અરબી સમુદ્રની સિસ્ટમ મજબૂત બની, ગુજરાતમાં વધશે વરસાદનું જોર, ક્યાં પડશે ધોધમાર?

On: October 11, 2024 2:22 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ગુજરાતમાં ઘણા જિલ્લાઓમાં ચોમાસું પૂરું થયા બાદ ફરીથી વરસાદ શરૂ થયો છે

અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમને કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો છે અને ઘણા જિલ્લાઓમાં ચોમાસું પૂરું થયા બાદ ફરીથી વરસાદ શરૂ થયો છે.

ગુજરાતના દરિયાકાંઠેથી સેંકડો કિલોમીટર દૂર બનેલી આ સિસ્ટમ હવે વધારે મજબૂત બની છે અને હજી વધારે તીવ્ર બને તેવી આગાહી કરવામાં આવી છે.

આ સાથે જ હવામાન વિભાગે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ફરીથી ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આગામી કેટલાક દિવસ સુધી હજી વરસાદી માહોલ રહેશે અને ઘણા વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે.

સામાન્ય રીતે ભારતમાં ચોમાસા પહેલાં અને ચોમાસા બાદ વાવાઝોડાં સર્જાતાં હોય છે, હાલ હવે ચોમાસા બાદની વાવાઝોડાની સિઝનની શરૂઆત થઈ છે. જોકે, હાલ આ સિસ્ટમ વાવાઝોડું બનશે કે નહીં તે નક્કી કરી શકાયું નથી.

હાલ આ સિસ્ટમ કર્ણાટક અને ગોવાના દરિયાકાંઠા પાસે છે, જે બાદ તે હવે આગળ વધવાનું શરૂ કરશે. જેથી ગુજરાતમાં પણ હજી વરસાદનું જોર વધવાની શક્યતા છે.

ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે પરંતુ મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતના તમામ વિસ્તારોમાં હવે ચોમાસાની વિદાય થવામાં વિલંબ થાય તેવી શક્યતા છે.

ગુજરાતમાં કેટલા દિવસ સુધી પડશે વરસાદ?


Getty Images

ગુજરાતમાં હવામાન વિભાગે આગામી ત્રણથી ચાર દિવસ સુધી ફરી વરસાદ પડવાની આગાહી કરી છે અને રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હવામાન પલટાશે અને વાદળો જોવા મળશે.

રાજ્યમાં આજથી વરસાદનું જોર વધવાની શરૂઆત થશે અને ત્રણ દિવસ સુધી છુટોછવાયો અને ક્યાંક ભારે વરસાદ થવાની શક્યતા છે.

અરબી સમુદ્રની સિસ્ટમ આગળ વધતાની સાથે જ 12 અને 13 ઑક્ટોબરના રોજ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદ વધવાની શક્યતા છે.

14 અને 15 ઑક્ટોબર સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેશે અને રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં લગભગ વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના છે.

15 ઑક્ટોબર બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની શરૂઆત થશે, પરંતુ જે પ્રમાણે હવામાનના મૉડલો દર્શાવે છે તે પ્રમાણે જો બીજી સિસ્ટમ અરબી સમુદ્રમાં આવી તો ફરીથી રાજ્યમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે.

ગુજરાતના કયા જિલ્લામાં ભારે વરસાદ?


BBC

આ સિસ્ટમની સૌથી વધારે અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડવાની શક્યતા છે.

11 ઑક્ટોબરના રોજ ગીર-સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, ખેડા, નવસારી, સુરત, વલસાડ, ડાંગ, તાપી, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર સહિતના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.

આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં પણ છુટાછવાયા વરસાદની શક્યતા છે.

12 ઑક્ટોબરના રોજ દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, ગીર-સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, નવસારી, સુરત, વલસાડ, ડાંગ, તાપી, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર સહિતના વિસ્તારોમાં વરસાદ વધવાની સંભાવના છે.

જેની સાથે મધ્ય સૌરાષ્ટ્રના બીજા જિલ્લા તથા મધ્ય ગુજરાત, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ પડે તેવી સંભાવના છે.

13 ઑક્ટોબરના રોજ પણ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, ગીર-સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ભાવનગર જિલ્લાના વિસ્તારોમાં વરસાદનું વધારે જોર રહેવાની શક્યતા છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, ભરૂચ અને નર્મદા તથા પૂર્વ ગુજરાતના છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, સહિતના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.

આ ઉપરાંત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં પણ વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ત્રણથી ચાર દિવસ સુધી ભારે વરસાદ થવાની શક્યતા છે.

અરબી સમુદ્રમાં સર્જાયેલી આ સિસ્ટમ ગુજરાત પર નહીં આવે પરંતુ યમન અને ઓમાન તરફ જાય તેવી સંભાવના છે. પરંતુ મધ્ય અરબી સમુદ્રમાં તે પહોંચશે તો તેની અસર ગુજરાતને થશે.

હાલની સ્થિતિ પ્રમાણે આ સિસ્ટમ વાવાઝોડું બને તેવી સંભાવના ઓછી છે, પરંતુ કેટલાંક મૉડલો દર્શાવી રહ્યાં છે કે સિસ્ટમ વાવાઝોડું બની શકે છે. હાલની દૃષ્ટિએ ગુજરાત પર વાવાઝોડાનો ખતરો નથી.

source: bbc.com/gujarati

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!