હે ઈશ્વર!
આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાથે સાદર સાષ્ટાંગ પ્રણામ. દર વર્ષે 8 માર્ચે સમગ્ર વિશ્વમાં મહિલા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે સ્ત્રી શક્તિ, સ્ત્રી સન્માન અને સ્ત્રીના યોગદાન વિશે અનેક કાર્યક્રમો થાય છે, ભાષણો થાય છે અને મહિલાઓને સન્માન અપાય છે. પરંતુ એક પ્રશ્ન હંમેશા મનમાં ઉઠે છે – શું આ સન્માન સાચે જ દરેક મહિલાને મળ્યું છે? ખાસ કરીને એ મહિલાને, જેને આપણે “મા” તરીકે ઓળખીએ છીએ?
મહિલાની સૌથી પહેલી અને પવિત્ર ઓળખ “મા” છે. બાળકના જન્મથી લઈને તેની જીવનયાત્રા સુધી જે વ્યક્તિ સતત તેની સાથે રહે છે, તે તેની માતા જ હોય છે. બાળકના જીવનનો પહેલો પરિચય માતા સાથે જ થાય છે. માતાના આંચળમાં બાળકને જે પ્રેમ, મમતા અને સુરક્ષા મળે છે, તે દુનિયાના કોઈ પણ સંબંધમાં મળતી નથી. એટલે જ કહેવાય છે કે માતા એ ઈશ્વરની જીવંત પ્રતિમા છે.
જ્યારે આપણે નાના હતાં ત્યારે “મહિલા”, “સ્ત્રી” કે “નારી શક્તિ” જેવા શબ્દોનો સાચો અર્થ સમજાતો નહોતો. ઘરમાં બે જ મહિલાઓ દેખાતી – મમ્મી અને દાદી. ત્યારે એટલું જ લાગતું કે તેઓ ઘરનાં કામ કરે છે, અમને સંભાળે છે અને પરિવારને સંભાળે છે. પરંતુ જેમ જેમ સમજ વધતી ગઈ તેમ સમજાયું કે એ મહિલાઓએ પોતાનું આખું જીવન પરિવાર માટે સમર્પિત કરી દીધું છે. તેમના ત્યાગ અને સમર્પણનું મૂલ્ય કોઈ પણ રીતે ચૂકવી શકાય તેમ નથી.

આજના સમયમાં જ્યારે “મહિલા સશક્તિકરણ”ની વાત થાય છે ત્યારે ઘણી વાર આપણું ધ્યાન બહારની સફળ મહિલાઓ તરફ જાય છે – જેમ કે શિક્ષિકા, ડૉક્ટર, અધિકારી, રાજકારણી કે ઉદ્યોગપતિ. પરંતુ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે ઘરમાં રહેલી માતા પણ એટલી જ મહાન છે? તેણે પોતાના સપના, ઈચ્છાઓ અને આરામને બાજુ પર મૂકી પરિવારના સુખને પ્રથમ સ્થાન આપ્યું છે.
અમારી માતાઓનો સમય આજના સમયથી ખૂબ અલગ હતો. ત્યારે એટલી આધુનિકતા કે સ્વતંત્રતા નહોતી. શું પહેરવું, શું કરવું, ક્યાં જવું – એ બધા નિર્ણયો મોટા ભાગે પરિવારના પુરુષો કરતા. બાળપણમાં પિતાની આજ્ઞા, લગ્ન પછી પતિની અને પછી સંતાનોની જવાબદારી. છતાં પણ એ મહિલાઓએ ક્યારેય ફરિયાદ કરી નહીં. તેઓએ પોતાના જીવનને પરિવાર માટે સમર્પિત કરી દીધું.
આજની યુવતીઓ અને મહિલાઓને શિક્ષણ, નોકરી અને સ્વતંત્રતા મળવાની તકો વધી છે. આ એક સકારાત્મક બદલાવ છે. પરંતુ સાથે સાથે એક વાત પણ સમજવી જરૂરી છે કે આજની મહિલાઓને જે સુવિધાઓ મળી છે, તેની પાછળ તેમની માતા અને દાદીની પેઢીના ત્યાગ અને સંઘર્ષનો મોટો ફાળો છે.
