વર્ષ 2026માં મધ્ય પૂર્વમાં વધતા તણાવને કારણે સમગ્ર વિશ્વમાં અશાંતિનું માહોલ સર્જાયો છે. અમેરિકા, ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ચાલતા સંઘર્ષે ત્રીજા વિશ્વ યુદ્ધની આશંકાને વધુ પ્રબળ બનાવી છે. આવી સ્થિતિમાં લોકોના મનમાં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે જો ખરેખર પરમાણુ યુદ્ધ ફાટી નીકળે તો શું માનવજાત માટે કોઈ સલામત સ્થાન બચી રહેશે?
વિશ્વના સૈન્ય અને પર્યાવરણ નિષ્ણાતોના મત મુજબ પરમાણુ યુદ્ધની સ્થિતિ અત્યંત વિનાશક સાબિત થઈ શકે. ‘પરમાણુ શિયાળો’ જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે, જેમાં સૂર્યપ્રકાશ લાંબા સમય સુધી ધરતી સુધી પહોંચી ન શકે. ખેતી, પાણી, આરોગ્ય અને વૈશ્વિક અર્થતંત્ર સંપૂર્ણપણે ખોરવાઈ શકે. તેમ છતાં, કેટલીક રાષ્ટ્રો એવી છે જે પોતાની ભૌગોલિક સ્થિતિ, આત્મનિર્ભરતા અને તૈયારીના કારણે અન્ય દેશોની સરખામણીએ વધુ સુરક્ષિત રહી શકે.
1. ન્યુઝીલેન્ડ: દુનિયાથી દૂર અને આત્મનિર્ભર
દક્ષિણ ગોળાર્ધમાં આવેલું ન્યુઝીલેન્ડ વિશ્વના મુખ્ય સૈન્ય મથકો અને સંઘર્ષ ક્ષેત્રોથી ખૂબ દૂર છે. તેની ભૌગોલિક એકલતા તેને સૌથી મોટું રક્ષણ આપે છે. દેશ ખેતી અને પશુપાલનમાં આત્મનિર્ભર છે. દૂધ, અનાજ અને માંસનું ઉત્પાદન એટલું મજબૂત છે કે વૈશ્વિક વેપાર બંધ થઈ જાય તો પણ સ્થાનિક જરૂરિયાતો પૂરી કરી શકાય. ઓછું પ્રદૂષણ અને સ્વચ્છ પાણીના સ્ત્રોતો પણ આ દેશને લાંબા ગાળે ટકી રહેવામાં મદદરૂપ થઈ શકે.
2. ઓસ્ટ્રેલિયા: વિશાળ ભૂમિ અને ઓછી વસતી
ઓસ્ટ્રેલિયા ભૌગોલિક રીતે એશિયા અને યુરોપના સંઘર્ષોથી દૂર છે. તેની જમીન વિશાળ છે અને વસ્તી છૂટીછવાઈ વસે છે. કોઈ હુમલો થાય તો પણ તેની અસર મર્યાદિત વિસ્તારમાં જ રહી શકે. ખનિજ સંપત્તિ, અનાજ ઉત્પાદન અને પશુપાલન તેને આર્થિક અને ખાદ્ય સુરક્ષા આપે છે. દક્ષિણ ગોળાર્ધમાં હોવાના કારણે ‘પરમાણુ શિયાળા’ની અસર ઉત્તર ગોળાર્ધની સરખામણીએ ઓછી રહેવાની શક્યતા દર્શાવવામાં આવે છે.
3. સ્વિટ્ઝર્લેન્ડ: બંકરો અને તટસ્થતા
યુરોપમાં આવેલું સ્વિટ્ઝર્લેન્ડ તેની તટસ્થ નીતિ માટે વિશ્વવિખ્યાત છે. દાયકાઓથી આ દેશે પરમાણુ હુમલા સામે રક્ષણ માટે મજબૂત બંકર વ્યવસ્થા ઊભી કરી છે. કહેવાય છે કે ત્યાં લગભગ સમગ્ર વસ્તી માટે પૂરતા બંકરો ઉપલબ્ધ છે. આ બંકરોમાં કિરણોત્સર્ગથી બચવા માટે આધુનિક હવા શુદ્ધિકરણ પ્રણાલી છે. રાજકીય રીતે પણ દેશ મોટાભાગના યુદ્ધોમાં તટસ્થ રહ્યો છે, જે તેને સીધા નિશાન બનવાથી બચાવી શકે.
