
કેન્દ્રીય પરિવહનમંત્રી નીતિન ગડકરીએ શનિવારે નાગપુરમાં એક કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનપદને લઈને એક નવો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે એક નેતાએ તેમને પ્રસ્તાવ આપ્યો હતો કે જો તેઓ વડાપ્રધાન બનશે તો તેમને સમર્થન આપવામાં આવશે. જો કે, ગડકરીએ એ વાતનો ખુલાસો કર્યો ન હતો કે પ્રસ્તાવ મૂકનાર નેતા કયા પક્ષના છે.
હું તેમની સાથે કોઈપણ પદ માટે સમાધાન નહીં કરું. મારો નિશ્ચય મારા માટે સર્વોપરી છે. મને લાગે છે કે નિશ્ચય લોકશાહીની તાકાત છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ફરી એકવાર ચર્ચામાં છે. એક રસપ્રદ ઘટનાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે એક નેતાએ તેમને કહ્યું હતું કે જો તેઓ વડાપ્રધાન બને તો તેઓ તેમને સમર્થન આપવા તૈયાર છે. ગડકરીએ કહ્યું કે તેઓ તેમના સંકલ્પ સાથે કોઈપણ કિંમતે સમાધાન નહીં કરે. ગડકરી અંગે થોડા થોડા સમયે આ પ્રકારની વાતો આવતી રહેતી હોય છે. અનેકવાર ગડકરી કહી ચૂક્યા છે તેમને વડાપ્રધાન બનવામાં કોઈ રસ નથી. તેઓ માત્ર કામ કરવા માગે છે. આથી વડાપ્રધાનને લઈ કોઈપણ વાત આવે ત્યારે તેઓ તેનો વિરોધ કરે છે અને પોતે તેની કોઈ રેસમાં નથી તે સ્પષ્ટ કરતા હોય છે. ઉલ્લેખનીય છે કે નીતિન ગડકરી આરએસએસના સમર્પિત નેતા છે અને તેમને સંઘનું પણ સમર્થન હોવાનું માનવામાં આવે છે. પરંતુ પીએમપદના ઉમેદવાર તરીકે જોવામાં આવતા નથી.
હું તમારી પાસેથી શા માટે ટેકો માંગીશ?
ગડકરીએ વિદર્ભ ગૌરવ પ્રતિષ્ઠાનના કાર્યક્રમમાં કહ્યું, મને એક ઘટના યાદ છે. નેતા હતા. હું તેનું નામ નહિ કહું. તેમણે મને કહ્યું કે જો તમે વડાપ્રધાન બનો તો અમે તમને સમર્થન આપીશું. પછી મેં તેને પૂછયું કે તમે મને કેમ સપોર્ટ કરશો? અને શા માટે હું તમારી પાસેથી ટેકો માંગીશ? વડા પ્રધાન બનવું એ મારા જીવનનું લક્ષ્ય નથી. હું મારી સંસ્થા અને મારા મજબૂત વિચારો માટે પ્રતિબદ્ધ છું.
જે લોકો ઈમાનદારીથી વિરોધ કરે છે તેનું સન્માન કરવું જોઈએ
ગડકરીએ બીજી ઘટના વિશે જણાવ્યું કે લગભગ 15 દિવસ પહેલાં CPI(M) પોલિટ બ્યૂરોના એક નેતા મને મળવા આવ્યા હતા. તેમની સાથેની મુલાકાત દરમિયાન એબી બર્ધન સાહેબ (દિવંગત સીપીઆઈ નેતા)નો વિષય આવ્યો. મેં તેમને કહ્યું કે વિદર્ભના ઈતિહાસમાં તેમના જેવો કોઈ મહાન વ્યક્તિ નથી. પછી તેણે મને કહ્યું કે નીતિન જી, તે આરએસએસની વિરુદ્ધ છે. ત્યારે મેં કહ્યું કે જે ઈમાનદારીથી વિરોધ કરે છે તેનું સન્માન કરવું જોઈએ કારણ કે વિરોધ કરવામાં ઈમાનદારી છે. અપ્રમાણિક વ્યક્તિનો આદર કરવાની જરૂર નથી. બર્ધનસાહેબ તેમના વિચારો પ્રત્યે પ્રમાણિક હતા.






