખિલ ચોકસી, સંગઠનના ડાંગના પ્રભારી શિલ્પેશ દેસાઈ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

આમ, ૧૩થી ૧૮ નવેમ્બર દરમિયાન વલસાડ જિલ્લો ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતીની ઉજવણીમાં રંગાશે. આદિવાસી સમાજની અસ્મિતા, સંસ્કૃતિ, ગૌરવશાળી ઇતિહાસ અને વિકાસને સમર્પિત આ આયોજનથી સમગ્ર જિલ્લામાં જનજાગૃતિ અને સામૂહિક ભાગીદારીનો માહોલ સર્જાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *