પ્રણવ પારિજાત ટ્રસ્ટ, સુરત સંચાલિત મહાગુજરાત ગંધર્વ સંગીત સમિતિ દ્વારા નવેમ્બર ૨૦૨૫ દરમિયાન યોજાયેલી સંગીત પ્રારંભિક ભરતનાટ્યમ પરીક્ષાનું પરિણામ તાજેતરમાં જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં સલવાવ સ્થિત શ્રી ઘનશ્યામ વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ ઉત્તમ પ્રદર્શન કરીને શાળાનું નામ ગૌરવથી ઉજ્જવળ બનાવ્યું છે. નૃત્યકલા પ્રત્યેના સમર્પણ અને મહેનતના કારણે વિદ્યાર્થીઓએ પરીક્ષામાં શાનદાર સફળતા મેળવી છે.
આ પરીક્ષામાં શાળાના કુલ પાંચ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને તમામ વિદ્યાર્થીઓ ફર્સ્ટ ક્લાસ તથા ડિસ્ટીંગશન સાથે ઉત્તિર્ણ થયા છે, જે શાળા માટે ગૌરવની વાત માનવામાં આવે છે. આ સફળતા પાછળ વિદ્યાર્થીઓની લગન, મહેનત અને શિક્ષકોનું માર્ગદર્શન મુખ્ય કારણ બની રહ્યું છે.
પરીક્ષામાં દિત્યા જગદીશ નાંદોલાએ ડિસ્ટીંગશન સાથે ઉત્તિર્ણ થઈ ખાસ સફળતા મેળવી હતી. તે ઉપરાંત રોશનીબેન ભુપતસંગ મકવાણાએ પણ ડિસ્ટીંગશન મેળવી પોતાના પ્રતિભાશાળી નૃત્ય કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. પ્રત્યુશાબેન જગદીશભાઈ ગજ્જર ફર્સ્ટ ક્લાસ સાથે ઉત્તિર્ણ થયા હતા, જ્યારે પ્રાંજલ ઉમેશભાઈ કલસરિયા અને મહેક કમલેશભાઈ ઉમરાળીયાએ પણ ફર્સ્ટ ક્લાસ સાથે પરીક્ષા પાસ કરી શાળાનું ગૌરવ વધાર્યું હતું. વિદ્યાર્થીઓની આ સિદ્ધિએ શાળા પરિવાર તેમજ વાલીઓમાં આનંદ અને ગર્વની લાગણી પેદા કરી છે.
આ પરીક્ષા વલસાડથી પધારેલા જાણીતા કલાગુરુ પૂર્વી રાણા ના માર્ગદર્શન અને નિગરાની હેઠળ યોજાઈ હતી. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓના નૃત્યકૌશલ્ય, તાલ-લયની સમજ, અભિનય અને પરંપરાગત ભરતનાટ્યમના મૂળ તત્ત્વોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસ સાથે પોતાની પ્રતિભા રજૂ કરી અને ઉત્તમ પ્રદર્શન કર્યું હતું.
વિદ્યાર્થીઓને ભરતનાટ્યમ નૃત્યની સચોટ અને વ્યવસ્થિત તાલીમ નૃત્યશિક્ષિકા મનીષા મેહુલ પરમાર દ્વારા આપવામાં આવી હતી. તેમના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ નિયમિત મહેનત કરી અને પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કર્યું છે. નૃત્યશિક્ષિકાની મહેનત અને સમર્પણના કારણે વિદ્યાર્થીઓમાં નૃત્યકલા પ્રત્યે વધુ રસ અને પ્રેરણા ઉભી થઈ છે.
વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી કપિલ સ્વામીજી, એકેડેમી ડાયરેક્ટર ડો. શૈલેષ લુહાર, એડમિન ડાયરેક્ટર હિતેન ઉપાધ્યાય, શાળાના આચાર્ય ચંદ્રવદન પટેલ તેમજ સમગ્ર શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી અને ભવિષ્યમાં પણ આવી જ સફળતા પ્રાપ્ત કરે તેવી આશા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે શાળા પરિવારે જણાવ્યું હતું કે શિક્ષણ સાથે સાથે સંગીત, નૃત્ય અને કલા જેવા ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવું જરૂરી છે, કારણ કે આવી પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર સતત આવા સર્જનાત્મક ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓને આગળ વધવા માટે પ્રેરિત કરતું રહ્યું છે.
ભરતનાટ્યમ પરીક્ષામાં શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર સલવાવના વિદ્યાર્થીઓ ઝળક્યા !






