News

શહીદ ઋત્વિકભાઈ ચૌધરીને પ્રકૃતિ સંગીત ગ્રુપ દ્વારા સંગીતમય વિરાંજલિ !

દેશભક્તિના ગીતો અને ભજનોની રજૂઆત સાથે વીર જવાનના બલિદાનને નમન, એકત્રિત પ્રોત્સાહન રકમ શહીદ પરિવારને અર્પણ
ઉખલદા, તાપી: તાપી જિલ્લાના ઉખલદા ગામના ભૂમિપુત્ર અને ભારતીય સેનાની 57 ફિલ્ડ રેજિમેન્ટના વીર જવાન ઋત્વિક કુમાર અશોકભાઈ ચૌધરી જમ્મુ-કાશ્મીરમાં ફરજ દરમિયાન શહીદ થયા બાદ સમગ્ર પંથકમાં શોક સાથે ગૌરવની લાગણી જોવા મળી રહી છે. વીર જવાનના સર્વોચ્ચ બલિદાનને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે ગામ સહિત આસપાસના પંથકમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે.

Advertisement

શહીદ ઋત્વિકભાઈ ચૌધરીની સ્મૃતિમાં તેમના નિવાસસ્થાને પ્રકૃતિ સંગીત ગ્રુપ, માલધા દ્વારા નિઃશુલ્ક અને નિસ્વાર્થ ભાવે સંગીતમય શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સંગીતના માધ્યમથી વીર જવાનના દેશપ્રેમ, ફરજ પ્રત્યેની નિષ્ઠા અને સર્વોચ્ચ બલિદાનને યાદ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન પ્રકૃતિ સંગીત ગ્રુપના સભ્યોએ પ્રાર્થના, ભજન તેમજ દેશભક્તિના ગીતોની ભાવસભર રજૂઆત કરી હતી. દેશભક્તિના ગીતોથી સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભાવનાથી ગુંજી ઉઠ્યું હતું. શહીદ જવાનની સ્મૃતિમાં યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકો પણ ભાવુક બન્યા હતા અને સૌએ વીર જવાન ઋત્વિકભાઈ ચૌધરીને શ્રદ્ધાપૂર્વક નમન કરી તેમની શહાદતને સલામ કરી હતી.
આ પ્રસંગે ઉખલદા સહિત આસપાસના વિવિધ ગામોમાંથી ગ્રામજનો, સ્વજનો અને દેશપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શહીદ પરિવાર સાથે એકતા અને સંવેદના વ્યક્ત કરતાં ઉપસ્થિત લોકોએ વીર જવાનના બલિદાનને દેશ માટેની અમૂલ્ય સેવા ગણાવી હતી.
સ્વૈચ્છિક પ્રોત્સાહન રકમ શહીદ પરિવારને અર્પણ
કાર્યક્રમની વિશેષતા એ રહી કે ઉપસ્થિત લોકો દ્વારા પોતાની ઈચ્છા મુજબ સ્વૈચ્છિક રીતે પ્રોત્સાહન રકમ એકત્ર કરવામાં આવી હતી. લોકોમાં શહીદ પરિવાર પ્રત્યેની લાગણી અને સહભાગિતાનો ભાવ જોવા મળ્યો હતો. એકત્રિત થયેલી આ રકમ પ્રકૃતિ સંગીત ગ્રુપ દ્વારા શહીદ ઋત્વિકભાઈ ચૌધરીના પરિવારને અર્પણ કરવામાં આવી હતી.
સંગીતમય વિરાંજલિના આ કાર્યક્રમમાં માત્ર શહીદ જવાનને શ્રદ્ધાંજલિ જ નહીં, પરંતુ તેમના પરિવાર પ્રત્યે સહાનુભૂતિ, સહભાગિતા અને સામાજિક જવાબદારીની ભાવના પણ પ્રગટ થઈ હતી. પ્રકૃતિ સંગીત ગ્રુપ દ્વારા કોઈપણ સ્વાર્થ વિના યોજાયેલા આ કાર્યક્રમને સ્થાનિક લોકો દ્વારા પણ સરાહવામાં આવ્યો હતો.
ઉખલદા ગામે પોતાના વીર ભૂમિપુત્રની સ્મૃતિને શ્રદ્ધાપૂર્વક યાદ કરી દેશ માટે આપેલા તેમના સર્વોચ્ચ બલિદાનને નમન કર્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ શહીદ ઋત્વિકભાઈ ચૌધરીના પરિવાર સાથે હંમેશા ઊભા રહેવાની ભાવના વ્યક્ત કરી હતી.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન

‘શહીદ ઋત્વિકભાઈ અમર રહો’ના ભાવ સાથે રાષ્ટ્રપ્રેમ અને શહીદ પ્રત્યેની કૃતજ્ઞતા જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *