આધુનિક સુવિધાઓથી સજ્જ બે કિ.મી. લાંબો માર્ગ શહેરને આપશે નવી ઓળખ
ગોસા (ઘેડ), તા. ૧૦ માર્ચ ૨૦૨૬
પોરબંદર શહેરના સર્વાંગી વિકાસ અને આધુનિક સુવિધાઓથી સજ્જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવાની દિશામાં પોરબંદર મહાનગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ અને દૃષ્ટિપૂર્ણ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. છાંયા વિસ્તારમાં અંદાજે રૂ. ૧૫ કરોડના ખર્ચે લગભગ બે કિલોમીટર લાંબો અને આશરે ૧.૯૦ મીટર પહોળો આઇકોનિક રોડ બનાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે. આ માર્ગ માત્ર વાહન વ્યવહારને સુગમ બનાવશે એટલું જ નહીં પરંતુ શહેરના સૌંદર્યમાં વધારો કરીને તેને આધુનિક ઓળખ આપશે.
રાજ્ય સરકાર દ્વારા નવી રચાયેલ મહાનગરપાલિકાઓમાં ઝડપી ગતિએ વિકાસકાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ શહેરોમાં આધુનિક માળખાકીય સુવિધાઓ ઊભી કરવાની દિશામાં અનેક પ્રોજેક્ટો અમલમાં મૂકવામાં આવી રહ્યા છે. પોરબંદર શહેરમાં આઇકોનિક રોડનું નિર્માણ પણ તે જ પ્રયાસનો એક મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવી રહ્યો છે.
સરકારનો મુખ્ય હેતુ શહેરોને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ બનાવવાનો, નાગરિકોને સલામત અને સુવિધાસભર માર્ગ વ્યવસ્થા પૂરી પાડવાનો તથા ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો લાવવાનો છે. સાથે સાથે શહેરની સૌંદર્યવૃદ્ધિ, પર્યાવરણમિત્ર વિકાસ અને પ્રવાસનને પ્રોત્સાહન આપવાનો પણ આ યોજના પાછળનો મુખ્ય વિચાર છે. આવા આઇકોનિક રોડના નિર્માણથી શહેરમાં રોકાણકારોનો રસ વધે છે, આસપાસની મિલ્કતની કિંમતમાં વધારો થાય છે અને આર્થિક પ્રવૃત્તિઓને પણ વેગ મળે છે.
પોરબંદર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી એચ.જે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ આ પ્રોજેક્ટની કામગીરી ટૂંક સમયમાં શરૂ થવાની છે. છાંયા વિસ્તારમાં બનનાર આ રોડને આધુનિક ડિઝાઇન સાથે તૈયાર કરવામાં આવશે. માર્ગના મધ્ય ભાગમાં આશરે ૦.૬૦ મીટર પહોળો ડીવાઈડર બનાવવામાં આવશે. આ ડીવાઈડરમાં ટ્રી પ્લાન્ટેશન કરવામાં આવશે જેમાં ૪ થી ૬ ફૂટ ઊંચાઈના કદંબ, ગુલમહોર અને લીમડા જેવા પર્યાવરણમિત્ર વૃક્ષો રોપવામાં આવશે. આ વૃક્ષો માર્ગની સૌંદર્યવૃદ્ધિ સાથે સાથે પર્યાવરણનું સંતુલન જાળવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
આ રોડની બંને બાજુ લગભગ ૬.૫૦ મીટર પહોળો મુખ્ય માર્ગ બનાવવામાં આવશે જેથી વાહન વ્યવહાર સરળતાથી થઈ શકે. ઉપરાંત ૧.૭૦ મીટર જેટલી પાર્કિંગ જગ્યા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે જેથી વાહનોને યોગ્ય રીતે પાર્ક કરવાની સુવિધા મળી રહે. પગપાળા ચાલતા નાગરિકોને સુરક્ષિત અવરજવર માટે ૧.૫૦ મીટર પહોળી ફૂટપાથની વ્યવસ્થા પણ કરવામાં આવશે.