4. આઇસલેન્ડ: શાંતિપ્રિય અને સેનામુક્ત
ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં આવેલું આઇસલેન્ડ વિશ્વના સૌથી શાંતિપ્રિય દેશોમાં ગણાય છે. તેની પાસે કાયમી લશ્કરી દળ નથી અને તે આંતરરાષ્ટ્રીય વિવાદોમાં ભાગ લેતો નથી. ભૌગોલિક રીતે પણ તે મોટા સૈન્ય મથકોથી દૂર છે. તેની ઊર્જા જરૂરિયાતો મુખ્યત્વે જીઓથર્મલ અને હાઇડ્રો પાવરથી પૂરી થાય છે, જે તેને ઊર્જા આત્મનિર્ભર બનાવે છે.
5. આર્જેન્ટિના: ખાદ્ય સુરક્ષાની શક્તિ
દક્ષિણ અમેરિકા સ્થિત આર્જેન્ટિના ઘઉં અને સોયાબીનના ઉત્પાદન માટે વિશ્વપ્રસિદ્ધ છે. પરમાણુ યુદ્ધની સ્થિતિમાં ઉત્તર ગોળાર્ધના દેશોમાં વધુ વિનાશ થવાની શક્યતા હોવાથી દક્ષિણ ગોળાર્ધના દેશો પર તેની અસર ઓછી થઈ શકે છે. વિશાળ ખેતીવાડી જમીન અને પાણીના સ્ત્રોતો દેશને લાંબા સમય સુધી જીવંત રાખી શકે.
6. ચિલી: કુદરતી ઢાલ
ચિલી એક અનોખી ભૌગોલિક રચના ધરાવે છે. તેની પૂર્વ સરહદે એન્ડીઝ પર્વતમાળા અને પશ્ચિમે પેસિફિક મહાસાગર છે. આ કુદરતી ઢાલ તેને બાહ્ય હુમલાઓથી આંશિક સુરક્ષા આપે છે. ચિલી તાંબા જેવા ખનિજ અને કૃષિ ઉત્પાદનમાં સમૃદ્ધ છે. આત્મનિર્ભરતા અને કુદરતી સ્રોતો તેને મુશ્કેલ સમયમાં ટેકો આપી શકે.
શું ખરેખર કોઈ દેશ સંપૂર્ણ સુરક્ષિત છે?
નિષ્ણાતોનું માનવું છે કે પરમાણુ યુદ્ધની અસર વૈશ્વિક સ્તરે જોવા મળશે. કિરણોત્સર્ગ, આબોહવા પરિવર્તન, ખાદ્ય સંકટ અને આર્થિક મંદી જેવી સમસ્યાઓ સરહદો માનતી નથી. ઉપર દર્શાવાયેલા દેશો ભૌગોલિક રીતે અને સ્રોતોની દૃષ્ટિએ વધુ સક્ષમ હોઈ શકે, પરંતુ સંપૂર્ણ સુરક્ષા કોઈને પણ મળી શકે તેવી ખાતરી નથી.
અંતે, પરમાણુ યુદ્ધથી બચવાનો શ્રેષ્ઠ માર્ગ યુદ્ધને અટકાવવાનો જ છે. રાજકીય સંવાદ, કૂટનીતિ અને વૈશ્વિક સહકાર દ્વારા જ માનવજાત પોતાનો ભવિષ્ય સુરક્ષિત રાખી શકે. દુનિયાને વિનાશથી બચાવવી એ દરેક દેશ અને નેતૃત્વની સંયુક્ત જવાબદારી છે.
પરમાણુ યુદ્ધ થશે તો કયા દેશો બચી જશે? જાણો આ 6 દેશોની અદભૂત તાકાત !






