વેપારનું બદલાતું સ્વરૂપ અને ગ્રાહક અધિકાર દિનનો સંદેશ

On: March 15, 2026 6:33 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now


આજનો યુગ વેપારનો યુગ ગણાય છે. વેપાર હવે માત્ર ખરીદ-વેચાણ પૂરતો સીમિત રહ્યો નથી; તે રાજકારણ, સમાજ, સંસ્કૃતિ અને આંતરરાષ્ટ્રીય સંબંધોમાં પણ પ્રવેશી ગયો છે.

15 માર્ચનો દિવસ સમગ્ર વિશ્વમાં ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવાય છે. ગ્રાહક એટલે ખરીદનાર, અને ગ્રાહક ત્યારે જ હોય જ્યારે વેપારી હોય. પરંતુ આજે સ્થિતિ એવી બની ગઈ છે કે દરેક સંબંધમાં વેપારની નીતિ અને લાભ-નુકસાનની ગણતરી પ્રવેશી ગઈ છે.
આધુનિક વિશ્વમાં વેપાર અને રાજકારણ એકબીજાથી અળગા રહી શકતા નથી. આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક નિર્ણયો પાછળ આર્થિક હિતો છુપાયેલા હોય છે. ઉદાહરણ તરીકે, મધ્યપૂર્વના પ્રદેશમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ ઉભી થાય ત્યારે તેની સીધી અસર વિશ્વના તેલ વેપાર પર પડે છે. ગલ્ફ દેશો દ્વારા ક્રુડ ઓઈલના વેપારમાં મર્યાદા મૂકવામાં આવે તો વિશ્વ અર્થતંત્ર હચમચી જાય છે. આવા સમયે વિશ્વની મહાસત્તાઓ પોતપોતાના આર્થિક હિતોને ધ્યાનમાં રાખીને નવી યોજનાઓ બનાવે છે.
આ સંદર્ભમાં ઘણી વખત મોટા ઉદ્યોગપતિઓ અને રાજકીય નેતાઓ વચ્ચેના કરારો ચર્ચામાં આવે છે. અમેરિકાના નેતાઓ, ભારતના ઉદ્યોગપતિઓ અને ભારતીય રાજકારણ વચ્ચે થતી મોટી ડીલ્સ પાછળ પણ રાજકીય અને આર્થિક ગણિત કામ કરતું હોય છે. મોટા રોકાણો, રિફાઇનરીઓ, ઊર્જા પ્રોજેક્ટો કે ટેકનોલોજી ક્ષેત્રમાં કરાતી ભાગીદારી માત્ર વ્યવસાયિક નિર્ણય નથી રહેતા; તે દેશોની નીતિ અને આંતરરાષ્ટ્રીય સંબંધોને પણ અસર કરે છે.
એક સામાન્ય ગણિત કરીએ તો મોટા ઉદ્યોગપતિ માટે દરેક ડીલમાં નફો હોવો જરૂરી છે. વેપારનો મૂળ સિદ્ધાંત પણ એ જ છે – લાભ. બીજી તરફ દેશના નેતાઓ માટે પણ વેપાર માત્ર કમાણીનો સાધન નથી, પરંતુ દેશની અર્થવ્યવસ્થા મજબૂત બનાવવાનો માર્ગ છે. એટલે વેપારની નીતિ હવે રાજકીય વ્યૂહરચનાનો મહત્વનો ભાગ બની ગઈ છે.
જો આપણે ભારતના ઉદ્યોગજગત પર નજર કરીએ તો એક સમય એવો હતો જ્યારે ઉદ્યોગપતિઓ માત્ર ઉત્પાદન અને વેચાણ સુધી સીમિત હતાં. ધીરુભાઈ અંબાણીનું ઉદાહરણ અહીં ખાસ નોંધપાત્ર છે. તેમણે નાનકડા ટેક્સટાઈલ ટ્રેડિંગથી શરૂઆત કરીને રિલાયન્સ જેવા વિશાળ સામ્રાજ્યની સ્થાપના કરી. 1950ના દાયકામાં શરૂ થયેલો આ વ્યવસાય આજે પેટ્રોકેમિકલ્સ, ઊર્જા, રિટેલ, ટેલિકોમ, ડિજિટલ સેવાઓ અને નવી ઊર્જા જેવા અનેક ક્ષેત્રોમાં ફેલાઈ ગયો છે.