માતા બાળકીથી કિશોરી બને છે, પછી યુવતી અને પછી પત્ની અને અંતે માતા બને છે. આ સફર માત્ર સંબંધોની બદલાતી ઓળખ નથી, પરંતુ જવાબદારીઓની વધતી જતી કડી છે. એક દીકરી જ્યારે પોતાના પિતાના ઘરમાંથી વિદાય લઈને પતિના ઘરે જાય છે ત્યારે તે માત્ર ઘર બદલતી નથી, પરંતુ પોતાની ઓળખ અને જવાબદારી પણ બદલતી જાય છે.
માતા માટે સંતાન સૌથી મોટી સંપત્તિ હોય છે. દુનિયામાં કોઈ પણ વસ્તુ તેના માટે સંતાન જેટલી કિંમતી નથી. લગભગ દરેક માતા પોતાના સંતાનો માટે જ જીવતી હોય છે. તેઓ પોતાની ખુશી કરતાં સંતાનોની ખુશીને વધારે મહત્વ આપે છે. ઘણી વાર તેઓ પોતાના દુઃખને પણ છુપાવી લે છે, જેથી પરિવારને તકલીફ ન થાય.
પરંતુ એક કડવું સત્ય પણ છે કે ઘણી વાર માતાને જીવનમાં તેવું માન અને સન્માન મળતું નથી જે તે લાયક છે. ઘણી વાર માતાની મહેનતને “ફરજ” તરીકે જ માનવામાં આવે છે. તેના ત્યાગને સ્વાભાવિક માની લેવામાં આવે છે. જ્યારે વાસ્તવમાં માતાનો દરેક દિવસ એક યજ્ઞ સમાન હોય છે.
આજના સમયમાં સંયુક્ત કુટુંબ પ્રણાલી ધીમે ધીમે તૂટતી જાય છે. પરિવારમાં મતભેદ અને મનભેદ વધે છે. ઘણી વાર મહિલાઓ વચ્ચેના મતભેદ પણ પરિવારના તૂટવાના કારણ બને છે. જો ઘરમાં રહેલી મહિલાઓ – જેમ કે દીકરી, વહુ, સાસુ – એકબીજાને સમજશે અને સહકાર આપશે, તો પરિવાર વધુ મજબૂત બની શકે છે.
સ્ત્રી સશક્તિકરણનો સાચો અર્થ માત્ર બહારની સફળતા નથી, પરંતુ પરિવાર અને સમાજમાં પરસ્પર સન્માન પણ છે. જો એક મહિલા ઈચ્છે છે કે સમાજ તેને માન આપે, તો સૌપ્રથમ તે પોતાનાં ઘરની મહિલાઓને માન આપવાનું શરૂ કરે. સાસુએ વહુને દીકરી સમજી સ્નેહ આપવો જોઈએ અને વહુએ પણ સાસુને માતા સમજી સન્માન આપવું જોઈએ.
સમય બદલાઈ રહ્યો છે, અને આજની મહિલાઓ વધુ શિક્ષિત અને આત્મનિર્ભર બની રહી છે. પરંતુ સાથે સાથે આપણે આપણા જીવનની મુખ્ય મહિલાઓ – ખાસ કરીને માતા – પ્રત્યે આભાર વ્યક્ત કરવાનું ભૂલવું નહીં જોઈએ.
માતા માટે સૌથી મોટું સન્માન શું હોઈ શકે? કદાચ એ કે આપણે તેને પ્રેમ આપીએ, તેની લાગણીઓને સમજીએ અને તેના જીવનના અંતિમ વર્ષોમાં તેને શાંતિ અને સન્માનથી જીવવાની તક આપીએ.
આ અંતે એટલું જ કહેવું છે કે મહિલા દિવસ માત્ર એક દિવસનો કાર્યક્રમ ન રહે. દરેક દિવસ મહિલાના સન્માનનો દિવસ બને. ખાસ કરીને “મા” માટે.
ચાલો, આજે આપણે સૌ એક સંકલ્પ કરીએ –
માતાને માત્ર શબ્દોમાં નહીં, પરંતુ આપણા વર્તનમાં પણ સાચું સન્માન આપીએ.
આ પ્રાર્થના સાથે કે દરેક ઘરમાં માતાનું સ્થાન સદા ઊંચું રહે, હું મારા શબ્દોને અહીં વિરામ આપું છું.
સૌને સ્નેહભર્યા વંદન અને
જય સીયારામ.
લી. ફાલ્ગુની વસાવડા (ભાવનગર)






