વલસાડ જિલ્લાની ખાનગી સ્વનિર્ભર શાળાઓના સર્વાંગી વિકાસ અને ગુણવત્તાયુક્ત શિક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુસર સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશન વલસાડની એન્યુઅલ જનરલ મિટિંગ શનિવારે વાપી-છાલા સ્થિત મેરિલ ઓડિટોરિયમ ખાતે યોજાઈ હતી. મિટિંગમાં જિલ્લાની વિવિધ સ્વનિર્ભર શાળાઓના સંચાલકો, આચાર્યો અને શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિતેલા શૈક્ષણિક વર્ષમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષામાં 100 ટકા પરિણામ પ્રાપ્ત કરનાર શાળાઓ તેમજ પોતાના વિષયમાં 100 ટકા પરિણામ લાવનાર આશરે 350 જેટલા શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ એસોસિએશનના ફાઉન્ડર પૂજ્ય કપિલ સ્વામીજીએ વર્તમાન કાર્યકારી ટીમની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, શિક્ષણ માત્ર પરીક્ષાના ગુણ સુધી મર્યાદિત ન રહી દેશના આદર્શ નાગરિકોની રચનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે શિક્ષણમાં રાષ્ટ્રવાદ અને આદર્શવાદના મૂલ્યોને સમાવવા શિક્ષકોને આહ્વાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સારા શિક્ષકો જ સારા સમાજ અને સારા દેશની રચના કરી શકે છે, તેથી શિક્ષણક્ષેત્રે ગુણવત્તા અને સંસ્કાર બંને જરૂરી છે.
એસોસિએશનની પ્રમુખ અલ્પાબેન કોટડીયાએ પોતાના સંબોધનમાં વિતેલા વર્ષ દરમિયાન એસોસિએશન દ્વારા યોજાયેલા વિવિધ કાર્યક્રમોની સમીક્ષા કરી હતી. તેમણે ખાસ કરીને વાપી ખાતે યોજાયેલા “એડ્યુવોક” કાર્યક્રમને મળેલી સફળતાનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે આ કાર્યક્રમ દ્વારા શિક્ષણક્ષેત્રે નવી દિશા અને પ્રેરણા મળી છે. તેમણે આ કાર્યક્રમના સફળ આયોજન માટે મહામંત્રી મિતલબેન ધાખડાની કામગીરીની પ્રશંસા કરી તેમનું સન્માન પણ કર્યું હતું.
એસોસિએશનની મહામંત્રી મિતલબેન ધાખડાએ વાર્ષિક અહેવાલ રજૂ કરતાં જણાવ્યું હતું કે વિતેલા વર્ષ દરમિયાન એસોસિએશન દ્વારા શિક્ષણક્ષેત્રે અનેક પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે દરેક કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખથી લઈને કારોબારી સમિતિના તમામ સભ્યો અને શિક્ષકોના સહકારથી જ શક્ય બન્યું છે. એસોસિએશનની ટીમવર્ક ભાવનાના કારણે સંસ્થાની કામગીરીમાં સતત પ્રગતિ થઈ રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.
ખજાનચી મુકેશભાઈ પટેલએ એસોસિએશનનો વાર્ષિક ઓડિટ રિપોર્ટ સભામાં વાંચી સંભળાવ્યો હતો, જેને સભ્યોએ સર્વાનુમતે મંજૂરી આપી હતી. આ પ્રસંગે વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારી રાજશ્રીબેન ટંડેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના પ્રેરક પ્રવચનમાં શિક્ષકોને અભિનંદન આપતા જણાવ્યું હતું કે શિક્ષણક્ષેત્રે સતત નવીનતા અને ગુણવત્તા જાળવી રાખવી એ આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે. તેમણે જણાવ્યું હતું કે શિક્ષકોના પ્રયત્નોથી જ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઘડાય છે અને જિલ્લાનું શિક્ષણક્ષેત્રે નામ ઉજ્જવળ બને છે. તેમણે શિક્ષણમાં આવનારા નવા પડકારો અંગે માહિતગાર કરતા તમામ શિક્ષકો અને સંચાલકોને સંકલિત પ્રયત્નો કરવા અનુરોધ કર્યો હતો.
માં ફાઉન્ડેશનના સીઈઓ અમિત મહેતાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આજના સમયમાં માત્ર ટકાવારી મેળવવી પૂરતી નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં કૌશલ્ય વિકાસ (સ્કીલ ડેવલપમેન્ટ) પણ એટલું જ જરૂરી છે. તેમણે જણાવ્યું હતું કે સ્પર્ધાની સાથે સહકારની ભાવના વિકસાવવી પણ શિક્ષણનો મહત્વપૂર્ણ હિસ્સો છે. વિદ્યાર્થીઓને જીવન માટે તૈયાર કરવા માટે શિક્ષણમાં વ્યવહારુ જ્ઞાન અને કુશળતા પર ભાર મૂકવાની જરૂર હોવાનું તેમણે જણાવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન મુખ્ય મહેમાનો તેમજ એસોસિએશનના હોદ્દેદારો અને કારોબારી સમિતિના સભ્યોના હસ્તે ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષામાં 100 ટકા પરિણામ મેળવવા બદલ શાળાઓના આચાર્યો તથા વિષય શિક્ષકોને મોમેન્ટો અને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આશરે 350 જેટલા શિક્ષકોના સન્માનથી સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહભર્યું વાતાવરણ સર્જાયું હતું.
આ એન્યુઅલ જનરલ મિટિંગ દ્વારા શિક્ષણક્ષેત્રે ગુણવત્તા વધારવા, શિક્ષકોને પ્રોત્સાહન આપવા અને સંસ્થાઓ વચ્ચે સહકાર વધારવાનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહેમાનો તથા શિક્ષકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશન વલસાડ દ્વારા આયોજિત આ કાર્યક્રમ શિક્ષણક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકો અને શાળાઓ માટે પ્રેરણાદાયી સાબિત થયો હતો.
સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશન વલસાડની એન્યુઅલ જનરલ મિટિંગ યોજાઈ : 100% પરિણામ લાવનાર શાળાઓ અને 350 શિક્ષકોનું સન્માન !




