
(ફાઇલ ફોટો)
જીવદયા પ્રેમી નિરવભાઈ પટેલનું અચાનક અવસાન – સમગ્ર વિસ્તારમાં શોકની લહેર
વલસાડ જિલ્લાનાં પારડી તાલુકાના અરનાલા ગામમાં રહેતા જીવદયા પ્રેમી નિરવભાઈ ધીરુભાઈ પટેલના દુઃખદ અવસાનથી સમગ્ર વિસ્તાર શોકમાં ડૂબી ગયો છે. પ્રાણીઓ પ્રત્યે અદભૂત પ્રેમ અને માનવતા ભર્યું હૃદય ધરાવતા નિરવભાઈ છેલ્લા કેટલાય વર્ષોથી ઝેરી સાપ, અજગર સહિતના જીવજંતુઓને પકડી સલામત સ્થળે છોડવાની સેવા નિઃસ્વાર્થ ભાવથી કરતા હતા.
આસપાસના ગામોમાં કોઈપણ જગ્યાએ સાપ દેખાય કે જોખમ સર્જાય, ત્યારે લોકો તરત જ નિરવભાઈને ફોન કરતા અને તેઓ કોઈ વિલંબ વિના ઘટનાસ્થળે પહોંચી જતા. પોતાની જિંદગીની પરવા કર્યા વિના તેઓ સાપને પકડી પ્રકૃતિમાં પરત છોડી દેતા, જેથી માનવ અને પ્રાણી બંનેનું રક્ષણ થઈ શકે.
મહાશિવરાત્રિની આગલી સાંજે તેમને બે અલગ-અલગ સ્થળેથી ઝેરી નાગ પકડવાના સંદેશા મળ્યા હતા અને તેમણે બંને નાગને સફળતાપૂર્વક રેસ્ક્યૂ કર્યા હતા. પરંતુ બીજા દિવસે જ્યાં નાગ પકડાયો હતો ત્યાં તેની જોડી દેખાતા, તે પણ બચાવવાના ઉદ્દેશથી તેઓ ફરી ત્યાં પહોંચ્યા. દુર્ભાગ્યવશ આ દરમિયાન સાપે તેમને ડંખ માર્યો.
તાત્કાલિક તેમને સારવાર માટે ધરમપુર ખાતે ખસેડવામાં આવ્યા અને ત્યાંની સાઈનાથ હોસ્પિટલ માં સારવાર શરૂ કરવામાં આવી, પરંતુ તમામ પ્રયત્નો છતાં ડૉક્ટરો તેમને બચાવી શક્યા નહોતા.
નિરવભાઈ માત્ર સાપ પકડનાર નહીં પરંતુ જીવદયા અંગે લોકોમાં જાગૃતિ ફેલાવનાર એક પ્રેરણાસ્રોત હતા. તેઓ ગામેગામ જઈ લોકોને પ્રાણીઓ સાથે કરુણાભાવ રાખવાની સમજ આપતા અને બિનજરૂરી હત્યા ટાળવા પ્રોત્સાહિત કરતા.
તેમના અવસાનથી પરિવારજનો ઉપરાંત સમગ્ર વિસ્તારને અપુરણિય નુકસાન થયું છે. આજે અરનાલા સહિત આસપાસના ગામોમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે અને લોકો એક સાચા સેવાભાવી યુવાનને અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે.




