કપરાડા કુંભઘાટ પાસે ગમખ્વાર અકસ્માત : 7 લોકોનાં ઘટના સ્થળે મોત

On: February 20, 2026 6:21 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

કપરાડા કુંભઘાટ પાસે ગમખ્વાર અકસ્માત : 7 લોકોનાં ઘટનાસ્થળે મોત, આંબાજંગલ ગામમાં શોકની લાગણી

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં કુંભઘાટ નજીક નેશનલ હાઈવે નં. 848 પર સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં સાત વ્યક્તિઓનાં ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજતાં સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ઇક્કો કાર અને ટ્રક વચ્ચે થયેલો આ અકસ્માત એટલો ભયાનક હતો કે ઇક્કો કારનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે ચકનાચૂર થઈ ગયો હતો. મૃતકોમાં બે મહિલાઓ અને પાંચ પુરુષોનો સમાવેશ થાય છે.

પ્રાથમિક માહિતી મુજબ અકસ્માતમાં ઇક્કો કારના ચાલકનું પણ સ્થળ પર જ મોત થયું હતું. અકસ્માતમાં મોતને ભેટનાર તમામ લોકો કપરાડા તાલુકાના આંબાજંગલ ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. તેઓ નાનાપોઢા વિસ્તારમાં ખરીદી માટે જઈ રહ્યા હતા ત્યારે કુંભઘાટ નજીક આ દુર્ઘટના સર્જાઈ હતી.

અકસ્માતની જાણ થતાં જ કપરાડા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ તથા રાહત કામગીરી હાથ ધરી હતી. પોલીસ દ્વારા તમામ મૃતદેહોને કપરાડાની સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

અકસ્માતમાં મોતને ભેટનારાઓમાં કિશનભાઈ મહાદુભાઈ ગંગોડા (ઉં. 62, મોટીઘોડી), વિનોદભાઈ અનાજીભાઈ રાઉત (ઉં. 32, સાતપુરી), ગણેશભાઈ લાસ્યાભાઈ મિસાલ (ઉં. 33, નાનીઘોડી), નરેશભાઈ કિશનભાઈ પવાર (ઉં. 29, મોટીઘોડી), શિવરામભાઈ લાહનુંભાઈ માંગી (ઉં. 34, દેવીચાપાડા), રમીલાબેન શિવરામભાઈ માંગી (ઉં. 31, દેવીચાપાડા) અને દિપીકાબેન જહીરામભાઈ શાનકરા (ઉં. 17, પીપરોટી)નો સમાવેશ થાય છે.

શિવરામભાઈ અને રમીલાબેન પતિ-પત્ની હતા અને એક જ પરિવારના સભ્યો હોવાને કારણે પરિવારમાં કરૂણ શોક છવાઈ ગયો છે.
બનાવની જાણ થતાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને કાર્યકરો હોસ્પિટલ તેમજ ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીને જાણ થતાં તેઓ તાત્કાલિક કપરાડા પહોંચ્યા હતા અને મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.

આ ઉપરાંત કપરાડા મામલતદાર સંજયભાઈ દરજી તથા વાપીના ડી.વાય.એસ.પી. બી.એન. દવે સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે તેમજ હોસ્પિટલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને પરિસ્થિતિની માહિતી મેળવી હતી.
આ ગંભીર અકસ્માતના પગલે સમગ્ર કપરાડા પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. સ્થાનિક લોકોમાં ભારે દુઃખનો માહોલ જોવા મળ્યો હતો અને એક સાથે સાત લોકોના મોતને કારણે આંબાજંગલ ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!