આજે રિલાયન્સ માત્ર એક કંપની નથી, પરંતુ એક બ્રાન્ડ બની ગઈ છે. રિલાયન્સ ફ્રેશ જેવા સ્ટોર દ્વારા ઘરગથ્થુ વસ્તુઓથી લઈને કપડાં, ફેશન, સોનું-હીરા અને ડિજિટલ સેવાઓ સુધી દરેક ક્ષેત્રમાં તેનું વિસ્તરણ જોવા મળે છે. આધુનિક યુગમાં મોટા કોર્પોરેટ ઘરોનો આ પ્રકારનો પ્રભાવ વેપારની નવી દિશા દર્શાવે છે.
પરંતુ વેપારના આ વિસ્તરણ સાથે કેટલાક પ્રશ્નો પણ ઊભા થયા છે. પહેલા વેપારમાં વેપારી અને ગ્રાહક બંનેનો ફાયદો ધ્યાનમાં રાખવામાં આવતો હતો. આજે સ્પર્ધા એટલી વધી ગઈ છે કે માર્કેટિંગ, બ્રાન્ડિંગ અને જાહેરાતોનો ભારે પ્રભાવ જોવા મળે છે. ઘણી વખત સામાન્ય વસ્તુઓને વિશેષ રીતે રજૂ કરીને વધુ કિંમતે વેચવામાં આવે છે.
આજના જાહેરાતોના યુગમાં ગ્રાહકને આકર્ષવા માટે પ્રોડક્ટને તેની વાસ્તવિક ગુણવત્તા કરતાં ઘણી વધારે ઉત્તમ દેખાડવામાં આવે છે. જાહેરાતમાં ખર્ચાયેલો મોટો ખર્ચ અંતે ગ્રાહક પાસેથી જ વસૂલવામાં આવે છે. એટલે ક્યારેક પ્રોડક્ટની કિંમત વધે છે અથવા ગુણવત્તામાં ઘટાડો થાય છે.
આ પરિસ્થિતિમાં બ્રાન્ડનો જન્મ થયો. બ્રાન્ડ ગ્રાહકને વિશ્વાસ આપે છે કે આ પ્રોડક્ટની ગુણવત્તા માટે કંપની જવાબદાર છે. પરંતુ બ્રાન્ડના નામે ઘણી વખત સામાન્ય વસ્તુઓ પણ ખૂબ ઊંચી કિંમતે વેચાય છે. 50 કે 100 રૂપિયાની વસ્તુ બ્રાન્ડના નામે હજારો રૂપિયામાં વેચાતી જોવા મળે છે.
બ્રાન્ડનો પ્રભાવ માત્ર બજારમાં જ નહીં, પરંતુ સમાજમાં પણ દેખાય છે. ઘણા લોકો માટે બ્રાન્ડ હવે સ્ટેટસનું પ્રતીક બની ગયું છે. સમાજમાં પ્રતિષ્ઠા જાળવવા માટે લોકો મોંઘી બ્રાન્ડેડ વસ્તુઓ ખરીદવા પ્રેરાય છે. આ કારણે નાનાં વેપારીઓ માટે સ્પર્ધા કરવી મુશ્કેલ બની જાય છે.
આર્થિક દબાણના કારણે લોકો વધારે કમાણી માટે નવા માર્ગો શોધવા લાગે છે. મહેનત કરીને જેટલું મળે તે પૂરતું ન લાગે ત્યારે કેટલાક લોકો ભ્રષ્ટાચાર કે છેતરપિંડી જેવા રસ્તાઓ અપનાવે છે. આ રીતે સામાજિક અશાંતિનું મૂળ પણ ઘણી વખત આર્થિક અસમાનતામાં છુપાયેલું હોય છે.
મોંઘવારી પણ આ સ્થિતિને વધુ ગંભીર બનાવે છે. એક સમય એવો હતો જ્યારે સોનાની કિંમત થોડા હજાર રૂપિયામાં હતી, જ્યારે આજે તે લાખોમાં પહોંચી ગઈ છે. છતાં સમાજમાં લગ્ન-પ્રસંગો, સામાજિક કાર્યક્રમો અને દેખાવ માટેનો ખર્ચ ઓછો થયો નથી.
