વાપીના જી.એમ. બિલખીયા સ્ટેડિયમ ખાતે અંધ બહેનોની ક્રિકેટ ટુર્નામેન્ટમાં વસ્ત્રાપુર અમદાવાદની ટીમ બની ચેમ્પિયન

On: February 16, 2026 4:35 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

દક્ષિણ ગુજરાતના રમતગમત ક્ષેત્રે એક ગૌરવસભર અધ્યાય ઉમેરતા, વાપી ખાતે આવેલા જી. એમ. બિલખીયા સ્ટેડિયમમાં તારીખ 14 અને 15 ફેબ્રુઆરી 2026 દરમિયાન ગુજરાત અંધજન મહિલા ક્રિકેટ કપ ટુર્નામેન્ટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ ટુર્નામેન્ટનું સંયુક્ત આયોજન શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ તથા ઓમકાર અંધજન સેવા સંસ્થાન દ્વારા કરવામાં આવ્યું હતું.

રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી વસ્ત્રાપુર, મેમનગર, તાપી, ડાંગ, અંધજન મહિલા મંડળ અને રાણીપ સહિત કુલ છ ટીમોએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટના પ્રારંભિક મેચોમાં ખેલાડીઓએ ઉત્સાહ અને પ્રતિભાનું સુંદર પ્રદર્શન કર્યું. પ્રથમ મેચમાં વસ્ત્રાપુર ટીમે ડાંગને હરાવી અને ચેતનાએ વુમન ઓફ ધ મેચનો ખિતાબ મેળવ્યો. બીજી મેચમાં રાણીપ સામે તાપી વચ્ચે રસપ્રદ મુકાબલો થયો જેમાં રાણીપની તકુએ ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું. ત્યારબાદ ડાંગ અને મેમનગર વચ્ચે રમાયેલી મેચમાં શ્રૃતિ ચમકી ઉઠી.
રાણીપ અને અંધજન મહિલા મંડળ વચ્ચેની મેચમાં કૌશલે 79 રનની શાનદાર ઇનિંગ્સ રમી સૌનું ધ્યાન ખેંચ્યું. વસ્ત્રાપુર સામે મેમનગરની મેચમાં કલ્પનાએ મહત્વપૂર્ણ રન ફટકારી જીતમાં ફાળો આપ્યો. જ્યારે તાપી અને અંધજન મહિલા મંડળ વચ્ચેની મેચમાં સુનંદાએ ઉત્કૃષ્ટ રમત બતાવી.
સમગ્ર સિરીઝ દરમિયાન સૌથી વધુ 115 રન સાથે કૌશલ વુમન ઓફ ધ સિરીઝ રહી હતી. ચેતના 93 રન સાથે બીજા ક્રમે અને કલ્પના 81 રન સાથે ત્રીજા ક્રમે રહી હતી.
ફાઈનલ મુકાબલો વસ્ત્રાપુર અને રાણીપ ટીમ વચ્ચે યોજાયો હતો. રાણીપે નિર્ધારિત 15 ઓવરમાં 123 રન બનાવી વસ્ત્રાપુરને 124 રનનું લક્ષ્ય આપ્યું હતું. વસ્ત્રાપુર ટીમે આ લક્ષ્ય માત્ર 14 ઓવરમાં પાર કરી ઐતિહાસિક વિજય મેળવ્યો. ફાઈનલમાં મીનાએ 44 રનની મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી વુમન ઓફ ધ મેચ બની હતી.
વિજેતા વસ્ત્રાપુર ટીમને રૂ. 15,000 અને ટ્રોફી, પ્રથમ રનર્સ અપ રાણીપ ટીમને રૂ. 12,500 અને ટ્રોફી તથા દ્વિતીય રનર્સ અપ ડાંગ ટીમને રૂ. 10,500 અને ટ્રોફી આપવામાં આવી હતી. અન્ય તમામ ટીમોને રૂ. 5,000ના પ્રોત્સાહન ઇનામથી સન્માનિત કરવામાં આવી હતી.
આ પ્રસંગે પૂજ્ય કપિલ સ્વામીજીએ ખેલાડીઓનો ઉત્સાહ વધારતા ભવિષ્યમાં વાપીમાં સમગ્ર ભારત સ્તરની અંધજન મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. સાથે જ સંસ્થાના વિક્રમભાઈએ અંધજન ક્રિકેટના ખાસ નિયમો તથા રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે રમનારી ખેલાડીઓ વિશે માહિતી આપી.
ટુર્નામેન્ટ દરમિયાન અમેરિકાથી પધારેલી બહેનોનું પણ વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું. પારડી-વાપીના તબીબો દ્વારા મફત આંખ તપાસ કેમ્પ યોજાયો હતો તેમજ દાતાઓ દ્વારા ઉપયોગી કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે વલસાડ જિલ્લામાં અંધજન બહેનો માટે આ પ્રકારની ક્રિકેટ ટુર્નામેન્ટનું પ્રથમ વખત આયોજન થયું હતું, જેને સમાજમાંથી વિશાળ પ્રતિસાદ મળ્યો હતો.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!