
લવાછા બનશે લોકોત્સવનું કેન્દ્ર: 100 વર્ષ જૂની પરંપરાનો મહામેળો
વલસાડ જિલ્લો અને સંઘપ્રદેશ માટે હોળી-ધૂળેટીનો સૌથી મોટો અને ઐતિહાસિક મેળો વાપી નજીક નાનાપોઢા તાલુકાના લવાછા ગામે વર્ષોથી પરંપરાગત રીતે યોજાતો આવે છે. લગભગ 100 વર્ષથી પણ વધુ સમયથી ચાલતી આ ભવ્ય પરંપરા આજે પણ એ જ ઉમંગ, ઉત્સાહ અને આસ્થા સાથે જીવંત છે. આ વર્ષે પણ લવાછા ખાતે યોજાતા હોળી મેળાનું ઉદ્ઘાટન કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો, આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.
લવાછા મેળો માત્ર એક તહેવાર નથી, પરંતુ આપણા વિસ્તારની સંસ્કૃતિ, એકતા અને ભાઈચારા નો જીવંત ઉત્સવ છે. હોળીનો પાવન પર્વ રંગો, આનંદ અને ઉમંગનું પ્રતિક છે, અને લવાછા ગામે ભરાતો આ મેળો એ ભાવનાને અનેકગણી વધારી દે છે. આશરે દસ દિવસથી વધુ સમય સુધી ચાલનારા આ મેળામાં અંદાજે ત્રણ લાખથી વધુ લોકો ઉમટશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સ્થાનિક વડીલો જણાવે છે કે સદી પહેલા ગામજનો દ્વારા સામૂહિક રીતે હોળી ઉજવવાની શરૂઆત થઈ હતી. સમય જતા આ ઉજવણી વિશાળ મેળામાં પરિવર્તિત થઈ અને આજે તે સમગ્ર દક્ષિણ ગુજરાત માટે ગૌરવનું પ્રતિક બની ગઈ છે. નાનાપોઢા, કપરાડા અને ધરમપુર તાલુકા ઉપરાંત મહારાષ્ટ્ર બોર્ડર નજીકના વિસ્તારોમાંથી પણ લોકો પરિવાર સાથે મેળાની મજા માણવા આવે છે.
મેળામાં પરંપરા અને આધુનિકતાનો અનોખો સંગમ જોવા મળે છે. દુર-દુરથી વેપારીઓ અહીં પોતાના સ્ટોલ લગાવી વિવિધ પ્રકારની ચીજવસ્તુઓનું વેચાણ કરે છે. ઘરગથ્થુ સામાન, કૃષિ સાધનો, રમકડાં, વસ્ત્રો, આભૂષણો, મીઠાઈ-ફરસાણથી લઈને આધુનિક ઉપકરણો સુધીની દરેક વસ્તુઓ અહીં ઉપલબ્ધ રહે છે. આ મેળો સ્થાનિક વેપારીઓ અને હસ્તકલા કારીગરો માટે રોજગારનું મહત્વપૂર્ણ માધ્યમ બની રહે છે. ગ્રામ્ય અર્થતંત્રને ગતિ આપતો આ મેળો અનેક પરિવારો માટે આવકનું સશક્ત સ્ત્રોત છે.
મેળા દરમિયાન બે થી ત્રણ કિલોમીટર સુધી ચારે તરફ માનવ મહેરામણ નજરે પડે છે. રંગોથી રંગાયેલા ચહેરા, લોકસંગીતના સુર, ઝૂલાઓની મજા અને પરંપરાગત વાનગીઓની સુગંધ—આ બધું મળીને લવાછા મેળાને એક સાચા અર્થમાં લોકોત્સવ બનાવે છે. યુવાનો માટે આ મેળો મોજમસ્તીનો અવસર છે, જ્યારે વડીલો માટે જૂની યાદોને તાજી કરવાનો પ્રસંગ બને છે.
આ વર્ષે યોજાયેલા ઉદ્ઘાટન સમારંભમાં વલસાડ જિલ્લા ભાજપા ઉપપ્રમુખ સુરેશભાઈ પટેલ, વાપી તાલુકા ભાજપા પ્રમુખ સમયભાઈ પટેલ, વાપી તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ રાજેશભાઈ પટેલ, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય બળવંતભાઈ પટેલ, તાલુકા પંચાયત સદસ્ય પંકજભાઈ દેગામ, તાલુકા પંચાયત સદસ્ય સુભાષભાઈ પટેલ (મોટીતંબાડી), લવાછા સરપંચ જીનલબેન પટેલ, મોટીતંબાડી સરપંચ વિનોદભાઈ પટેલ, ચીભડકચ્છ સરપંચ કલ્પેશભાઈ પટેલ, કરમખલ સરપંચ રમેશભાઈ પટેલ તેમજ નાનીતંબાડી સરપંચ મિતેશભાઈ પટેલ સહિત અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તમામ આગેવાનો દ્વારા મેળાની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી.
ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે લવાછા મેળો આપણા વિસ્તારની સાંસ્કૃતિક ઓળખ છે. સદી જૂની પરંપરા આજે પણ જીવંત છે, એ આપણા સમાજની એકતા અને સહકારનું પ્રતિક છે. તેમણે નાગરિકોને વિનંતી કરી કે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ આનંદોત્સવને સફળ બનાવે અને શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરે.
હોળી-ધૂળેટીનો તહેવાર મૂળભૂત રીતે દુષ્ટ પર સદ્ગુણની જીતનું પ્રતિક છે. રંગોનો આ તહેવાર લોકો વચ્ચેના મતભેદોને ભૂલાવી પ્રેમ અને સૌહાર્દ્ર વધારવાનો સંદેશ આપે છે. લવાછા મેળો આ સંદેશને વાસ્તવિક સ્વરૂપ આપે છે, જ્યાં વિવિધ સમાજ, જાતિ અને વર્ગના લોકો એક સાથે ભેગા થઈ આનંદ વહેંચે છે.
લવાછા હવે માત્ર એક ગામ નથી રહ્યું; તે લોકોત્સવનું કેન્દ્ર બની ગયું છે. અહીં ભરાતો મહામેળો પરંપરા, વેપાર, સંસ્કૃતિ અને સામાજિક એકતાનો અનોખો સમન્વય છે. સદી જૂની આ પરંપરા આગામી પેઢીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે અને વિસ્તારના ગૌરવને વધુ મજબૂત બનાવશે.
હોળીના પાવન પર્વ નિમિત્તે સૌ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ સાથે અપીલ છે કે પરિવાર સાથે લવાછા મેળાની મુલાકાત લઈ આ ઐતિહાસિક લોકોત્સવનો આનંદ માણો અને પરંપરાને જીવંત રાખવામાં સહભાગી બનો.






