
– ઈતિહાસ મારા પ્રત્યે મીડિયા-વિપક્ષ કરતાં વધુ દયાળુ રહેશે : મનમોહન સિંહ
Manmohan Singh Funeral | ભારતના 14મા વડાપ્રધાન અને મહાન અર્થશાસ્ત્રી ડૉ. મનમોહનસિંહનું 92 વર્ષની વયે ગુરુવારે મોડી રાતે દિલ્હીની એઈમ્સમાં નિધન થયું હતું. સરકારે પૂર્વ વડાપ્રધાનના નિધનના પગલે સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. પક્ષના રાજકારણથી ઉપર ઉઠી દેશના દરેક દિગ્ગજ નેતાઓ જ નહીં વિદેશના નેતાઓએ પણ શુક્રવારે મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપી હતી. પૂર્વ વડાપ્રધાનને જે રીતે દેશ-વિદેશમાં તેમના આર્થિક સુધારા અને ભારતના વિકાસમાં યોગદાન બદલ યાદ કરાયા છે તે જોતાં ‘ઈતિહાસ મારા પ્રત્યેક મીડિયા-વિપક્ષ કરતાં દયાળુ રહેશે’ તેવું મનમોહન સિંહનું કથન સાચું પડયું છે. મનમોહનસિંહ દેશના પહેલા શીખ વડાપ્રધાન અને સૌથી લાંબો સમય સત્તા પર રહેનારા ચોથા નેતા હતા.
Former PM Manmohan Singh Funeral LIVE UPDATES
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને રાજકીય સન્માન સાથે અલવિદા
દિવંગત પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે દિલ્હીના બોધ ઘાટ પર કરવામાં આવ્યા હતા. આખા દેશે તેમને ભીની આંખે વિદાય આપી હતી. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન થયો છે. પરિવારજનો ભીની આંખે અંતિમ વિદાય આપી હતી.
દિગ્ગજોની હાજરીમાં અંતિમ સંસ્કારની વિધિ શરૂ
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની રાજકીય સન્માન સાથે અંતિમવિધિ શરૂ કરી દેવામાં આવી છે. કોંગ્રેસ અને ભાજપના દિગ્ગજ નેતાઓની હાજરીમાં ત્રણેય સૈન્ય દ્વારા તેમને રાજકીય સન્માન આપવામાં આવ્યું હતું. તેમની અંતિમવિધિ નિગમ બોધ ઘાટ ખાતે કરવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, જે.પી.નડ્ડા, રાજનાથ સિંહ સહિત અનેક દિગ્ગજો સાથે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ ત્યાં હાજર રહ્યા હતા.
તે માટે તેમનો પાર્થિવદેહ સવારે 8 કલાકે કોંગ્રેસ મુખ્યાલય લવાશે. ત્યાંથી 9:30 કલાકે તેમની અંતિમ યાત્રા નીકળશે. કેન્દ્ર સરકારે જણાવ્યું કે, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની અંતિમ ક્રિયા સંપૂર્ણ રાજકીય સન્માન સાથે શનિવારે સવારે 11:45 કલાકે નિગમબોધ ઘાટ ખાતે કરાશે. આ જ સ્થળે તેમની સમાધી પણ બનાવાશે.
દિગ્ગજોએ આપી હતી શ્રદ્ધાંજલિ
શુક્રવારે સવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ સંસદીય પક્ષનાં પ્રમુખ સોનિયા ગાંધી, લોકસભામાં વિપક્ષના પ્રમુખ રાહુલ ગાંધી, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સહિત અનેક દિગ્ગજ નેતાઓ મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપવા તેમના નિવાસે પહોંચ્યા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત અને સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલેએ પણ ડૉ. મનમોહનને શ્રદ્ધાંજલિ આપી હતી.






