
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવિને હાલ ગુજરાતમાં છે, ત્યારે ગુજરાત ભાજપના સંગઠનમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી આંતરિક ખેંચતાણ અને પોતાના માણસોને ગોઠવવાની વૃત્તિ સામે રાષ્ટ્રીય નેતૃત્વએ લાલ આંખ કરી છે. જી હા…ભાજપના રાષ્ટ્રીય પ્રભારી નીતિન નવિને પ્રદેશ કાર્યલય ‘કમલમ’ ખાતે યોજાયેલી બેઠકમાં જિલ્લા પ્રભારીઓને આકરા શબ્દોમાં ઝાટક્યા હતા.
“પ્રભારી હોવ ત્યાં ન્યાય અને બીજે સેટિંગ?”
બેઠક દરમિયાન નીતિન નવિને પ્રભારીઓની બેધારી નીતિ પર પ્રહાર કરતા કહ્યું હતું કે “તમે જે જિલ્લામાં પ્રભારી તરીકે જાઓ છો ત્યાં ન્યાય અને શિસ્તની વાતો કરો છો, પણ જ્યારે તમારા પોતાના જિલ્લાની વાત આવે ત્યારે તમે તમારા માણસોને સેટ કરવામાં લાગી જાઓ છો.” તેમણે સ્પષ્ટ શબ્દોમાં ટકોર કરી હતી કે આ પ્રકારની નીતિ પક્ષના હિતમાં નથી અને તે હવે ચલાવી લેવામાં આવશે નહીં.
રાજનીતિ મેરેથોન છે, શોર્ટકટ નહીં
યુવા નેતાઓ અને પદાધિકારીઓને સંબોધતા તેમણે કેટલીક મહત્વની શિખામણો આપી હતી. તેમણે જણાવ્યું હતું કે પદ મેળવવા માટે પાર્ટીમાં ન આવો. પદ હોય કે ન હોય, પક્ષના કામને પ્રાથમિકતા આપો. જે હોદ્દા પર છો તેનાથી બે-ત્રણ સ્ટેપ નીચે ઉતરીને સામાન્ય કાર્યકરની જેમ કામ કરશો તો જ અપેક્ષિત પરિણામો મળશે. રાજનીતિ એ શોર્ટકટ નથી પણ એક મેરેથોન છે, જેમાં લાંબુ ચાલવાની તૈયારી રાખવી પડે છે. વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા પર સક્રિય રહી પક્ષની કામગીરી લોકો સુધી પહોંચાડવા તેમણે ભાર મૂક્યો હતો.
રિવરફ્રન્ટ પર મોર્નિંગ વોક અને ભદ્રકાળીના આશીર્વાદ
શનિવારની સવારે નીતિન નવિને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને અન્ય હોદ્દેદારો સાથે સાબરમતી રિવરફ્રન્ટ પર મોર્નિંગ વોક કર્યું હતું અને ત્યારબાદ મા ભદ્રકાળીના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. ગિફ્ટ સિટીમાં ‘યંગ વોઈસ સમિટ’ પૂર્ણ કર્યા બાદ તેઓ કમલમ પહોંચ્યા હતા, જ્યાં તેમણે સંગઠનની નબળી કડીઓ પર આંગળી ચીંધી હતી.
નોંધનીય છે કે, નીતિન નવિનની આ આકરી ટકોરથી ગુજરાત ભાજપના એવા નેતાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે જેઓ સંગઠનમાં પોતાનું વર્ચસ્વ જમાવવા મથામણ કરી રહ્યા છે. આગામી સમયમાં સંગઠનમાં મોટા ફેરફારો થાય તેવી શક્યતાઓ પણ નકારી શકાતી નથી.




