
રાજકોટ–સૌરાષ્ટ્રના નિવૃત DySP સુખદેવસિંહ ઝાલાનું હાર્ટ એટેકથી નિધન, દેહદાનનો સંકલ્પ પુરો થશે
રાજકોટ અને સૌરાષ્ટ્રના વિવિધ પોલીસ સ્ટેશનોમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી ચૂકેલા નિવૃત ઉપ પોલીસ અધિક્ષક (DySP) સુખદેવસિંહ ઝાલાનું હાર્ટ એટેકને કારણે અવસાન થયું છે. તેમના નિધનથી પોલીસ વિભાગ તથા તેમના કાર્યકાળ દરમિયાન જોડાયેલા સહકાર્યકરોમાં શોકની લાગણી વ્યાપી છે.
મળતી માહિતી મુજબ, સુખદેવસિંહ ઝાલાએ PSI તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને તેમણે પોરબંદર, ખંભાળિયા, જસદણ સહિતના અનેક વિસ્તારોમાં ફરજ બજાવી હતી. તેમની કડક શિસ્ત, કર્તવ્યનિષ્ઠા અને કાયદો વ્યવસ્થા જાળવવાની કાર્યપદ્ધતિને કારણે તેઓ ગુનેગારોમાં ખૌફનું નામ બની ગયા હતા. એક સમયે તેમની હાજરી અને નામ સાંભળતાં જ અસામાજિક તત્વો ધ્રૂજી જતા હતા.
નિવૃત્તિ બાદ સુખદેવસિંહ ઝાલાએ આધ્યાત્મિક માર્ગ અપનાવ્યો હતો. તેમણે સાધુવેશ ધારણ કરી પોતાનું જીવન ગ્રામ્ય સેવા અને પર્યાવરણના સંરક્ષણ માટે સમર્પિત કર્યું હતું. પોતાના વતન ઝમર ગામે તેમણે અસંખ્ય વૃક્ષો વાવ્યા અને હરિયાળો વિસ્તાર વિકસાવ્યો. તેમનું આ કાર્ય ગામલોકોમાં પ્રેરણાનું કારણ બન્યું છે.
સુખદેવસિંહ ઝાલાએ જીવનકાળમાં દેહદાનનો સંકલ્પ લીધો હતો. તેમના લખિત સંકલ્પપત્ર અનુસાર, “મારા મૃત્યુ બાદ મારું મૃતદેહ જામનગરની એપ.પી.શાહ મેડિકલ કોલેજને સોંપી દેવો. પરિવારજનોએ કોઈ રોકકળાટ કરવો નહીં, બેસણું કે શોકસભા રાખવાની નથી.” તેમના આ સંકલ્પને કારણે તેમના અવસાન પછી પણ સમાજને ઉપયોગી થવા માટેનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
તેમની કર્તવ્યનિષ્ઠા, માનવસેવા અને પર્યાવરણ માટેના યોગદાનને કારણે તેઓને માત્ર પોલીસ વિભાગમાં જ નહીં પરંતુ સામાન્ય લોકોમાં પણ ખાસ માન-સન્માન મળ્યું હતું. તેમની સ્મૃતિમાં હાલ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં શોકની લાગણી વ્યાપી છે, પરંતુ સાથે સાથે તેમના દેહદાનના સંકલ્પથી સમાજને એક સકારાત્મક સંદેશ પણ મળી રહ્યો છે.






