
વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક અઠવાડિયાઓથી તમાકુ, ગુઠકા, બીડી અને સિગારેટ જેવી નશીલી વસ્તુઓની ભારે તંગી સર્જાઈ છે. જેના કારણે સામાન્ય ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા છે અને ભાવોમાં અચાનક વધારો થયો છે. વેપારીઓ અને ગ્રાહકો બંનેનું કહેવું છે કે સરકાર દ્વારા GSTમાં વધારા બાદ મોટા સપ્લાયરો દ્વારા માલનો જથ્થો અટકાવવામાં આવી રહ્યો છે, જેથી બજારમાં કૃત્રીમ અછત ઊભી થાય અને ઊંચા ભાવે વેચાણ કરી શકાય.
સ્થાનિક દુકાનદારોના જણાવ્યા અનુસાર અગાઉ જે વસ્તુ સરળતાથી મળતી હતી તે હવે મળવી મુશ્કેલ બની છે. કેટલાક વિસ્તારોમાં તો ચોક્કસ બ્રાન્ડ માટે ગ્રાહકોને દિવસો સુધી રાહ જોવી પડે છે. પરિણામે અનેક વેપારીઓ મજબૂરીમાં કાળા બજારનો રસ્તો અપનાવી રહ્યા છે.
જિલ્લામાં ખાસ કરીને મહેન્દ્ર તમાકુ, મીરાજ , તાનસેન ગુઠકા, શેખર ગુઠકા, રાજશ્રી તમાકુ અને તનમન બીડી જેવી લોકપ્રિય વસ્તુઓની ભારે માંગ હોવા છતાં પુરવઠો ઓછો થયો છે. જેના કારણે પહેલા જે પેકેટ 10થી 30રૂપિયામાં મળતું હતું તે હવે 40થી 60 રૂપિયામાં વેચાઈ રહ્યું છે.
ગ્રાહકોમાં રોષ ફેલાયો છે. ઘણા લોકો કહે છે કે મોંઘવારી પહેલેથી જ જીવન મુશ્કેલ બનાવી રહી છે અને હવે નશીલી વસ્તુઓના ભાવ વધતા રોજિંદી આદતો પણ મોંઘી પડી રહી છે. બીજી તરફ કેટલાક વેપારીઓ ખુલ્લેઆમ સ્વીકારે છે કે સપ્લાય ઓછો હોવાથી તેઓ વધારે ભાવે માલ લેવા મજબૂર બને છે અને પછી ગ્રાહકોને પણ ઊંચા ભાવે વેચવો પડે છે.
સ્થાનિક સામાજિક કાર્યકરોનું માનવું છે કે GST વધારાના બહાને મોટા વેપારીઓ દ્વારા જથ્થાબંધ સંગ્રહ કરીને કાળા બજારને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જો સમયસર પ્રશાસન દ્વારા તપાસ નહીં થાય તો આવનારા દિવસોમાં ભાવ વધુ વધવાની શક્યતા છે.
જિલ્લા પ્રશાસનને માંગ છે કે આવા કાળા બજાર પર કડક કાર્યવાહી કરવામાં આવે, સ્ટોક ચેકિંગ કરવામાં આવે અને પુરવઠો સામાન્ય બનાવવામાં આવે જેથી સામાન્ય જનતાને રાહત મળે. નહીં તો વલસાડ જિલ્લામાં નશીલી વસ્તુઓની આ તંગી એક ગંભીર આર્થિક અને સામાજિક સમસ્યા બની શકે છે.