લગ્ન જેવા પ્રસંગોમાં તો ખર્ચની સ્પર્ધા વધી ગઈ છે. ઘણા પરિવારો સમાજમાં માન-પ્રતિષ્ઠા જાળવવા માટે પોતાની આવક કરતાં વધુ ખર્ચ કરે છે. દેખાદેખીના કારણે ઘણી વખત લોકો પર આર્થિક ભાર વધે છે.
ગુજરાતી સંસ્કૃતિમાં નરસિંહ મહેતાની કુંવરબાઈના મામેરાના પ્રસંગથી એક સારો સંદેશ મળે છે. તેમાં કોઈ લેન-દેન વગર કન્યાદાન કરવાની પરંપરા દર્શાવવામાં આવી છે. આ પરંપરા એ બતાવે છે કે સમાજમાં સાદગી અને સમાનતાને મહત્વ આપવું જોઈએ.
પરંતુ આજના સમયમાં લગ્ન પ્રસંગો ખૂબ જ ભવ્ય બન્યા છે. મોંઘી સજાવટ, ભવ્ય ભોજન, વિશાળ કાર્યક્રમો અને ભારે ખર્ચ સામાન્ય બની ગયા છે. આ બધું ઘણી વખત સમાજની કમજોરીનો લાભ લઈને ચાલતા વેપારને પ્રોત્સાહન આપે છે.
આવા સમયમાં ગ્રાહક અધિકાર દિન આપણને એક મહત્વપૂર્ણ સંદેશ આપે છે. વેપારી હોય કે ગ્રાહક – બંનેએ એકબીજાના અધિકારોનો સન્માન કરવો જોઈએ. વેપાર માત્ર નફા માટે નહીં, પરંતુ વિશ્વાસ અને નૈતિકતાના આધાર પર પણ થવો જોઈએ.
જો આપણે જીવનમાં એક નાનું સૂત્ર અપનાવીએ – “હું કોઈને છેતરીશ નહીં” – તો તે પણ એક મોટું ચરિત્ર નિર્માણ કરી શકે છે. નૈતિકતા અને વિશ્વાસના આધાર પર ચાલતો વેપાર સમાજને મજબૂત બનાવે છે.
જ્યારે વેપાર નીતિપૂર્વક થશે, ત્યારે સમાજમાં વિશ્વાસ વધશે, અર્થતંત્ર મજબૂત બનશે અને દેશની પ્રગતિ વધુ ઝડપથી થશે. ત્યારે જ ભારતીય અર્થતંત્ર વિશ્વના ડોલર, યુરો, પાઉન્ડ, યેન અથવા યુઆન જેવી મજબૂત ચલણોને ટક્કર આપી શકશે.
ગ્રાહક અધિકાર દિનના અવસરે આપણે સૌએ એક સંકલ્પ કરવો જોઈએ – વેપારમાં સચ્ચાઈ, પારદર્શિતા અને નૈતિકતાને મહત્વ આપવાનો.
જય હિંદ.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

નારવડ ગામે અખાત્રીજ નિમિત્તે ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીનું ધાન્યથી ભવ્ય સન્માન !

કપરાડા વિધાનસભા 181માં જીતુભાઈ ચૌધરીના પ્રચારને જબરદસ્ત જનસમર્થન સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી–2026માં ભાજપે રેકોર્ડ બહુમતીનો દાવો, વિકાસ મુદ્દે મતદારો ઉત્સાહિત !

કપરાડા વિધાનસભામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા ભાજપનો પ્રચાર તેજ

સુખાલા–નાનાપોઢામાં ભાજપનો જોરદાર પ્રચાર: મમતા બેન પટેલ અને મિતેશભાઈ પટેલને મતદારોનો ઉત્સાહભર્યો પ્રતિસાદ

મહાકાળી માં જગતમાં કરુણામઈ માઁ છે — પ્રફુલભાઈ શુક્લ

“જીવનમાં આપણું ધારેલું થાય તો તેને પ્રભુની કૃપા સમજવી અને જો ધારેલું ના થાય તો તે પણ પ્રભુની ઈચ્છા માની સ્વીકારી લેવું.” પ્રફુલભાઈ શુક્લ

error: Content is protected !!