માર્ગને વધુ સુવિધાસભર અને આકર્ષક બનાવવા માટે સ્ટ્રીટ ફર્નિચરની વ્યવસ્થા કરવામાં આવશે. તેમાં કેટઆઈ, થર્મોપ્લાસ્ટર રોડ માર્કિંગ, આરામ માટે બેંચ તેમજ સ્વચ્છતા જળવાઈ રહે તે માટે ડસ્ટબીન મુકવામાં આવશે. આ ઉપરાંત સમગ્ર માર્ગ પર લગભગ ૧૦ મીટરના અંતરે કુલ ૪૫૦ ડેકોરેટિવ સ્ટ્રીટ લાઈટ સ્થાપિત કરવામાં આવશે. આ લાઈટો માર્ગને રાત્રિના સમયે પણ પ્રકાશિત રાખશે અને નાગરિકોની સલામતીમાં વધારો કરશે.
જાહેર પરિવહનને સુવિધાજનક બનાવવા માટે આ માર્ગ પર ૧૨ અદ્યતન અને આધુનિક બસ સ્ટેન્ડ ઉભા કરવામાં આવશે. નાગરિકોને આરામ મળે તે માટે આશરે ૩૫૦ બેંચ મુકવામાં આવશે. ભારત સરકારના સ્વચ્છતા અભિયાનને ધ્યાનમાં રાખીને ૩૨ ડસ્ટબીનની વ્યવસ્થા કરવામાં આવશે. માર્ગ પર સલામતી વધારવા માટે બોલાર્ડ તથા માર્ગના કેટલાક વિસ્તારોમાં રેલીંગ પણ બનાવવામાં આવશે.
આ પ્રોજેક્ટની ખાસ વાત એ છે કે માર્ગ સાથે જોડાયેલી વિવિધ સેવાઓને આધુનિક રીતે ગોઠવવામાં આવશે. પાણીની લાઈન, ગેસ લાઈન, ઇલેક્ટ્રિક વાયરિંગ અને કોમ્યુનિકેશન કેબલને અન્ડરગ્રાઉન્ડ કરવામાં આવશે. આથી માર્ગ પર ગોથાંગાંઠ ટળશે, દેખાવ સુંદર બનશે અને લાંબા ગાળે જાળવણી ખર્ચમાં પણ ઘટાડો થશે.
વરસાદી મોસમમાં પાણી ભરાવાની સમસ્યા ટાળવા માટે રોડની બંને બાજુ સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ પણ બનાવવામાં આવશે. આ સિસ્ટમ વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરશે અને માર્ગને નુકસાનથી બચાવશે.
આ આઇકોનિક રોડ પૂર્ણ થયા બાદ છાંયા વિસ્તારને નવી ઓળખ મળશે. નાગરિકોને સુરક્ષિત અને સુવ્યવસ્થિત માર્ગ મળશે, ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થશે અને સમગ્ર વિસ્તારનો વિકાસ વધુ ઝડપથી આગળ વધશે. સાથે સાથે પ્રોપર્ટી વેલ્યુમાં વધારો થશે અને વેપાર-ઉદ્યોગને પણ પ્રોત્સાહન મળશે. પ્રવાસીઓ માટે પણ આ વિસ્તાર એક આકર્ષક સ્થળ બની શકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ રીતે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલ આઇકોનિક રોડનો પ્રોજેક્ટ શહેરના આધુનિક વિકાસમાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. આવનારા સમયમાં આ માર્ગ શહેરની પ્રગતિ અને વિકાસનું પ્રતિક બનશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
રિપોર્ટર: વિરમભાઈ કે. આગઠ
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા છાંયા વિસ્તારમાં રૂ. ૧૫ કરોડના ખર્ચે આઇકોનિક રોડનું નિર્માણ કરાશે






