વલસાડમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ઓપન ગુજરાત મહિલા ટેનિસ બોલ ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઈ

8 ટીમોએ લીધો ઉત્સાહભેર ભાગ – શાહ એન.એચ. કોમર્સ કોલેજ ટીમ ચેમ્પિયન, કળશ ઇલેવન રનરઅપ

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીને વધુ અર્થપૂર્ણ બનાવવાના હેતુથી ગુજરાત ટેનિસ બોલ ક્રિકેટ એસોસિયેશનના નેજા હેઠળ વલસાડ ટેનિસ બોલ ક્રિકેટ એસોસિયેશન દ્વારા “ઓપન ગુજરાત મહિલા ટેનિસ બોલ ક્રિકેટ ટૂર્નામેન્ટ”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડના શાહ એન.એચ. કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ આ ટૂર્નામેન્ટમાં મહિલા ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની રમતિયાળ પ્રતિભાનો સુંદર પરિચય આપ્યો હતો. રમતગમત દ્વારા મહિલા સશક્તિકરણનો સંદેશ આપતી આ સ્પર્ધા શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.
ટૂર્નામેન્ટના પ્રારંભ પ્રસંગે વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ મંત્રી સોનલબેન સોલંકી, શ્રી સાઈ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ તેમજ વલસાડ ટેનિસ બોલ ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ કેયુરભાઈ પટેલ, એસોસિયેશનના સેક્રેટરી જનરલ નિલેશ કોસીયા, સામાજિક કાર્યકર વિનોદભાઈ પટેલ, સી.બી.આઈ. વલસાડના સી.એમ. મકવાણા, ભાગદાવડા ગ્રામ પંચાયતના ઉપસરપંચ બકુલભાઈ જોષી તેમજ સામાજિક કાર્યકર ભરતભાઈ બલસારા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે દીપ પ્રગટાવી, શ્રીફળ વધેરી અને રિબન કાપીને ટૂર્નામેન્ટનો શુભ આરંભ કરવામાં આવ્યો હતો.
પ્રારંભિક કાર્યક્રમમાં વલસાડ ટેનિસ બોલ ક્રિકેટ એસોસિયેશનના સેક્રેટરી નિલેશ કોસીયાએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનું મહત્વ સમજાવતાં જણાવ્યું કે આજના સમયમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગેવાની કરી રહી છે અને રમતગમત એ મહિલાઓના આત્મવિશ્વાસ અને વ્યક્તિત્વ વિકાસ માટે મહત્વપૂર્ણ સાધન છે. તેમણે એસોસિયેશનના કાર્ય અને મહિલાઓને રમતગમતમાં આગળ લાવવા માટે લેવામાં આવતા પ્રયાસોની માહિતી પણ આપી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય ભરતભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે રમતગમત યુવાનોની કારકિર્દી ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આજે સરકાર પણ ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓ અને સુવિધાઓ પૂરી પાડી રહી છે. ખાસ કરીને યુવતીઓ અને મહિલાઓ રમતગમતમાં આગળ આવે તે માટે સરકાર અનેક પગલાં લઈ રહી છે. તેમણે ખેલાડીઓને આ તકોનો લાભ લઈ રાજ્ય અને દેશનું નામ રોશન કરવા પ્રોત્સાહિત કર્યા હતા.
ગુજરાત પ્રદેશ મંત્રી સોનલબેન સોલંકીએ પોતાના સંબોધનમાં મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી અને જણાવ્યું હતું કે આજની મહિલા કોઈપણ ક્ષેત્રમાં પાછળ નથી. રમતગમતમાં પણ મહિલાઓએ વિશ્વસ્તરે અનેક સિદ્ધિઓ મેળવી છે. આ પ્રકારની ટૂર્નામેન્ટ મહિલાઓમાં આત્મવિશ્વાસ અને સ્પર્ધાત્મક ભાવનાને પ્રોત્સાહન આપે છે. તેમણે સ્પર્ધામાં ભાગ લેનાર તમામ મહિલા ખેલાડીઓને શુભેચ્છા પાઠવી અને શ્રેષ્ઠ પ્રદર્શન કરીને નારી શક્તિનો પરિચય આપવાની પ્રેરણા આપી હતી.
આ ઓપન ગુજરાત મહિલા ટેનિસ બોલ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં કુલ 8 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. દિવસભર ચાલેલી રસપ્રદ મેચોમાં ખેલાડીઓએ ઉત્તમ રમતિયાળ પ્રદર્શન કરીને દર્શકોને રોમાંચિત કર્યા હતા. અંતિમ મુકાબલો ખૂબ જ સ્પર્ધાત્મક રહ્યો હતો. અંતે શાહ એન.એચ. કોમર્સ કોલેજની ટીમે શાનદાર પ્રદર્શન કરીને ચેમ્પિયન બનવાનો ગૌરવ મેળવ્યું, જ્યારે કળશ ઇલેવન ટીમ રનરઅપ રહી હતી.
ટૂર્નામેન્ટના સમાપન પ્રસંગે વિજેતા અને ઉપવિજેતા ટીમોને ટ્રોફી, મેડલ અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. મહિલા પતંજલિ યોગ સમિતિના રાજ્ય પ્રભારી તનુજાબેન આર્ય, વલસાડ ટેનિસ બોલ ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ કેયુરભાઈ પટેલ, સામાજિક કાર્યકર વિનોદભાઈ પટેલ અને ભરતભાઈ બલસારા, એન.ટી.બી.સી.એ.ના સેક્રેટરી પાર્થિવ પટેલ તેમજ અન્ય આમંત્રિત મહેમાનોના હસ્તે ખેલાડીઓને પુરસ્કાર વિતરણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત જયમ ગ્રુપ દ્વારા વિજેતા અને ઉપવિજેતા ટીમોને ટી-શર્ટ આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ સોનલબેન પટેલ દ્વારા વિજેતા અને ઉપવિજેતા ટીમના કોચ તથા ટીમ મેનેજરોને પણ ટી-શર્ટ આપી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
આ સમગ્ર ટૂર્નામેન્ટને સફળ બનાવવા માટે વલસાડ ટેનિસ બોલ ક્રિકેટ એસોસિયેશનના સભ્યો તેમજ સ્થાનિક કાર્યકરોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ખાસ કરીને સોનલબેન પટેલ (કમિટી મેમ્બર), રાજકુમાર મોરેકર (કળશ એકેડમી), નીષીત કોસીયા, કાજલ ગુપ્તા, પલક પરમાર, નિરાલી હરિયાવાલા, મુકેશભાઈ પટેલ (કોમર્સ કોલેજ વલસાડ), અશોકભાઈ ટંડેલ (પારડી), જયેશભાઈ બી. પટેલ (નાનાપોંઢા), અશ્વિનભાઈ બસ્તા (ધરમપુર), વિઠ્ઠલભાઈ રાઉત અને સંજયભાઈ રાઉત (કપરાડા) સહિતના કાર્યકરોના પરિશ્રમથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.
મહિલા દિવસ નિમિત્તે યોજાયેલી આ રમતોત્સવથી મહિલા ખેલાડીઓમાં નવી ઊર્જા અને ઉત્સાહનો સંચાર થયો હતો. આ પ્રકારના કાર્યક્રમો મહિલાઓને રમતગમત તરફ પ્રોત્સાહિત કરી સમાજમાં નારી શક્તિના સશક્તિકરણને મજબૂત બનાવે છે તેવી લાગણી ઉપસ્થિત સૌએ વ્યક્ત કરી હતી.






