
સુરત જિલ્લાના સૈયદપુરા વિસ્તારના સામાજિક સંસ્થા માશૅગૃપ (રાજા પાન) દ્વારા દુરદરાજના આદિવાસી વિસ્તારમાં માનવ સેવા અને દાનની પરંપરાને આગળ વધારતા ધરમપુર તાલુકાના મુરદડ ગામ ખાતે એક ઉત્તમ સેવાકીય કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ અંતર્ગત પ્રકૃતિ જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સાવિત્રીબાઈ ફુલે અનાથ અને જરૂરીયાતમંદ બાળકોની છાત્રાલયમાં અભ્યાસ કરતાં બાળકોને જરૂરી જીવનજરૂરી ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું.

આ સેવાકાર્ય પાછળ મુખ્ય દાતા તરીકે ડૉ. પ્રવિણભાઈ ભાઠાવાલા સાહેબનું યોગદાન રહ્યું. તેમણે પોતાની ધર્મપત્ની સ્વ. મીરાંબેન પ્રવિણભાઈ ભાઠાવાલાના સ્મરણાર્થે ૨૬૦ કિલો ચોખા, ૨૫૦ કિલો ઘઉં, ૩૦ કિલો તુવેર દાળ, ૫૦ કિલો બટાકા, ૨૫ કિલો કાંદા, ૫ કિલો સુકુ લસણ સહિતના અન્ય મસાલા – લાલ મરચાં, રાંઈ, જીરૂ, હળદર, ગરમ મસાલા અને ૧૫ કિલો ટાટા મીઠું – શાળાના વિદ્યાર્થીઓને પહોંચાડ્યા.

સહયોગી દાતા તરીકે શ્રી બંકિમભાઈ બળદેવભાઈ વાડીવાલાએ તેમના માતા સ્વ. કમળાબેન વાડીવાલા તથા પિતા સ્વ. બળદેવભાઈ વાડીવાલાના સ્મરણાર્થે ૬ નંગ તેલના ડબ્બા પ્રદાન કર્યા. આ સાથે શ્રી રાજેષભાઈ (પપ્પુભાઈ) સત્યનારાયણભાઈ અગ્રવાલએ પોતાની ધર્મપત્ની સ્વ. બબિતા રાજેષભાઈ અગ્રવાલની યાદમાં ૩૦ કિલો પૌવા, ૨૦ કિલો મમરા, ૨૦ કિલો વડી તેમજ ૧૫૦ પેકેટ ક્રિમવાળા બિસ્કિટનું વિતરણ કર્યું.

આ સમગ્ર સેવાકાર્ય દરમિયાન માશૅગૃપના પ્રમુખ શ્રી પીયુષભાઈ મોદીની સાથે કાર્યકરમંડળ – શ્રી અરુણભાઈ ઘીવાલા, શ્રી રજનીભાઈ પટેલ, શ્રી ધીરૂભાઈ પાંડવ, શ્રી અશોકભાઈ પવાર, શ્રી પ્રકાશભાઈ વાડીવાલા, શ્રી ભદ્રેશભાઈ વાડીવાલા, શ્રી દેવુભાઈ ભોયા સાહેબ અને જીતુભાઈ પટેલ – ઉપસ્થિત રહ્યા. તેમના હસ્તે અનાજ કીટોનું વિતરણ કરવામાં આવ્યું.
કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય શ્રી નિલેશભાઈ નિકુળિયા સાહેબ દ્વારા વિશેષ જહેમત ઉઠાવવામાં આવી. શિક્ષક મંડળના સહકાર સાથે સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓના ચહેરા પર પ્રસન્નતા અને આનંદ સ્પષ્ટ દેખાયો. લાંબા સમયથી અંતરિયાળ વિસ્તારમાં શિક્ષણ લેતા અને મર્યાદિત સંસાધનો સાથે જીવતા આ બાળકો માટે આ સહાય એક મોટી રાહતરૂપ સાબિત થઈ.
શાળાના આચાર્યશ્રીએ માશૅગૃપ તથા તમામ દાતાશ્રીઓ પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે,
“આ પ્રકારની માનવ સેવા અમારી છાત્રાલય માટે ખૂબ મોટી મદદરૂપ છે. આવા સેવાપ્રવૃત્તિઓથી બાળકોમાં વિશ્વાસ અને પ્રેરણા વધે છે.”
આ પ્રસંગે ઉપસ્થિત માશૅગૃપના પ્રમુખ પીયુષભાઈ મોદીએ જણાવ્યું:
“સમાજના પછાત અને જરૂરિયાતમંદ બાળકો સુધી પહોંચીને મદદરૂપ થવું એ જ અમારો મુખ્ય ધ્યેય છે. ભવિષ્યમાં પણ આવી સેવાકીય પ્રવૃત્તિઓ સતત ચાલુ રાખીશું.”
કાર્યક્રમમાં હાજર રહેલા દાતાશ્રીઓએ જણાવ્યું કે, આવા સેવાકાર્યથી સમાજમાં દાનશીલતાની ભાવના મજબૂત બને છે. ખાસ કરીને ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોમાં રહેલા બાળકોને જરૂરી સામગ્રી પહોંચાડવાથી તેમના દૈનિક જીવનમાં સુધારો આવે છે.
સુરત શહેરની અંદર જ નહીં પરંતુ આસપાસના ગામડાંઓ અને દુરદરાજના વિસ્તારોમાં પણ માશૅગૃપ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી નિયમિત રીતે સેવા કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. આ પહેલ હેઠળ સ્વાસ્થ્ય, શિક્ષણ અને પોષણ સંબંધિત અનેક પ્રકલ્પો ચાલી રહ્યા છે. મુરદડ ગામ ખાતે યોજાયેલ આ અનાજ વિતરણ કાર્યક્રમ તેની જ એક કડી તરીકે નોંધાયો.
આ સેવા કાર્ય પછી શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી. બાળકોને માત્ર અનાજ અને ખોરાકની જ સહાય નહિ પરંતુ સમાજ તરફથી મળતી સહાનુભૂતિ અને સ્નેહનો અનુભવ થયો.






