
આપણે કોલેજમાંથી તાજા બહાર પડ્યા હોઈએ કે બે-ચાર નોકરી બદલી નાખ્યા પછી, નવેસરથી કોઈ જોબ ઇન્ટરવ્યૂનો સામનો કરી રહ્યા હોઈએ – ઇન્ટરવ્યૂ પહેલાંના હોમવર્કનો સાદો અર્થ ‘આપણે પોતાની સ્કિલ્સ કે નોલેજ ધારદાર કરી લેવાં’ એવો કરીએ છીએ, પરંતુ એક મહત્ત્વનો મુદ્દો આપણે ચૂકી જઈએ છીએ.
વર્ષોથી વિવિધ જોબ-સીકર્સના ઇન્ટરવ્યૂ લેતા એકસપર્ટ્સ કહે છે કે મોટા ભાગના ઉમેદવારો તેમના પોતાના વિશે સવાલો પૂછવામાં આવે ત્યારે તેના સ્માર્ટલી, ફટાફટ જવાબો આપે છે, કેમ કે એનું તેમણે હોમવર્ક કર્યું હોય છે. પરંતુ જ્યારે, તેઓ જે કંપનીમાં નોકરી માટે ઇન્ટરવ્યૂ આપી રહ્યા છે, એ કંપનીના કામકાજ વિશે સવાલો પૂછવામાં ત્યારે લોચા વાળે છે, કેમ કે તેમણે એ કંપની કે તેની હરીફ કંપનીઓ કે તેના સેક્ટર વિશે પૂરતું હોમવર્ક કર્યું હોતું નથી.
એચઆર એક્સપર્ટ્સ કહે છે કે જ્યારે કોઈ જોબ-પોસ્ટ માટે એક સરખું ક્વોલિફિકેશન ધરાવતા ઉમેદવારો વચ્ચે સ્પર્ધા થાય ત્યારે તેમની સોફ્ટ સ્કિલ્સ ઉપરાંત, જે તે કંપનીમાં તેમનો ઇન્ટરેસ્ટ અને તેના કામકાજ વિશેનું નોલેજ ઉમેદવારને અન્ય ઉમેદવાર કરતાં અલગ તારવી આપે છે.
દરેક કંપની એવા ઉમેદવારને પસંદ કરવા ઇચ્છે છે, જે પોતાનું કામ તો જાણતા જ હોય, પણ પોતે જ્યાં, જે કામ કરવાનું છે એ વિશે પણ વધુમાં વધુ જાણતા હોય.
આ કામ આજના સમયમાં બહુ સહેલાઈ કરી શકાય છે. જે કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવાનો હોય તેના વિશે વધુમા વધુ સર્ચ કરો અને તેનાં સોશિયલ એકાઉન્ટને પણ ફોલો કરો. એમાં શેર થયેલી વાતનો ઇન્ટરવ્યૂ દરમિયાન ફક્ત ઉલ્લેખ કરવાથી પણ ઇન્ટરવ્યૂ લેનારની નજરમાં તમારી વેલ્યૂ વધી જશે!






